હાઈકોર્ટમાં ગુજરાત સરકારની એફિડેવીટ, દિવ્યાંગોને 4 ટકા અનામત આપશે – Gujaratmitra Daily Newspaper

Gujarat

હાઈકોર્ટમાં ગુજરાત સરકારની એફિડેવીટ, દિવ્યાંગોને 4 ટકા અનામત આપશે

ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારે (Gujarat CM Bhupendra Patel) દિવ્યાંગો (Handicapped) પ્રત્યે સહાનુભૂતિ દાખવી છે. સરકારે આજે ખૂબ મોટો નિર્ણય લીધો છે. સરકાર દ્વારા એક પરિપત્ર જાહેર કરાયો છે, જેમાં દિવ્યાંગો માટે અનામત કેટેગરી વિશે કેટલીક સ્પષ્ટતાઓ કરવામાં આવી છે. હવે સરકારી ભરતીમાં દિવ્યાંગ કેટેગરીના ઉમેદવારો (Government Job For Handicapped) માટે સરકાર અનામત નીતિ અમલમાં મુકશે.

ગુજરાત હાઈકોર્ટમાં એક જાહેરહિતની અરજી થઈ હતી ત્યાર બાદ રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. એડવોકેટ HS સુબ્રમણ્યમે કરેલી જાહેર હિતની અરજીમાં રાજ્ય સરકારે એફિડેવીટ સાથે દિવ્યાંગોને અનામત માટેનો પરિપત્ર જાહેર કર્યો છે.

સરકારી નોકરીઓની ભરતી પ્રક્રિયામાં દિવ્યાંગો માટે 4 ટકા અનામતની માંગણીને રાજ્ય સરકારે સ્વીકારી લીધી છે. દિવ્યાંગોને 4 ટકા અનામતનો લાભ આપવાનો પરિપત્ર પણ સરકારે જાહેર કરી દીધો છે. નેશનલ ફેડરેશન ફોર ધ બ્લાઈન્ટ તરફથી કોર્ટમાં કરાયેલી અરજી બાદ સરકારે આ મહત્ત્વનો નિર્ણય કર્યો છે.

આ અગાઉ નવા કાયદા પ્રમાણે જાહેર ભરતીમાં 4 ટકા અનામતની જોગવાઈ કરાઈ, પણ સરકાર અમલ નહીં કરી રહી હોવાની અરજીમાં રજૂઆત કરવામાં આવી હતી. અંધ, મૂકબધિર, શારીરિક ખોડ ખાંપણ, અને મલ્ટીપલ ડિસેબિલિટી માટે એક એક ટકા અનામત રાખવાની માંગણી આ અરજીમાં કરવામાં આવી હતી. રાજ્ય સરકારે જાહેરનામું બહાર પાડી અને આ માંગણીઓ સ્વીકારી લેતાં અરજદારોની મુખ્ય ફરિયાદનો અંત આવ્યો છે.

સરકારેે 3 ટકા જ અનામત રાખતા જાહેરહિતની અરજી કરાઈ હતી

બે મહિના પહેલાં ગુજરાત સેકન્ડરી સર્વિસમાં 320 ખાલી જગ્યાઓ માટે સરકાર દ્વારા ભરતીની જાહેરખબર આપવામાં આવી હતી, જેમાં દિવ્યાંગો માટે 4 ટકાના બદલે 3 ટકા જ જગ્યા અનામત રાખવામાં આવી હતી, જેને પગલે ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી હતી. અરજદાર હરેશ વિઠ્ઠલાણીએ આ બાબત સામે વાંધો ઉઠાવ્યો હતો. સરકારી અધિકારીઓએ કોઈ જવાબ નહીં આપતા આખરે મામલો ગુજરાત હાઈકોર્ટમાં ગયો હતો. દરમિયાન આજે ગુજરાત હાઈકોર્ટમાં ગુજરાત સરકારે એફિડેવીટ રજૂ કરીને 4 ટકા અનામત આપવા તૈયારી બતાવી હતી અને તે સંદર્ભનું નોટિફીકેશન પણ બહાર પાડ્યું હતું. આમ સરકારી ભરતી મામલે દિવ્યાંગોની મોટી જીત થઈ છે.

Most Popular

To Top