Business

પોલીએસ્ટર સ્પન યાર્ન પર એન્ટી ડમ્પિંગ ડયુટી લાગુની ભલામણ કરતા શહેરના વિવિંગ ઉદ્યોગમાં રોષ

સુરત: વિસ્કોસ ફીલામેન્ટ યાર્ન (Yarn) પરથી એન્ટી ડમ્પિંગ ડયુટી (anti dumping duty) લાગુ કરવાની દરખાસ્ત સરકારે દફતરે કર્યાના એક જ મહિના પછી ડાયરેકટર જનરલ ઓફ ટ્રેડ એન્ડ રેમેડીઝ (DGTR) દ્વારા હવે પોલીએસ્ટર સ્પન યાર્ન (Polyester span yarn) પર એન્ટી ડમ્પિંગ ડયુટી લાગુ કરવાની ભલામણ કરતા શહેરના વિવિંગ ઉદ્યોગમાં રોષ ફેલાયો છે.

દેશના ટોચના 8 જેટલા યાર્ન ઉત્પાદક સ્પીનરોએ ભેગા મળીને પોલીએસ્ટર સ્પન યાર્ન પર એન્ટી ડમ્પીંગ ડ્યૂટીની કરેલી ભલામણને કેન્દ્ર સરકાર (central govt)ની સ્વાયત્તા સંસ્થા ડીજીટીઆરએ સ્વીકારી લઇને પોલીએસ્ટર સ્પન યાર્ન પર એન્ટી ડમ્પિંગ ડ્યૂટી લાગૂ કરવાની ભલામણ દેશના નાણાં મંત્રાલયને કરી છે તેને લઇને સુરતના વિવર્સો અકળાયા છે. વિવિંગ ઉદ્યોગની અકળામણનું એક કારણ એ છે કે સુરતમાં 12 હજાર જેટલા કારખાનેદારો જેઓ આયાતી પોલીએસ્ટર સ્પન યાર્નનો ઉપયોગ કરીને કોટન સાડી, સ્કુલ યુનિફોર્મ સહિતની પ્રોડકટનું ઉત્પાદન કરે છે. ફેડરેશન ઓફ ઇન્ડિયન આર્ટ સિલ્ક વિવિંગ ઇન્ડસ્ટ્રિઝના ચેરમેન ભરત ગાંધીએ ડીજીટીઆરની આ ભલામણ સામે કેન્દ્રના નાણામંત્રી નિર્મલા સીતારમનને લેખીત ફરીયાદ કરી છે.

જેમાં જણાવ્યું છે કે કેન્દ્ર સરકારે એક નીતિ ઘડી છે કે સ્થાનિક ઉદ્યોગોના હિતમાં કોઇપણ પ્રકારના ઉત્પાદનમાં જે ચીજવસ્તુઓ કી-રૉ મટિરિયલ તરીકે વપરાશમાં લેવાતી હોય તેના પર કોઇપણ પ્રકારની ડ્યૂટી લાગૂ નહીં કરાય, તેમ છતાં ડાયરેક્ટર જનરલ ઓફ ટ્રેડ રેમેડી દ્વારા પોલીએસ્ટર સ્પન યાર્ન પર ડ્યૂટી વસૂલવા માટે નાણાંમંત્રાલયને ભલામણ કરી દેવામાં આવી છે. જો નાણા મંત્રાલય ડીજીટીઆરની ભલામણ સ્વીકારશે તો સુરતના 12 હજાર વિવિંગ એકમો અને તેમાં કામ કરતા હજારો કારીગરોની રોજીરોટી પર અસર થશે. કારણ કે તેનાથી પોલીયેસ્ટર, સ્પન યાર્નની આયાત મોંઘી થશે. તેને લીધે ફેબ્રીકસની કોસ્ટીંગ વધશે. આ પ્રકારનું ફેબ્રીકસ માત્ર સુરત નહીં પરંતુ મહારાષ્ટ્રના માલેગાવ, ભીવંડી અને નવાપુરમાં પણ તૈયાર થાય છે. આયાતી પોલીએસ્ટર સ્પન યાર્નનો ઉપયોગ કરીને સ્કુલ યુનિફોર્મ, કોટન સાડી, જોધપુરી, એલપીનો, ઇન્ડીયન શાંતૂન વગેરે જેવા ફેબ્રિકનું ઉત્પાદન કરે છે. અત્યાર સુધી પોલીએસ્ટર સ્પન યાર્ન પર એન્ટી ડમ્પીંગ ડ્યૂટી ન હતી પરંતુ, હવે પ્રતિ હજાર કિલોએ 124 ડોલરની ડ્યૂટી લગાડવામાં આવશે જેના કારણે સુરતના વીવીંગ ઉદ્યોગ પર મોટુ ભારણ આવશે.

પોલીએસ્ટર સ્પન યાર્નનો સૌથી વધુ વપરાશ સુરતના વિવિંગ એકમો કરે છે: ભરત ગાંધી

ફીઆસ્વીના ચેરમેન ભરત ગાંધીએ કેન્દ્રના નાણા મંત્રીને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે જેમ વિસ્કોસ ફિલામેન્ટ યાર્નના સૌથી વધુ વપરાશકારો ભારતમાં સુરતના છે, તેવી રીતે ઇમ્પોર્ટેડ પોલીએસ્ટર સ્પન યાર્નના સૌથી વધુ વપરાશકારો પણ સુરતના વીવીંગ કારખાનેદારો જ છે. દેશમાં મહિને 8000 મેટ્રીક ટન જેટલું પોલીએસ્ટર સ્પન યાર્ન ચીન, વિયેતનામ અને ઇન્ડોનેશિયાથી આયાત કરવામાં આવે છે. આ પૈકી 6000 મેટ્રીક ટન જેટલો જથ્થો એકલા સુરતના વીવીંગ કારખાનાઓમાં કાપડ ઉત્પાદન માટે આયાત કરવામાં આવી રહ્યો છે. અત્યાર સુધી આ યાર્ન પર કોઇપણ પ્રકારની ડયુટી ન હતી પરંતુ હવે હેવી ડયુટી લાગુ કરવાની ભલામણ કરવામાં આવી છે. જે વિવરોના હિતમાં નથી.

સ્પીનરો સિન્ડીકેટ બનાવી પોલીએસ્ટર સ્પન યાર્નની કિંમતો કૃત્રિમ રીતે વધારવા માંગે છે: મયુર ગોળવાલા

અગ્રણી વિવર અને કેન્દ્ર સરકારમાં ફિઆસ્વી વતી રજુઆત કરનાર મયુર ગોળવાલાએ જણાવ્યું હતું કે માત્ર ગણ્યાગાંઠયા સ્પીનરોએ ભેગા થઇ કૃત્રિમ રીતે પોલીએસ્ટર સ્પન યાર્નના ભાવ વધે તેવા બદઇરાદાથી ડીજીટીઆરમાં પીટીશન દાખલ કરી હતી. હકીકતમાં પોલીએસ્ટર સ્પન યાર્નનો ઇમ્પોર્ટ ખુબ ઓછો છે. તેનાથી ડોમેસ્ટીક ઉત્પાદકોને કોઇ ઇન્જરી થતી નથી. આયાતી સ્પન યાર્નની કવોલીટી સારી બને છે અને તેમાંથી બનેલુ ફેબ્રિકસ એકસપોર્ટ કરવામાં આવે છે. તેના પ્રમાણમાં ડોમેસ્ટીક ઉત્પાદકોની કવોલીટી એકસપોર્ટ લાયક હોતી નથી. આવી સ્થિતિમાં કેન્દ્રના નાણા મંત્રાલયે ડીજીટીઆરની ભલામણને સ્વીકારી ન જોઇએ.

Most Popular

To Top