Dakshin Gujarat

‘વિકાસ’થી તો હવે ‘ખમ્મા’: માંડવી તાલુકામાં રોડ પર કમર તોડી નાંખે એવા ખાડા પડી ગયા

‘વિકાસ’થી તો હવે ‘ખમ્મા’: માંડવી તાલુકામાં રોડ પર કમર તોડી નાંખે એવા ખાડા પડી ગયા માંડવીમાં ‘વિકાસ’ને શોધવો પડે એવી સ્થિતિ હાલ જોવા મળી રહી છે. ચોમાસું પૂર્ણ થવાને આરે છે. પરંતુ રસ્તાઓની હાલત એટલી બદતર છે. કે વાહનચાલકોની કમર તૂટી રહી છે. તેમ છતાં નિંભર તંત્ર ધ્યાન આપતું નથી. એ પ્રજાની કમનસીબી છે. માંડવીના ખેડપુર ત્રણ રસ્તાથી ધોબણી નાકા સુધીના માર્ગ ઉપર બે મહિના પહેલાં જ ખાડા પુરાયા હતા. આજે એ માર્ગ ફરી બિસમાર બની ગયો છે.

એવી જ હાલત માંડવી-કીમ રોડની છે. કહેવાતો આ સ્ટેટ હાઇવે ગ્રામ્ય વિસ્તારના રસ્તાથી જ બદતર થઈ ગયો છે. માંડવી-તરસાડા જતા પુલની જ કંઈક આવી જ હાલત છે. માંડવી તાલુકો રોડના રસ્તામાં વિકાસની ગતિ પામવા માટે હાંફી રહ્યો છે. જેમાં સૌથી મોટી સમસ્યા પાયાની સુવિધા છે. તાલુકાના રસ્તા ઉપર તો એટલા ખાડા પડી ગયા છે.કે આ રસ્તા ક્યારે બન્યા હશે. એનો તાગ મેળવવો પણ મુશ્કેલ છે. માંડવી-કીમ રોડ પર જતા માર્ગ પર આવેલા ખેડપુર ત્રણ રસ્તાથી ધોબણીનાકા સુધીનો માર્ગ અતિ બિસમાર બની જતાં ‘વિકાસ’ની ગુલબાંગોની હવા નીકળી ગઈ છે.

તેમાંય રોજિંદા અવરજવર કરતાં નાનાં-મોટાં વાહનચાલકો પાસે તો અહીંથી પસાર થવા સિવાય કોઈ વિકલ્પ નથી. માંડવી-કીમ રોડની પણ આ જ દુર્દશા છે. જે સ્ટેટ હાઇવે તરીકે સરકારી ચોપડે અને બોર્ડ ઉપર ઓળખ પામ્યો છે. પણ ગ્રામ્ય વિસ્તારના રસ્તાથી જ બદતર હાલત છે. માંડવી-તરસાડા જતા પુલ ઉપર પડેલા ખાડા વાહનચાલકોની કમર ભાંગી નાંખે એવા છે. માંડવીના ખેડપુર ત્રણ રસ્તાથી ધોબણીનાકા સુધીનો માર્ગ જર્જરિત બની જતાં વાહનચાલકો અકળાઈ ગયા છે.

આ માર્ગ વાપી-શામળાજી હાઇવે સાથે સંકળાયેલો હોવાથી રાત-દિવસ વાહનો દોડતાં રહે છે. અને આ માર્ગ બે મહિના પહેલાં મે-જૂન માસમાં રિકાર્પેટ કરાયો હતો. અને હાલ વરસાદને કારણે બિસમાર બન્યો છે. આથી નાણાંનું આંધણ કરી ફરી રિકાર્પેટ કરવો પડે એવી સ્થિતિ સર્જાઈ છે. જેને કારણે કામની ગુણવત્તા સામે પણ સવાલ થાય એ સ્વાભાવિક છે. ત્યારે હાઇવે ઓથોરિટીએ પુલ પરના માર્ગની ઉચ્ચ ગુણવત્તાવાળા મટિરિયલ સાથે મરામત હાથ ધરાય તેવી લોકમાંગ ઊઠી છે.

Most Popular

To Top