ગુજરાત વિધાનસભાના બે દિવસીય સત્રના છેલ્લા દિવસે મંગળવારે ગૃહમાં કોરોનાના દર્દીઓના મૃત્યુના આંકડાઓ મામલે વિસંગતતા બહાર આવતા અને તે મામલે કોંગ્રેસના સભ્યોએ હોબાળો મચાવવા સાથે ગૃહમાં વેલ ઓફ ધી હાઉસમાં ધસી આવ્યા હતા અને અહીં બેસીને રામધૂન પણ કરી હતી. જો કે અધ્યક્ષ ડૉ. નીમાબેન આચાર્ય દ્વારા કોંગ્રેસના ચારથી વધુ સભ્યોને સસ્પેન્ડ કરાયા હતા. પાછળથી કોંગી સભ્યોનું સસ્પેન્શન પાછુ ખેચાયું હતું.
કોરોનામાં મોતના આંકડાઓ મામલે વિપક્ષ કોંગીના સભ્યો દ્વારા સરકારને ઘેરવામાં આવી હતી. જેમાં ખાસ કરીને સરકાર દ્વારા મીડિયાને જે માહિતી આપવામાં આવે છે તેમાં 10082 દર્દીઓનું મૃત્યુ દર્શાવવામાં આવે છે, જ્યારે ગૃહમાં કોરોનાથી મૃત્યુના આંકડાઓ 3864 દર્શાવવામાં આવ્યા હતા. જેના પગલે વિપક્ષના સભ્યો ભારે હોબાળો મચાવવા સાથે સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરીને વેલ ઓફ ધી હાઉસમાં ધસી આવ્યા હતા એટલું જ નહીં, રામધૂન પણ શરૂ કરી દીધી હતી. જેના પગલે અધ્યક્ષ દ્વારા ગૃહની કાર્યવાહી મોકૂફ રાખવામાં આવી હતી. કોંગ્રેસ દ્વારા ‘રઘુપતિ રાઘવ રાજા રામ, ભાજપ કો સદ બુદ્ધિ દે ભગવાન’ની રામ ધૂન બોલાવવામાં આવી હતી. કોંગ્રેસના તમામ ધારાસભ્યો દ્વારા વેલમાં બેસીને સરકારનો વિરોધ કરી સૂત્રોચાર કરવામાં આવી રહ્યો હતો.
વિપક્ષ કોંગ્રેસના સભ્યોઓ આરોપ એવો હતો કે કોરોનાથી થયેલા મોત મામલે સરકાર જે આંકડા આપી રહી છે તેમાં વિસંગતતા આવી રહી છે. કોંગ્રેસના સભ્યોનો આરોપ હતો કે સરકાર મૃત્યુના આંકડાઓ છુપાવી રહી છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ મૃત્યના આંકડાઓ સાથે વિગતો આપી રહ્યા હતા. તેની સાથે વિપક્ષના સભ્યો સંમત નહી હોવાથી તેઓએ પ્લે કાર્ડ દર્શાવી સૂત્રોચ્ચાર સાથે વેલ ઓફ ધી હાઉસમાં ધસી આવ્યા હતા.
ફરી ગૃહની કાર્યવાહી શરૂ થતાં કોંગીના સભ્યોનું સસ્પેન્શન રદ કરાયું
જે કે વિપક્ષના સભ્યોએ રામધૂન શરૂ કરી દેતાં ચારથી વધુ સભ્યોને સસ્પેન્ડ કરાયા હતા. ગૃહ મુલત્વી રહ્યા બાદ ફરીથી ગૃહની કાર્યવાહી શરૂ થતાં કોંગીના સભ્યોનું સસ્પેન્શન રદ કરાયું હતું.
‘ભાગ્યા રે ભાગ્યા મુખ્યમંત્રી ભાગ્યા’ના નારા કોંગ્રેસના ધારાસભ્યોએ લગાવ્યા
ગૃહની કાર્યવાહી ફરીથી શરૂ થતાં સીએમ ભૂપેન્દ્ર પટેલ પાછા ગૃહમાં આવ્યા હતા. જો કે કોંગ્રેસના સભ્યો દ્વારા રામધૂન ચાલુ રાખવામાં આવતા મુખ્યમંત્રી ગૃહની બહાર નીકળી ગયા હતા. તે વખતે ‘ભાગ્યા રે ભાગ્યા મુખ્યમંત્રી ભાગ્યા’ના નારા કોંગ્રેસના ધારાસભ્યોએ લગાવ્યા હતા. કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા મુખ્યમંત્રીનો વિરોધ કરવામાં આવ્યો હતો.
૩૩ જિલ્લામાં કોરોનાનો મૃત્યુઆંક 3864, જ્યારે સરકારની સત્તાવાર યાદીમાં 10082
પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો દ્વારા રાજ્યના ૩૩ જિલ્લાઓમાં કોરોનાને કારણે થયેલા મૃત્યુની સંખ્યા અંગે પૂછાયેલા પ્રશ્નોના જવાબને સંકલિત કરતા 31 ઓગસ્ટ 2021 સુધીમાં, રાજ્યના 33 જિલ્લાઓમાં કોરોનાથી કુલ 3864 દર્દીઓનું મૃત્યુ થયું હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. બીજી તરફ સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી યાદીમાં અત્યાર સુધીમાં કોરોનાથી રાજ્યમાં 10,086 દર્દીઓનું મૃત્યુ થયું હોવાનું જાહેર કરવામાં આવે છે. આમ છેલ્લા ઘણા વખતથી કોંગ્રેસ સરકાર સામે આક્ષેપ કરી રહી છે, કે કોરોનાના મૃત્યુના આંકડા સરકાર દ્વારા છુપાવવામાં આવી રહ્યા છે. જે આજે વિધાનસભાના પ્રશ્નોના જવાબ પરથી સ્પષ્ટ થયું છે. કોરોનાના દર્દીઓના મૃત્યુના આંકડામાં વિસંગતતા જોવા મળે છે.