Business

કોરોના ‘દમન’નો ‘મધ્યાંતર’ હવે રંગભૂમિને બનાવે ‘મૃત્યુંજય’…

રત પર્ફોર્મિંગ આર્ટીસ્ટ્સ એસોસીએશન અને જીવનભારતી મંડળના સંયુક્ત ઉપક્રમે ‘થિયેટર કાફે’, ૨૫ સપ્ટેમ્બરે “કલરટેક્સ”ના સહયોગે નવમા મણકા વડે ફરી આરંભાયું. પ્રેક્ષકો તો જાણે રાહ જોતા હોય તેમ મોટી સંખ્યામાં નાટકો માણવા ઊમટી પડ્યા હતા પરંતુ સરકારી ગાઈડલાઈનને કારણે નાટકોનો આરંભ થતાં પ્રવેશ અટકાવી દેવો પડ્યો હતો. ‘થિયેટર કાફે’ને કોરોનાના અનિચ્છનીય દોઢ વર્ષના અંતરાલ બાદ પુન: આરંભ કરાવવા સુમનપા સ્થાયીસમિતિ અધ્યક્ષ શ્રી પરેશ પટેલ, સાંસ્કૃતિક સમિતિ અધ્યક્ષા-ઉપાધ્યક્ષા શ્રી પૂર્ણિમા દાવલે અને શ્રી આરતી પટેલ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.

પહેલું નાટક  – મધ્યાંતર

યોગાનુયોગે પહેલું નાટક, નાટ્યકળાના શિક્ષકના જીવનમાં અકસ્માતને કારણે ઉદ્દભવતા અકથ્ય સંજોગોની વાત લઈને આવ્યું, જે અનુભવી કલાકાર જિતેન્દ્ર સુમરાના માવજતભર્યા દિગ્દર્શનમાં રજૂ થયું. બાળક ન હોવાથી એક દંપતીનાં મનોવલણો વિશે નાટક લખતા મિત્રને મદદ કરતા આ નાટયશિક્ષક અને પત્નીને પણ બાળકની ઊણપ સહજ સાલતી હોય છે. હેપનીંગ્સ દ્વારા કલ્પિત અને વાસ્તવિક ઘટનાઓ એક વળાંકે ભેગી થઈ જાય અને પાત્રોનુ અંતર મધ્ય વિસ્ફોટક બની રચે ‘મધ્યાંતર’. નાટ્યશિક્ષક અને અકસ્માતગ્રસ્ત પાત્રને ડેનીશ જરીવાળા હૂબહૂ રજૂ કરી શક્યા તેમાં તેમનો અનુભવ અને વિશ્વાસ દેખાયો.

તેમની પત્નીનું પાત્ર નીવડેલી અભિનેત્રી પ્રીતિ પટેલે એટલું સહજ અને સરસ ભજવ્યું કે તે પાત્રનો અંત પ્રેક્ષકોને હચમચવી ગયો. સૂત્રધાર તે જ લેખક મિત્ર એમ બે પાત્રોને કૃણાલ પારેખે પ્રસ્તુત કરતા પોતાની અંદરના કળાકારને એ રીતે કામે લગાડ્યો કે જવાબદારીની બેવ ધારનો અભિનય ધારદાર બન્યો. દિષીતા ચોપડાએ અભિનયની ચોપડી મંચ પર પહેલી વાર ખોલીને બતાવ્યું કે આવનારા સમયમાં સારું કામ કરવાની તૈયારી તે કરી શકે છે. જયવર્ધનના નાટકને ભજવણી સ્વરૂપમાં મૂકવાનું દિગ્દર્શન અને લેખન કરી જિતેન્દ્ર સુમરાએ લેખન માટે ખૂબ આશા જન્માવી છે.

બીજું નાટક – મૃત્યુંજય

 જય દીક્ષિતની મંજાયેલી કલમ ‘મૃત્યુંજય’ બનીને બીજા એકાંકી સ્વરૂપે આવી. ઉપર ઉપરથી દેખાતો પ્રેમ કોઈની ક્રૂર મહત્ત્વાકાંક્ષા માટે પગથિયું બની જાય ત્યારે શું ન થાય? મૃત્યુંજય તો શિવ જ હોય પણ તે બનવા માનવી ભ્રામક, કુત્સિત માન્યતા વડે કેવા જઘન્ય અપરાધમાં ડૂબી જાય!!! આ વાત રજૂ થઈ એક દ્વિસ્વભાવ ધરાવતી સ્ત્રી દ્વારા, જે સુહાની જાગીરદારે પોતાની પૂરી શક્તિ કામે લગાડી વ્યક્ત કરવા ભીષણ સુંદર યત્ન સફળતાપૂર્વક કર્યો. અંકિત ભટ્ટે કદાચ પહેલી વાર દિગ્દર્શન પર હાથ અજમાવ્યો, અઘોરી કે તાંત્રિક માનસિકતાના વરવાપણાને વ્યક્ત કરવામાં તે ઘણે અંશે સફળ રહ્યા.  સાથે સાથે તેના સોપારીબાજ તરીકેના ધંધાદારી પાત્રમાં કવિતાની બંદૂક, બંદૂકની કવિતા બની કામ કરતી રહી. અભિષેક પાત્ર ન હોવાનું પાત્ર પ્રિયાને ખાતર નિભાવતો રહ્યો ત્યારે તેને ખબર નહોતી કે તેના પર તો મૃત્યુનો અભિષેક થનાર છે. સામાન્ય નાટક કરતાં અલગ વાતાવરણ રચનામાં બધાં પાત્રો સહિત ચીસાડાવાળી રીંગટોને પણ મદદ કરી.

ત્રીજું નાટક – દમન

શેનું શેનું દમન જરૂરી? સ્ત્રી પ્રત્યેની એકાંગી દૃષ્ટિનું દમન? ફરજ પર જ ફરજની ગેરહાજરીનું દમન? સમાજ સુધારણાના ડરની ગેરસમજનું દમન?  કે પછી સત્તાધારીનાં કરતૂતોનું દમન? આવી વિવિધ દિશાની વાત કરતું એકાંકી ‘દમન’ શિવાંગ ઠક્કરના દિગ્દર્શન, અભિનય અને રૂપાંતરના ત્રિવિધ સ્તરે રંગમંચના સુંદર વિનિયોગ સાથે રજૂ થયું. આવી સ્થિતિ આજના સમયમાં પણ પ્રવર્તે છે તે માટે કોને જવાબદાર ગણવા? અભ્યાસુ અભિનેત્રી તરીકેની ઓળખ ધરાવતી તુષારિકા રાજગુરુ સામાજિક વિકૃત વિષમતાનું ખૂન કરવા લોહીમાં હાથ ઝબોળી જાતે પોતાના કરતાં પોતાના થનાર સંતાનને બચાવવા જાતે પોલીસચોકીમાં પહોંચી જાય, ત્યાં બાળકીને જન્મ આપે.

એક સ્ત્રીમાં દબાયેલી, કચડાયેલી, ઉવેખાયેલી અને તિરસ્કારાયેલી સ્ત્રી માતા બનતા જ કેવું સ્વરૂપ ધારણ કરે છે કે દીકરી ગુમાવતા પોતે પણ પોતાને કોઈના દુરુપયોગ માટે જીવતી ન રાખવાનું પસંદ કરે છે. દમનનું આ કેટલું વરવું રૂપ છે!!!!! તુષારિકાએ વિષયાસક્ત વિકૃતિના વેદના જન્માવતાં દ્રશ્યોની સંવેદનશીલતાસભર રજૂઆત કરી નાટકને પોતાના ખભા ઉપર સહજ રીતે ઊંચકી લીધું. આવી નાટકીય ઘટનાઓ દરમ્યાન દારૂના ઘેનમાં ડૂબેલી આખી પોલીસચોકી ભાનમાં આવે તેની સાથે જવાબદારીથી ભાગવા બદલી માટે ખુશ થતાં થતાં પોલીસ અધિકારીમાંથી ક્યાંક માનવી બહાર ડોકાય એવા બહુઆયામી પાત્રની મદદે અભિનેતા, લેખક અને દિગ્દર્શક શિવાંગ ઠક્કર આવે છે. તો સામાજિક સેવિકાના બે વિરૂધ્ધ પાસાંઓને મેધાવી પંડ્યા સારી રીતે બહાર લાવવા પ્રયત્નશીલ રહે છે. મૂળ ઋષિકેશની સ્ક્રિપ્ટ છે.

ઓન સ્ટેજ કળાકારો સાથે ઓફ સ્ટેજ કળાકારોએ પણ પોતાની કળાથી નાટકોને વધુ તખ્તાલાયક અને પ્રેક્ષકપ્રિય બનાવવામાં મદદ કરી છે. સંગીત, પ્રકાશ અને નેપથ્યના મહત્ત્વના પીઠબળે નાટકોનું સ્તર એવું ઘડાયું કે આવતા મહિને ૩૧ મી ઓક્ટોબરે કયા નાટકો છે તેની પૃચ્છા થવી શરૂ થઈ ગઈ છે. સ્પા દ્વારા નવા નાટકો, નવા કળાકારને મંચ પૂરો પાડવાના મહત્ત્વના કાર્ય હવે જરૂરથી પ્રગતિમાં રહેશે…. સમારંભની શરૂઆત ત્વિષા શાહે જૂની રંગભૂમિના આવણાથી કરી સંચાલન સંભાળ્યું. પ્રમુખ કપિલદેવ શુક્લ, મંત્રી વિપુલ ભટ્ટ અને કોષાધ્યક્ષ દેવાંગ જાગીરદારે અલકા ભટ્ટ સાથે મંચની; તો જિતેન્દ્ર જીસાહેબ, સલિલ ઉપાધ્યાય, સેતુ ઉપાધ્યાયે અન્ય જવાબદારી સાથી હિમાંશુ ભટ્ટ સાથે સફળતાપૂર્વક નિભાવી. આવતા મહિને પણ સરસ નાટકો માટે ‘થિયેટર કાફે’ અને “સ્પા”ને શુભકામનાઓ…. રંગમંચનો જય હો…..મંચરંગનો જય હો……

Most Popular

To Top