SURAT

લ્યો બોલો, સુરતમાં વકીલને ઠગ છેતરી ગયો: અસીલ વતી પોતે જ ફરિયાદી બનવું પડ્યું!

સુરત: લોકોને ન્યાય અપાવાનું કામ કરતો વકીલ જ જ્યારે છેતરપિંડીનો ભોગ બને ત્યારે શું કહેવું?, આવો જ એક કિસ્સો સુરતમાં બન્યો છે. વકીલ ઉપરાંત લોન કન્સલ્ટન્સીના કામ કરતા સુરતના યોગીચોક વિસ્તારના વકીલને વેસૂનો એક યુવક છેતરી ગયો છે. (Surat lawyer cheated in Mudra loan) પોતાના ચાર અસીલને મુદ્રા લોનમાં ઈન્ટરેસ્ટ હોય વકીલ સાહેબે ફેસબુક પર જાહેરાત વાંચી વેસુના યુવક સાથે વ્યવહાર કર્યા અને આખરે પોલીસ સ્ટેશનના ધક્કાં ખાવાની નોબત આવી પડી. હવે અસીલ વતી તેઓએ જ ફરિયાદ બનવું પડ્યું છે.

વાત એમ છે કે, સુરત શહેરના વેસુ ખાતે ઓફિસ ધરાવતા યુવકે મુદ્રા લોન કરાવી આપવાના નામે યોગીચોક ખાતે રહેતા વકીલના ચાર અસીલો પાસેથી 1.25 લાખ રૂપિયા પડાવ્યા હતા. બાદમાં લોન નહીં કરાવી આપી છેતરપિંડી આચરી હતી. જેથી વકીલે ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર પુણા યોગીચોક ખાતે એપન એવન્યુમાં રહેતા 32 વર્ષીય રાજેશકુમાર વિનુભાઇ વાગડિયા વ્યવસાયે વકીલ છે. તેઓ માતાવાડી જૈનમંદિરની બાજુમાં રામકૃષ્ણ શોપિંગમાં ઓફિસ ધરાવે છે. તેમણે ઉમરા પોલીસ સ્ટેશનમાં હાર્દિક રમેશભાઇ વાઘાણી (રહે. હરીદર્શન સોસાયટી, ડભોલી ચાર રસ્તા, કતારગામ)ની વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. રાજેશકુમારે ગત 2019માં ફેસબુક ઉપર મુદ્રા લોન કરી આપવામાં આવશે તેવી જાહેરાત જોઈ હતી.

રાજેશભાઈ વકીલાતની સાથે લોન કન્સલ્ટીંગનું પણ કામ કરતા હોવાથી જાહેરાત આપનાર હાર્દિક વાઘાણીના મોબાઈલ ઉપર સંપર્ક કર્યો હતો. બાદમાં વેસુ ખાતે એકસલ્ટ શોપિંગમાં હાર્દિકની ઓફિસમાં મુલાકાત કરી હતી. હાર્દિકે મુદ્રા લોન માટે જરૂરી ડોક્યુમેન્ટ બાબતે માહિતી આપી હતી અને લોન થાય એટલે તેના 4 ટકા લોન પ્રોસેસની ફી પેટે ચુકવવાનું કહ્યું હતું.

રાજેશભાઈએ મુદ્રા લોન લેવા માટે ઈચ્છા ધરાવતા તેમના ચાર અસીલોને હાર્દિક સાથે વાતચીત કરાવી તેને મળવા મોકલી આપ્યા હતા. હાર્દિકે લોન કરાવી આપવા જરૂરી ડોક્યુમેન્ટ લીધા હતા. ચારેય જણાએ તેમની પાસેથી અલગ અલગ ચાર્જ પેટે હાર્દિકને બેંક ખાતામાં 1,25,999 રૂપિયા ચુકવી આપ્યા હતા. બાદમાં તેમને લોન નહીં કરી આપી લીધેલા પૈસા પણ પાછા નહીં ચુકવતા વકીલે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.

હાર્દિકે ચારેયને લોન સેન્સનના લેટર પણ આપ્યા હતા
આરોપી હાર્દિકે ખાતામાં પૈસા જમા થયા બાદ જયસુખ પરસોત્તમ રાખોલીયાને 16.50 લાખનો, રાજેશ ધનસુખ સાવલીયાને 9.50 લાખનો, રાજેશ વેલજી વાગડીયાને 8 લાખનો અને બીપીન હરીભાઈ ઠેસીયાને 8.75 લાખનો લોન સેન્સન લેટર પણ આપ્યો હતો. પરંતુ આરોપીએ ત્યારબાદની કોઈ પ્રોસેસ કરી નહોતી.

Most Popular

To Top