કુદરતે સમુદ્રોમાં જલતિજોરી સર્જી છે, જયાં અકલ્પ્ય સંપત્તિ પડેલી છે. ‘અમૃતમંથન’ની પુરાણકથાઓમાંયે જલતિજોરીની સંપત્તિ સમુદ્રમંથન દ્વારા પ્રાપ્ત કરવામાં આવે છે. દરિયાના પેટાળ – તિજોરીની સંપત્તિ શોધી કાઢીને લઇ આવવામાં બેહદ ખર્ચ થયા પછી પણ આંશિક સંપત્તિ સાંપડી શકે. એક અંદાજ મુજબ પેટાળમાં રૂપિયા સાત હજાર કરોડનું સોનું ધરબાયેલું છે, ત્યાં ભંગાર વચ્ચે સોનું, ચાંદી, પ્લેટીનમ, હીરા, લિથિયમ, ઝિંક જમા છે. ઇતિહાસકાર ડેરેક વિલ્સને ‘ધી વર્લ્ડ એટલાસ ઓફ ટ્રેઝર’ પુસ્તક લખ્યું છે, તે સ્થળે અને ખજાનાની શોધ માટે ઉપયોગી છે. ખજાનો તો સૌને મજાનો લાગે. યુદ્ધ જહાજોનો, ડૂબી ગયેલા જહાજોનો, દાણચોરોના જહાજોનો માલ દરિયાના પેટાળની તિજોરીમાં જમા થઇ જાય છે. આગળ વધેલા વિજ્ઞાને લેઝર કિરણો વડે શોધકામની રીત દર્શાવી છે, જેનાથી ગર્ક થયેલાં ગામ, પર્વત, પણ મળી આવે છે. પ્રાચીન દ્વારકાની યે ભાળ મળે છે.
સમુદ્રના પેટાળમાં સદીઓથી કુદરતી રીતે જ સર્જાયેલો ખનીજ ધાતુનો અઢળક સંગ્રહ છે. મૂલ્યવાન આભૂષણો – સિકકાઓ સાથે દરિયામાં સમાધિ લીધેલા એક સ્પેનિશ જહાજમાંથી આશરે ત્રીસ અબજ રૂપિયાની સંપત્તિ મળી હતી. દરિયાઇ સંપત્તિ શોધવા એકસો દસ અબજ ડોલરનો ખજાનો મેળવવા ઘણા પ્રયત્નશીલ છે. આવા પ્રોજેકટ પાછળ ભારત સરકારે રૂપિયા બે હજાર આઠસો ત્રેવીસ કરોડનું બજેટ પણ પાસ કર્યું છે. સમુદ્રના વિવિધ સ્તરે સલ્ફાઇડ, કોબાલ્ટ, કોપર, ઝિંક, સિલ્વર, ગોલ્ડ ધાતુ હાજર છે. વહેલ માછલી દરિયાઇ જીવ છે, તેની ઊલટીના પ્રવાહીના થીજી ગયા પછી મીણ જેવો બની જતો પદાર્થ મૂલ્યવાન છે. જાતીય શકિત વૃદ્ધિ માટે તથા હૃદય અને મગજના અટપટા રોગોમાં ઔષધરૂપે તે કામ લાગે છે અને આ પદાર્થની કિંમત એક કિલોગ્રામની એક કરોડ સિત્તેર લાખ અંકાઇ છે. સમુદ્રી જીવોની ઝેરી લાળ તથા અમુક પ્રકારની શેવાળ જેવી દરિયાઇ વનસ્પતિઓમાંથી માનવ ઉપયોગી દવા બને છે. આમ સમુદ્રો સંપત્તિ ભંડાર કે જલતિજોરી બની ગયેલા ગણાય.
સુરત- યૂસુફ એમ. ગુજરાતી- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.