મહુવા તાલુકા પંચાયતમાં તાલુકા વિકાસ અધિકારી અને શાસકો સામાન્ય સભામાં વિપક્ષના પ્રશ્નોથી ડર અનુભવી રહ્યા હોવાથી જાણી જોઈને સામાન્ય સભાની કાર્યવાહી પ્રક્રિયા નકલ પંચાયતના નીતિનિયમોનો કચ્ચરઘાણ કરી મોડી આપી રહ્યા હોવાના આક્ષેપો કરી રહ્યા છે. મહુવા તાલુકા પંચાયતના વહીવટ સામે આંગળી ચીંધાઈ રહી છે. ત્યારે તાલુકા પંચાયત મહુવાના વિપક્ષ દ્વારા વધુ એક વિરોધનો સૂર જોવા મળી રહ્યો છે.
તાલુકા પંચાયતની સામાન્ય સભાની કાર્યવાહી નિયમ પ્રમાણે સમયસર નહીં આપવામાં આવતી હોવાનું જાણવા મળ્યું છે. તાલુકા પંચાયતની યોજાયેલી ગત સામાન્ય સભાની કાર્યવાહી પ્રક્રિયાની નકલ બીજી સામાન્ય સભા આવી ત્યારે ત્રણ મહિના બાદ આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. યોજાનારી સામાન્ય સભાના એક દિવસ પહેલાં આ નકલ અપાતા વિપક્ષમાં રોષ જોવા મળી રહ્યો છે. વિપક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે, સવાલો નહીં પૂછે અને પોતે નહીં ભેરવાય એ હેતુસર તાલુકા વિકાસ અધિકારી અને શાસકો જાણી જાણીને સામાન્ય સભાની કાર્યવાહી પ્રક્રિયાની નકલ સમયસર આપવામાં બહાનાં કાઢી રહ્યા છે. હાલ તો જિલ્લા વિકાસ અધિકારી તેમના તાબાના તાલુકા વિકાસ અધિકારી નૈતિકતા અને ફરજના પાઠ ભણાવે એ આવશ્યકતા વર્તાઈ રહી છે.
કાર્યભારના કારણે મોડું થયું છે
કર્મચારીના કાર્યભારના લીધે આ વખતે નકલ આપવામાં મોડું થયું છે. આવતીવખતે સમયસર આપી દેવામાં આવશે.
-રણછોડ રાઠવા-ટીડીઓ, મહુવા.
પ્રશ્નોના જવાબ આપવા ન પડે એ માટેનું નાટક છે
તાલુકા પંચાયતમાંથી અમને અંધારામાં રાખવા જાણી જોઈને સામાન્ય સભાની કાર્યવાહીની નકલ સમયસર આપવામાં આવતી નથી. આપવામાં આવે છે તો બીજી સામાન્ય સભાના એક દિવસ પહેલા. તાલુકા વિકાસ અધિકારી અને શાસકોએ પ્રશ્નોના જવાબ નહીં આપવા પડે એ માટેનું નાટક છે.-ગીતાબેન મહેતા-વિપક્ષ સભ્ય.