સંતરામપુર : કડાણા પાસેથી પસાર થતી મહિસાગર નદી પર પુલ બાંધવા માટે રાજ્ય સરકાર તરફથી 35 કરોડ મંજુર કરવામાં આવ્યા હતા. જે રકમમાંથી બાંધકામ વિભાગ દ્વારા આ નવીન પુલની કામગીરી પુરી કરતાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના હસ્તે ડિસેમ્બર 2020માં પુલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પરંતુ લોકાર્પણના સાતથી આઠ માસની અંદર જ વરસાદ પડતા પુલ પાણીમાં ધોવાય ગયો હતો. જેના પગલે બાંધકામ વિભાગના અધિકારી અને કોન્ટ્રાકટરનો ભ્રષ્ટાચાર બહાર આવ્યો હતો.
કડાણા ગામની મહિસાગર નદી પર જુનો ડૂબક પુલ આવેલો છે. વરસાદના સમયમાં કડાણા ડેમમાંથી પાણી છોડાતા ડૂબક પુલ પાણીમાં ડૂબી જતો હતો. જેના કારણે સામે કાંઠેના ગામડાઓ સંપર્ક વિહોણા થઈ જતાં અને વાહનવ્યવહાર પણ ખોરવાઈ જતો હતો. આથી સરકાર દ્વારા રુપિયા 35 કરોડના ખર્ચે નવા પુલનું બાંધકામ થોડા સમય પહેલા કરવામાં આવ્યું હતું. પરંતુ બાંધકામ વિભાગ અને કોન્ટ્રાકટરની મીલીભગતના કારણે સાતથી આઠ માસની અંદર જ પ્રથમ વરસાદમાં જ આ પુલની એપ્રોચ રોડની કામગીરીને ભારે નુકશાન થયેલું જોવા મળે છે. પુલના એપ્રોચ રોડની બાજુમાં સાઈડમાં પથ્થર પીચીંગની કરાયેલા હતાં, જે વરસાદના પાણીથી ધસી પડતા ગાબડું પડી ગયું છે. ડામર રોડની સાઈડમાં કરાયેલા આરસીસીની કામગીરી પણ હલકી કક્ષાની હોયથી તીરાડો પડી ગઈ છે. પુલથી વાધડુંગરી ગામ તરફ જતાં કરાયેલ ડામર રોડ બાજુમાં ભુવો પડી ગયો છે. પુલના કામમાં કોન્ટ્રાકટર દ્વારા ગેરરીતિઓ આચરાતા અકસ્માતનો ભય ઊભો થયો છે.