વર્ષ 2014 ની સાલ પહેલાં દિલ્લીની કેન્દ્ર સરકાર માટે વપરાતો હાઇકમાન્ડ શબ્દ આજકાલ ગુજરાતની રાજનીતિમાં લગભગ દરરોજ વાંચવા અને સાંભળવા મળે છે. કેન્દ્રની ડોક્ટર સાહેબની સરકાર માટે હંમેશા એવું કહેવાતું કે રિમોટ કંટ્રોલથી ચાલતી સરકાર છે.આજે એ જ સ્થિતિ ગુજરાતની રાજ્ય સરકાર માટે છે એવું સૌ કોઈ કહે છે.આજે દિલ્લી માટે ગુજરાત એક રાજનીતિક પ્રયોગોની પ્રયોગશાળા બનીને રહી ગઈ છે. આડેધડ નિર્ણયોથી માત્ર પ્રજા જ નહિ પરંતુ પોતાના જ પક્ષના કેટલાય કાર્યકર્તાઓ પણ નારાજ થઇ રહ્યા. બેકારી,બેરોજગારી,મોંઘવારી કે પ્રજાને પડતી હાલાકીની કોઈ જ પરવા કર્યા વગર દરેક જાહેરાતોના તાયફા થઇ રહ્યા છે.બિલકુલ આ જ પ્રકારના વલણને કારણે દેશનો સૌથી જૂનો પક્ષ આજે સત્તાથી વિમુખ થઈ ગયો નવી રોજગારી તો બાજુએ રહી પ્રાઇવેટ સેક્ટરમાં લાખો લોકોએ પોતાની હતી એ રોજગારી પણ ગુમાવી છે.
આજે કેટલાય શિક્ષિત યુવાનો પોતાના પરિવારના ગુજરાન માટે તેમની ડિગ્રી કે અનુભવને બાજુમાં મૂકીને જે કામ મળે તે કરવા મજબુર બન્યા છે. આજે છેલ્લા દોઢ વર્ષથી શિક્ષણ સંસ્થાઓ બંધ છે. એનાથી રાજ્યના યુવાનો કે બાળકોને ભવિષ્યમાં કેવી મુસીબતોનો સામનો કરવો પડશે તેના પર કોઈ ચિંતન કે કોઈ વાતો થતી નથી. બસ ચારે કોર માત્ર ને માત્ર રાજકારણની જ વાતો છે. મધ્યમ વર્ગની કમર મોંઘવારીએ તોડી નાખી છે.પણ કોઈના પેટનું પાણી પણ હલતું નથી. જે પણ મહાન લોકનેતા થઇ ગયા છે તેઓ તેમના સમયની સરકારની ભૂલોને લોકોની સમક્ષ જોરશોરથી ઉઠાવીને જ લોકનેતા બન્યા છે. આપણા વર્તમાન પ્રધાનમંત્રીશ્રી પણ કોંગ્રેસ સરકારની જોરશોરથી ટીકા,વિરોધ કરીને લોકોના પ્રશ્નો માટે અવાજ ઉઠાવીને જ આજે લોકોના હૃદય પર શાસન કરી રહ્યા છે.હાઇકમાન્ડને ખુશ કરતાં કરતાં જો જો ક્યાંક પ્રજાને નાખુશ ન કરી દેતા, નહીં તો પ્રજા સામે હાઇકમાન્ડનું પણ કંઈ જ ચાલતું નથી.
સુરત – કિશોર પટેલ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.