મુંબઈઃ (Mumbai) મુંબઈ ડ્રગ્સ કેસમાં (Drugs Case) એનસીબીએ (NCB) શાહરૂખ ખાનના દિકરા આર્યન સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે. નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) ની ટીમે શનિવારે મુંબઈમાં ચાલી રહેલી એક હાઈ પ્રોફાઇલ રેવ પાર્ટી (Rave Party) પર દરોડા પાડ્યા હતા. આ દરમિયાન 8 લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા, જેમાં બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાન (Shah Rukh Khan) ના પુત્ર આર્યન ખાન (Aryan Khan) નું નામ પણ સામેલ છે. પૂછપરછ બાદ રવિવારે બપોર બાદ આર્યન ખાન સહિત 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે. NCBની ટીમે આર્યનની કલાકો સુધી પૂછપરછ કરી હતી અને ત્યારબાદ તેની ધરપકડ કરી હતી. ધરપકડ કર્યા બાદ આર્યન ખાનને જેજે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે.
NCB ડ્રગ્સ કેસમાં જે ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે તેમાં આર્યન ખાન સિવાય અભિનેતા અરબાઝ મર્ચન્ટ અને મોડેલ મુનમુન ધામેચાનો સમાવેશ થાય છે. એનસીબી અનુસાર, ડ્રગ્સના સેવન મામલે આર્યન ખાનની ધરપકડ કરવામાં આવી છે. NCB એ NDPS કલમ 27 હેઠળ ધરપકડ કરી છે. એનસીબીના ડીજી એસએન પ્રધાને જણાવ્યુ કે રેવ પાર્ટી દરમિયાન અમને ચરસ, એનડીએમએ અને એક્સટેસી મળી આવ્યું છે. અત્યાર સુધી 8 લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ મામલે વિસ્તૃત તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
આર્યન ખાન, અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચા, જેમની રેવ પાર્ટીમાં હાજરી આપ્યા બાદ ડ્રગ્સ લેવા બદલ ધરપકડ કરવામાં આવી હતી, તેમને તબીબી સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. ત્રણેયની મેડિકલ તપાસ પૂર્ણ થયા બાદ તેમને એનસીબી કચેરીમાં પરત લાવવામાં આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મેડિકલ તપાસ કરાવ્યા બાદ ત્રણેયને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરી શકાય છે. એનસીબી દ્વારા આર્યન ખાનની ધરપકડ કર્યા બાદ તેના વકીલ સતીશ માનેશિંદે મુંબઈની એનસીબી ઓફિસ પહોંચ્યા છે. ધરપકડ પહેલા એનસીબીએ આર્યન ખાનની આઠ કલાક સુધી પૂછપરછ કરી હતી.
એનસીબી સૂત્રો પ્રમાણે શાહરૂખ ખાનના પુત્ર આર્યને પૂછપરછ દરમિયાન કહ્યુ કે, તેને વીઆઈપી ગેસ્ટ તરીકે બોલાવવામાં આવ્યો હતો. જોકે તેના માટે કોઈ ફી લેવામાં આવી નથી. આર્યને કહ્યુ કે તેના નામનો ઉપયોગ કરી બીજા ગેસ્ટને બોલાવવામાં આવ્યા હતા. જાણવા મળ્યું છે કે આર્યન ખાનના લેન્સની ડબ્બીમાંથી ડ્રગ્સ મળ્યું છે. NCBને ક્રૂઝમાંથી 30 ગ્રામ ચરસ, 20 ગ્રામ કોકેન, 25 ગ્રામ MDMA ડ્રગ્સની ટેબલેટ્સ તથા 10 ગ્રામ MD મળ્યું છે.