Charchapatra

નરેન્દ્ર મોદીજી ૭૧ મા વર્ષે પણ અડીખમ છે

આપણા લોકલાડીલા ગુજરાત રાજ્યના મૂળ વતની એવા શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વડા પ્રધાનપદ ઉપર રહીને ગુજરાતનું નામ રોશન કર્યું છે. જ્યારથી તેઓ વડા પ્રધાનપદે બિરાજમાન થયા છે ત્યારથી તેઓ દેશ પ્રત્યે સમર્પિત થયેલા છે. નાનપણથી જ તેઓ વિચક્ષણ બુદ્ધિના સ્વામી રહ્યા છે. એમની વિચારસરણી, વિચારશક્તિ, કામ કરવાની અને કામ કરાવવાની રીતભાત, એમની યાદશક્તિ તથા કુશાગ્ર બુદ્ધિ સરાહનીય અને કાબિલેતારિફ છે. એમની રહેણીકરણી એકદમ સરળ અને સીધી સાદી છે. રાજનીતિના આટાપાટામાં તો એ બહુ પાવરધા છે. એમની નિર્ણયશક્તિ પણ કલ્પનાથી પર હોય છે. એનું તાજું ઉદાહરણ નવા મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રાતોરાત મુખ્યમંત્રી બનાવી દીધા એ છે.

શતરંજની બાજીમાં દુશ્મનને કેવી રીતે મ્હાત આપવી એ બાબત એ સારી રીતે જાણે છે. ઉરીમાં સર્જિકલ સ્ટ્રાઇક કરીને દુનિયાને ચોંકાવી દીધી હતી. જમ્મુ કાશ્મીરમાંથી ૩૭૦ નંબરની કલમ હટાવી લેવી એ કાંઈ ખાંડાના ખેલ ન હતા, છતાં ય હિમ્મત બતાવી એમણે એ અભિયાનને પણ સાર્થક કરી બતાવ્યું છે. એ ગાંધીજીના સૂત્રને અનુસરે છે, “ડુ ઓર ડાય” મતલબ કે  કામ કરવું અથવા મરવું, પણ એને અધૂરું છોડવું નહીં. નરેન્દ્રભાઈ પણ આપણી જેમ સામાન્ય માણસ જ છે તેથી એમનામાં પણ માનવસહજ અમુક ત્રુટિઓ હશે. એમણે લીધેલાં અમુક પગલાં કે નિર્ણયો થોડા આકરા હશે કે એમણે આપેલાં અમુક વચનોનું પાલન નહીં થયું હોય એથી અમુક લોકો એમનાથી નારાજ હશે અને એમને બદનામ કરવાની દેશદ્રોહી પ્રવૃત્તિ કરે છે તે વાજબી નથી. તમારા ૧૦૦ માંથી ૯૫ કામ થાય અને પાંચ કામ ન થયાં હોય તો એને નિષ્ફળતામાં ખપાવી શકાય નહીં.

આપણને આવા બાહોશ, નીડર, દેશભક્ત નેતા મળ્યા છે એનું ગૌરવ હોવું જોઇએ. દેશ કાજે જેણે પોતાનું ઘર, પરિવારજનો તથા માતાનો ત્યાગ કરી ફકીરી લીધી હોય એને કોઈ પ્રમાણપત્ર આપવાની જરૂર નથી. આજે એમણે આપણા ભારત દેશને વિશ્વના ફલક ઉપર પહોંચાડી દીધો છે. વિશ્વના તમામ નેતાઓ આગળ એમણે પોતાની તથા ભારતની આન, બાન અને શાન વધારી છે. આપણે પ્રભુને પ્રાર્થના કરીએ કે તેમને દીર્ઘાયુ બક્ષે અને આપણને એમના નેતૃત્વનો લાભ મળતો રહે. આજે ૭૧ મા વર્ષે પણ એમની ચુસ્તી, સ્ફૂર્તિ, તંદુરસ્તી અને હામ એક જુવાનને શરમાવે એવી તાજગી, શૌર્ય અને અડગ નિર્ણયશક્તિનો જોટો જડવો મુશ્કેલ છે.
હાલોલ   – યોગેશ આર. જોશી          -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top