Gujarat

કલેક્ટર કચેરીઓ સહિત મહેસુલ વિભાગના લેટલતીફ કર્મચારીઓની ખેર નહીં

રાજ્યમાં જિલ્લા કલેકટર કચેરીઓ તથા સચિવાલયમાં મહેસુલ વિભાગના અધિકારીઓ-કર્મચારી નોકરીએ મોડા આવી રહ્યા છે તેવી સતત ફરિયાદ મળી છે, તેના કારણે હવેથી જો કર્મચારીઓ ઓફિસમાં મોડા આવશે તો તેઓની સામે પગલા લેવાશે, એટલું જ નહીં ખાતાકિય રાહે પણ પગલા લેવાની સરકારને ફરજ પડશે, તેવી ચેતવણી સોમવારે મહેસુલ મંત્રી રાજેન્દ્રિ ત્રિવેદીએ આપી હતી. ગાંધીનગરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ 10 વાગ્યા પછી સચિવાલયમાં સ્વર્ણિમ સંકુલ – વનની ઓફિસમાં આવી જાય છે. જ્યારે ઓફિસમાં મોડે સુધી કામ કરતા જોવા મળી રહ્યા છે.

આજે ગાંધીનગરમાં વિધાનસભા ખાતે પોડિયમમાં ભારતના ક્રાંતિ સંગ્રામના ક્રાંતિવીર અને ગુજરાતના પનોતા પુત્ર શ્યામજી કૃષ્ણ વર્માની ૧૬૪મી જન્મતિથીએ ભાવસભર અંજલિ અર્પણ કરવાના સમારંભ બાદ પત્રકારો સાથેની વાતચીતમાં મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું હતું કે ‘મને આજે સવારથી રાજ્યના જુદા જુદા વિસ્તારોમાંથી ફોન આવી રહ્યા છે, કે જવાબદાર સિનિયર અધિકારીઓ સવારે 10થી 11 વાગ્યાની વચ્ચે ઓફિસમાં હાજર જોવા મળ્યા નથી.

આ કર્મચારીઓ કે અધિકારીઓએ વર્ક કલ્ચર બદલવું પડશે, ઓફિસમાં 10 વાગ્યાથી હાજરી આપવી પડશે, જો તેમ નહીં થાય તો અધિકારીઓ કે કર્મચારીઓ સામે પગલા ભરાશે, જરૂર પડ્યે ખાતાકિય રાહે પગલા પણ ભરાશે. ત્રિવેદીએ કહ્યું હતું કે ‘હું ગમે ત્યારે ગમે તે ઘડીયે કોઈ પણ જિલ્લા કલેકટરની ઓફિસમાં જવાનો છું. પ્રાન્તની કચેરીમાં ખુબ લાંબા સમયથી તકરારી કેસોના ચુકાદાઓ પડતર હશે, તો પગલા લેવાશે.

ખાસ ઉલ્લેખનીય છે કે ગઈકાલે રવિવારે મહેસુલ મંત્રી વડોદરા જિલ્લા કલેકટર કચેરીએ જાત તપાસ માટે ગયા હતા. જ્યાં પ્રાન્ત અધિકારી સમક્ષ ઘણાં લાબા સમયથી ઠરાવ લીધેલા કેસોના ચુકાદ પડતર પડ્યા હતા. આ ચુકાદાઓ ત્વરીત આપવા તેમણે જિલ્લાના સિનિયર અધિકારીઓને તાકિદ કરી હતી. આ અગાઉ મહેસુલ મંત્રી ત્રિવેદી અચાનક અમદાવાદ જિલ્લા કલેકટર કચેરીઓ પહોંચી ગયા હતા. એટલું જ નહીં કામગીરીની ચર્ચા કરી હતી.

Most Popular

To Top