Charchapatra

અનુકરણીય

બ્રેઇનડેડ વ્યક્તિઓનાં કુટુંબીજનો જે તે બ્રેઈનડેડ વ્યકિતનાં અંગોનું દાન કરીને અન્યોને ઉપયોગી થતાં હોય તેવા કિસ્સાઓનું પ્રમાણ દિવસે દિવસે વધતું જાય છે તેવી પ્રતીતિ વર્તમાનપત્રોમાં પ્રકાશિત થતાં સમાચાર ઉપરથી જાણી શકાય છે. આ અત્યંત ઉમદા કાર્ય અન્યોને પણ તેમ કરવા પ્રોત્સાહિત કરે જ તેમાં બેમત ન હોઈ શકે. હમણાં જાણવા મળેલી હકીકત પ્રમાણે એક જ્ઞાતિના બ્રેઈનડેડ એવી વ્યકિત શ્રી મનિષ પ્રવીણચંદ્ર શાહના પરિવારે તેમનાં ફેફસાં, કિડની, લીવર અને ચક્ષુઓનું દાન કરી છ વ્યકિતઓને નવજીવન બક્ષી માનવતાની મહેક ફેલાવી, સમાજને નવી દિશા બતાવી. આપણા ધર્મમાં જુદા જુદા ઘણા સંપ્રદાયો અને તેને અનુલક્ષીને ઘણી જ્ઞાતિઓ અસ્તિત્વ ધરાવે છે. સમાજના આ તમામ વર્ગો જો મનિષભાઈના પરિવાર જેવી જાગૃતિ કેળવે તો ખરેખર સાચા અર્થમાં માનવતાની મહેક પ્રસરે. મનિષભાઈના પરિવારનું તથા તેવાં જ અન્ય પરિવારોનું અનુકરણ કરવા જેવું છે અને તેમ થાય તો સમાજલક્ષી કાર્યો થાય , અન્યોને નવજીવન મળે અને માનવતાની મહેક પ્રસરે.
સુરત     – સુરેન્દ્ર દલાલ    – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top