સુરત: (Surat) શહેરના રસ્તાઓની (Roads) જે હાલત છે તેને જોતા લાગી રહ્યું છે કે સુરતીઓ માટે દિલ્હી અભી દૂર હૈ. તેનું કારણ એ છે કે સુરત મહાનગર પાલિકાને (Municipal Corporation) હાલ મુખ્ય માર્ગોની મરામત કરવામાં પણ પરસેવો પડી રહ્યો છે. હજી તો શહેરનાં રાજમાર્ગ પર પણ પૂરેપૂરી મરામત થઈ નથી. ભાગાતળાવથી ચોક તરફ જતા વિસ્તારમાં હજીયે ભરપૂર ખાડાઓ છે. એક તરફ વરસાદ અને બીજી તરફ શહેરમાં વધતું જતું ખાડાઓનું સામ્રાજ્ય. એવું લાગી રહ્યું છે કે હવે ખરેખર સુરત મનપાના હાથના કરેલા હૈયે વાગી રહ્યા છે. સમયસૂચકતા વાપરી ડ્રાય સ્પેલમાં રોડ રસ્તાના રિપેરિંગની ઉતાવળ ન દેખાડનાર પાલિકાને હવે વરસાદમાં (Rain) પણ લીપાપોતી કરવી પડી રહી છે. તેનું કારણ છે શહેરમાં વધતો જતો જનાક્રોશ, લોકો હવે એટલી હદ સુધી આ ખાડાઓથી કંટાળી ગયા છે કે તેઓ પાલિકા તંત્ર પર ફિટકાર વરસાવી રહ્યાં છે. ત્યારે પાલિકાનું આંધળું-બહેરું તંત્ર આ વર્ષની પરિસ્થિતિ પરથી સબક લઈ આવતા વર્ષે આવી ભૂલ ના કરે તેવી લોકલાગણી સામે આવી રહી છે.
આ વર્ષે સુરતીઓની દિવાળી ચંદ્રની ઉબડખાબડ ધરતી પર વિતે તો નવાઈ નહીં. તેનું કારણ એ છે કે શહેરમાં સતત વરસાદ વરસી રહ્યો છે. જેને કારણે પાલિકા માટે વરસાદમાં ડામર રોડ બનાવવા શક્ય નથી. બીજી તરફ જેમ જેમ સમય જશે તેમ તેમ સામી દિવાળીએ હવે કારીગરોની પણ અછત વર્તાશે. જેથી દિવાળી સુધી સમગ્ર શહેરમાં રોડ રસ્તાની મરામત થઈ શકશે કે નહીં તે કહેવું હાલ શક્ય નથી. જોકે આ વાત તો હવે સુરતીઓ પણ સમજી ચુક્યા છે કે જો સુરત મનપા દ્વારા રોડ રસ્તાના કાર્યમાં ગંભીરતા દાખવવામાં આવી હોત તો આટલી હદે રસ્તાઓ તૂટવાની અને મસમોટા ખાડા પડવાની નોબત જ ન આવી હોત.
પહેલાં મુખ્યમાર્ગોનું રિપેરિંગ થશે, બાદમાં ગલીઓમાં મરામત કરાશે
પાલિકાનું કહેવું છે કે જે મુખ્ય માર્ગો પર હાલ સૌથી વધારે ખાડા છે ત્યાં રિપેરિંગ કરવામાં આવશે. રિંગરોડ, રાજમાર્ગ, વરાછા મુખ્ય માર્ગ, કતારગામ, અડાજણ રાંદેર રોડ વગેરે મુખ્ય માર્ગોની મરામત પહેલા કરવામાં આવશે. ત્યારબાદ મુખ્ય માર્ગોને જોડતા નાના માર્ગોમાં રિપેરિંગ કાર્ય થશે અને છેલ્લે ગલીઓનો વારો આવશે. આ વાત પરથી તો એટલું નક્કી કે સુરતીઓએ પોતાના વિસ્તારમાં પડી ગયેલા મસમોટા ખાડા હજી લાંબા સમય સુધી સહન કરવા પડશે.