ન્યુઝીલેન્ડ અને ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમોએ પાકિસ્તાનનો પ્રવાસ રદ કર્યા પછી સતત લવારે ચઢી ગયેલા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ રમીઝ રાજાને જાણે કે મગજ પર તાવ ચઢી ગયો હોય તેવી તેની હાલત છે અને સતત લવારો કરવાનું ચાલુ જ રહ્યું છે. રમીઝ રાજાએ હવે કહ્યું છે કે, ઓસ્ટ્રેલિયન ખેલાડીઓના (Australian Cricketers) ડીએનએમાં (DNA) આઇપીએલના (IPL) નાણાંએ એવો બદલાવ કર્યો છે કે તેઓ આક્રમક થઇને રમવાનું જ ભુલી ગયા છે. પહેલા ન્યુઝીલેન્ડ અને ઇંગ્લેન્ડને પોતાના દૂશ્મન ગણાવવાની સાથે પશ્ચિમી ટીમો એકજૂથ થઇ હોવાનો લવારો કરનારા રમીઝે હવે ઓસ્ટ્રેલિયન ખેલાડીઓને ટાર્ગેટ બનાવીને કહ્યું છે કે આઇપીએલના નાણાએ ઓસ્ટ્રેલિયન ખેલાડીઓના ડીએનએ બદલી નાંખ્યા છે.
- ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ આક્રમકતાથી રમવાનું જ ભૂલી ગયા છે : PCB અધ્યક્ષ રમીઝ રાજા
- IPLમાં ઘણાં પૈસા મળતા હોવાના કારણે ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ રાષ્ટ્રીય ટીમમાં રમવાના સ્થાને લીગમાં રમવાનું વધુ પસંદ કરે છે
- ઇન્ટરનેશનલ ક્રિકેટર્સ પર ઘણું પ્રેશર છે. તેઓ પોતાના આઇપીએલ કોન્ટ્રાક્ટને જાળવી રાખવા ઇચ્છે છે
એક પાકિસ્તાની ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં રમીઝે ન્યુઝીલેન્ડ અને ઇંગ્લેન્ડની ટીમને તો લક્ષ્ય બનાવી હતી પણ સાથે જ ઓસ્ટ્રેલિયન ખેલાડીઓને પણ પોતાના નિશાન પર લીધા હતા. રમીઝે કહ્યું હતું કે ઓસ્ટ્રેલિયાના કેટલાક ક્રિકેટર પણ પૈસા માટે પોતાના ડીએનએ ભુલી ગયા છે. તેઓ ભારત સામે ખુશી ખુશી રમે છે અને તેમનામાં ઓસ્ટ્રેલિયનોનુ જે આક્રમક વલણ છે તે દેખાતું નથી. રમીઝે એવું પણ કહ્યું હતું કે ઇન્ટરનેશનલ ક્રિકેટર્સ પર ઘણું પ્રેશર છે. તેઓ પોતાના આઇપીએલ કોન્ટ્રાક્ટને જાળવી રાખવા ઇચ્છે છે, કારણકે તેમને ત્યાંથી ઘણાં પૈસા અને અન્ય સુવિધાઓ મળે છે.
ન્યુઝીલેન્ડ ભાગી ગયું અને ઇંગ્લેન્ડે પણ એ જ માર્ગ અપનાવ્યો : રમીઝ રાજા
રાવલપિંડીમાં પ્રથમ વન ડે શરૂ થવાના સમયે જ ન્યુઝીલેન્ડે રાવલપિંડીની હોટલમાં જ હોવા છતાં વન ડે રમવાના સ્થાને પોતાનો પ્રવાસ જ રદ કરી દીધો હતો અને તેના કારણે પાકિસ્તાનને એવો અપમાનનો કડવો ઘુંટડો પીવો પડ્યો છે કે તે પછી પીસીબીના ચીફ રમીઝ રાજાના મુખેથી કડવાશ સિવાય કંઇ નીકળ્યું નથી. રમીઝે પાકિસ્તાનની એક ચેનલને આપેલા ઇન્ટરવ્યુમા કહ્યું હતું કે સીરિઝ રમવાને સ્થાને ન્યુઝીલેન્ડ ભાગી ગયું અને ઇંગ્લેન્ડે પણ એ જ માર્ગ અપનાવ્યો, એ બંનેએ અમારી સાથે ખોટું કર્યું છે.