રાજ્યમાં દારૂબંધી છે, પરંતુ તેનું કેટલું પાલન થાય છે તે સૌ કોઈ જાણે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વલસાડ-વાપીમાં દારૂબંધી જેવું કશું લાગતું જ નથી. યુનિયન ટેરીટરી દમણ નજીક હોય અહીંના રહીશો છાશવારે કાર, બાઈક પર દારૂની બોટલો દમણથી વાપી, વલસાડ લઈ જતા હોય છે. આ જ રીતે દમણની એક કંપનીનો માલિક પોતાની કારની ડિક્કીમાં બિન્ધાસ્ત 168 બોટલ લઈ જતો હતો ત્યારે તેને પોલીસે પકડી પાડ્યો હતો. પોતાની સાળીના લગ્ન માટે દારૂનો બંદોબસ્ત કરી રહેલાં આ બનેવીને હવે જેલવાસ કરવાનો વારો આવ્યો છે.
સાળીના લગ્નમાં મહેમાનો માટે દારૂનો બંદોબસ્ત કરવું બનેવીને ભારે પડ્યું છે. સાળીના લગ્નના મંડપના બદલે જીજાજી પાંજરે પુરાઈ ગયા છે. વાત એમ છે કે, સાળીના લગ્ન માટે પોતાની કારમાં દારૂ લઈ જતો દમણની કંપનીનો એક માલિક પોલીસના હાથે પકડાયેલા છે. (daman-businessman-arrested-with-whiskey beer bottles) રિપોર્ટ અનુસાર ક્રાઈમ બ્રાન્ચ પોલીસને એવી બાતમી મળી હતી કે વાપીના કોપરલી પર એક વ્યક્તિ પોતાની કારમાં દારૂનો મુદ્દામાલ ભરીને લઈ જવાનો છે અને તે દમણ તરફથી આવી રહ્યો છે. આ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે વાપીના કોપરલી રોડ પર વોચ ગોઠવી હતી અને પોલીસ દ્વારા શંકાસ્પદ કારની તપાસ કરવામાં આવી રહી હતી. તે સમયે પોલીસને દમણ તરફથી આવતી એક સફેદ કલરની સ્વીફ્ટ કાર પર શંકા જણાઈ હતી.
ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ કારને અટકાવવામાં આવી હતી અને કારચાલકનું નામ પુછતા તેણે પોતાનું નામ મુકેશ લાડ હોવાનું કહ્યું હતું. ત્યારબાદ પોલીસે કારની અંદર તપાસ કરતા સ્વીફ્ટ કારની ડીકીમાંથી દારૂ અને બીયરની બોટલો મળી આવી હતી. પોલીસે મુકેશ લાડની કારમાંથી 168 દારૂની બોટલો જપ્ત કરી હતી અને આ દારૂની કિંમત 28,200 રૂપિયા થવા પામે છે. દારૂના મુદ્દામાલ સાથે પોલીસે મુકેશની પણ ધરપકડ કરી હતી.
પોલીસની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, મુકેશ દમણના માછી સમાજ હોલની બિલ્ડીંગમાં રહે છે અને તે આ દારૂનો જથ્થો ચીખલીમાં તેની સાળીના લગ્ન હોવાના કારણે આ લગ્ન પ્રસંગમાં લઈ જતો હતો. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મુકેશની ધરપકડ કર્યા બાદ સમગ્ર મામલે તપાસ ઉમરગામ મરીન પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવી છે. મુકેશને પણ ઉમરગામ પોલીસને સોંપ્યો છે અને હવે આ ઘટનાની તપાસ એ.બી. ઝાલા દ્વારા આગળ વધારવામાં આવી છે.