Dakshin Gujarat

વાલોડના ખાંભલા ગામમાં દીપડી પાંજરે પુરાઈ, ગયા અઠવાડિયે જ બકરીના બચ્ચાનો શિકાર કર્યો હતો..

વ્યારા: વ્યારાના વાલોડના ખાંભલા ગામમાંથી એક દીપડી પકડાય છે. સોમવારે મળસ્કે તે મરઘા ખાવાની લાલચે આવી ત્યારે વનવિભાગ દ્વારા મુકવામાં આવેલા પાંજરામાં પુરાઈ ગઈ છે. (another panda was found in a cage at valod vyara)વાલોડ તાલુકામાં મીની અભ્યારણ તરીકે ઓળખાતા ખાંભલા ગામે અઠવાડિયા પહેલાં હરસિંગભાઈ રુમસિંગભાઈ ચૌધરીના કોઢાર માંથી રાત્રીના સમયે દિપડીએ ઉપરા છાપરી બકરીના બચ્ચાનો શિકાર કર્યો હતો. વાલોડ વનવિભાગના આરએફઓને જાણ કરતા વન કર્મચારીઓએ મંગળવારે સાંજે પાંજરુ મુક્યુ હતુ. જેમાં સોમવારે મળસ્કે મરધા ખાવાની લાલચે દીપડી પાંજરે પુરાઇ ગઇ હતી. જેની ઉંમર ૬ વર્ષની હોવાનુ જાણવા મળ્યુ છે.

વાલોડ વનવિભાગને હરસિંગભાઈએ જાણ કરતા વનવિભાગે આ દિપડીનો કબજો લઈ દિપડીને જંગલમાં છોડવાની તજવીજ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે ખાંભલા ગામે આશરે છેલ્લા ૩ વર્ષમાં ૨૨ દીપડા પકડાઇ ચુક્યા છે છતા વન વિભાગે કોઇ નક્કર પગલા ભર્યા નથી. અહીં મોટી સંખ્યામાં દીપડા નિકળી રહ્યા છે. આ દીપડા ક્યાં આવે છે ? આ વિસ્તારમાં વન વિભાગ જ દીપડાઓ છોડી જાય છે કે કેમ ? ચર્ચાનો વિષય બન્યો છે.

મીની અભ્યારણ ગણાતા આ ખાંભલા ગામે દીપડા વસ્તી વાળા વિસ્તારમાં ધસી કોઇ નિર્દોષનો ભોગ ન લે તે માટે અત્યાર સુધીમાં આ ગામનાં ચારેય તરફ કે જંગલ વિસ્તારમાં કોઇ ફેન્સિંગ જેવી કામગીરી કરવામાં આવી હોય તેવું દેખાતુ નથી, જેનાં કારણે આ વિસ્તારમાં દીપડાનો આંતક વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યો છે. જેનાં કારણે રાત્રી દરમિયાન દુધ ભરવા જતા લોકો તેમજ રાત્રીએ ખેતરે પાણી વાળવા જતા ખેડુતોમાં ભયની લાગણી પ્રસરી છે.

છેલ્લાં ત્રણ વર્ષમાં 22 દીપડા પકડાયા હોવા છતાં જંગલી જનાવરથી કાયમી છૂટકારા માટે કોઈ ઉપાય કરવામાં આવી રહ્યો નથી. વનવિભાગની ઉદાસીનતાના પગલે સમસ્ત પંથકના ગામવાસીઓ નારાજ છે. ક્યારેય કોઈ જંગલી જનાવર આવીને હૂમલો કરશે તે નક્કી નહીં હોય ગામવાસીઓ અદ્ધર જીવે રાત વિતાવે છે. ઘણીવાર તો દિવસના ઉજાસમાં પણ ખેતરો અને વાડાઓમાં દીપડા આવી જતા હોય છે. વનવિભાગ જંગલી જનાવરોથી ગામવાસીઓના રક્ષણનો કાયમી ઉકેલ લાવે તેવી માંગ ઉઠી છે.

Most Popular

To Top