SURAT

જોવા જેવી થઈ, સુરત પોલીસની પીસીઆર વાન ડુમસના દરિયામાં ફસાઈ ગઈ..

સુરત: (Surat) સુરતમાં એક માત્ર ફરવા લાયક સ્થળમાં ડુમસ બીચ (Dumas Beach) છે. કોરોનાના કેસો કાબુમાં આવ્યા પછી આ બીચ લોકોની અવરજવર માટે ખુલ્લો મુકાયો છે. ત્યારે મોટી સંખ્યામાં લોકો આ બીચ પર ફરવા જતા હોય છે. જોકે કિનારે રહેવાના બદલે દરિયાની મજા માણવા કેટલાક સહેલાણીઓ પોતાની ગાડી અંદર સુધી લઇ જતા હોય છે. અને જયારે દરિયામાં ભરતીનું પાણી ફરી વળે છે. ત્યારે કાદવને કારણે ગાડીઓ (Vehicle) અંદર જ ફસાઈ જાય છે. જેને બહાર કાઢવી ઘણી મુશ્કેલી પણ પડે છે. ત્યારે લોકોને દરિયા કિનારે વાહન લઈ જતા રોકતા પોલીસનું જ વાહન પાણીમાં ફસાઈ જાય તો કેવી જોવા જેવી થાય. આવું જ દૃશ્ય ડુમસના દરિયા કિનારે જોવા મળ્યું હતું.

ડુમસ બીચ પર પેટ્રોલિંગ કરવાનું કામ પોલીસનું હોય છે. સહેલાણીઓને જોખમી દરિયાથી દુર રાખવા પોલીસની (Police) પીસીઆર વાન (PCR Van) સતત રાઉન્ડ ઘી ક્લોક પેટ્રોલિંગ કરતી હોય છે. પણ લોકોને સમજાવવા ગયેલી પોલીસની પીસીઆર વાન આજે ખુદ એ કાદવમાં ફસાઈ ગઈ હતી. જેને બહાર કાઢવા પણ ખુબ મહેનત કરવી પડી હતી. આમ, સામાન્ય સુરતી તો ખરા જ પણ પોલીસની પીસીઆર વાન પણ આજે પાણીમાં ફસાઈ જતા જોવા જેવી થઇ હતી. પોલીસના વાહનના સમુદ્રની લહેરોમાંથી બાહર કાઢતા લોકોનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો.

પ્રિ-મોન્સુન કામગીરીમાં વેઠ ઉતારવામાં આવી હોવાથી સચિન જીઆઇડીસીમાં ફરી સરોવર જેવા દ્રશ્યો જોવા મળ્યાં

સુરત: સચિન જીઆઇડીસી નોટિફાઇડ ઓથોરિટી દ્વારા પ્રિ-મોન્સુન કામગીરીમાં વેઠ ઉતારવામાં આવતા ચાલું વર્ષે વરસાદી સિઝનમાં સતત ત્રીજીવાર સામાન્ય વરસાદમાં પાણીનો ભરાવો થતાં વરસાદી પાણી જીઆઇડીસીના પાવરલૂમ એકમો, એન્જિનિયરિંગ અને કેમિકલ એકમોમાં ભરાતા મેન્યુફેક્ચરિંગ યુનિટો બંધ કરવા પડયાં હતાં.

વરસાદી ગટરની યોગ્ય સાફ-સફાઇ નહીં થવા ઉપરાંત નવા બનાવવામાં આવેલા રોડના લેવલ ઊંચા-નીચા રહેતા રોડ નં.6, રોડ નં.9, રોડ નં.61 સહિતના મુખ્ય માર્ગો પર જાણે સરોવર ભરાયાં હોય તેવી સ્થિતિ જોવા મળી હતી. આ વખતે વરસાદી પાણી કારખાના ઉપરાંત ઓફિસોમાં પણ ભરાયા હતાં. એટલું જ નહીં ડીજીવીસીએલના એ-સબ સ્ટેશનના કંટ્રોલ રૂમમાં પાણી ભરાતા સાવચેતીના પગલા સ્વરૂપે પાણીમાં કરંટ પસાર ન થાય તે માટે 13 ફિડરો બંધ કરી દેવામાં આવ્યા હતાં. જે પાણીનો નિકાલ થયા પછી ફરી શરૂ કરવામાં આવ્યા હતાં. સચિન ઇન્ડસ્ટ્રીયલ કો.ઓ. સોસાયટીના માજી પ્રમુખ નિલેશ ગામીએ આ મામલે જીઆઇડીસીના એમ.ડી. એમ. થેન્નારાશનને ફરિયાદ કરી છે કે, જીઆઇડીસીમાં પ્રિ-મોન્સુન કામગીરી કાગળ પર કરવામાં આવી છે અને એજન્સીઓએ ખોટા બિલો રજૂ કર્યા છે. આ મામલે વરસાદી ગટરથી લઇ રોડના લેવલ સુધીના માપદંડની ચકાસણી કર્યા પછી જ એજન્સીઓને બિલની ચુકવણી કરવામાં આવે અને નોટિફાઇડના બેજવાબદાર અધિકારીઓ સામે તપાસ કરવામાં આવે. સામાન્ય વરસાદમાં વારંવાર ઉદ્યોગ-ધંધાઓ નોટિફાઇડની બેદરકારીને લીધે ખોરવાઇ રહ્યાં છે તેનો કાયમી ઉકેલ લાવવાની જરૂર છે.

Most Popular

To Top