અમદાવાદ શહેરમાં આજથી એએમટીએસ અને બીઆરટીએસ બસ સહિત જાહેર સ્થળો ઉપર વેક્સિન સર્ટિફિકેટ બતાવ્યા વગર પ્રવેશ આપવામાં નહીં આવે તેવો અમદાવાદ મનપા દ્વારા નિર્ણય કરવામાં આવ્યો હતો, જેનો અમલ શરૂ થયો હતો. જેના પગલે વેક્સિન સર્ટીફીકેટ વગરના મુસાફરોને બસમાંથી નીચે ઉતારી દેવામાં આવ્યા હતા. અમદાવાદ શહેરમાં મનપા દ્વારા વેક્સિન વગરના વ્યક્તિઓને એએમટીએસ અને બીઆરટીએસ મનપાની કચેરી, સિવિક સેન્ટરો, કાંકરિયા ઝૂ તેમજ રિવરફ્રન્ટ ઉપર પ્રવેશ નહીં આપવાના નિર્ણયનો કડક અમલ શરૂ કરવામાં આવ્યો છે.
આજે સવારથી જ એએમટીએસ બસમાં કંડક્ટર દ્વારા તમામ મુસાફરો પાસે વેક્સિન લીધી હોય તો સર્ટિફિકેટ જોવામાં આવ્યું હતું. જે વ્યક્તિએ વેક્સિન લીધી ન હોય અથવા તો સર્ટિફિકેટ બતાવ્યું ન હોય તેવા લોકોને બસમાં મુસાફરી કરવા દેવામાં આવી હતી. બીજી તરફ બીઆરટીએસ બસ સ્ટેશન પર ટિકિટ લેતી વખતે જ વેક્સિનેશનનું સર્ટીફીકેટ બતાવવામાં આવે તો જ ટિકિટ આપવામાં આવતી હતી. જે વ્યક્તિઓ પાસે વેક્સિનેશનની કોપી ન હોય, પરંતુ મોબાઇલ ફોનમાં હોય તોપણ તે બતાવીને બસમાં બેસવા દેવામાં આવ્યા હતા.
આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય ઓફીસના ગેટ પર પ્રવેશતા પહેલા સિક્યુરીટી સ્ટાફ દ્વારા વેક્સિનેશન સર્ટિફિકેટ ચેક કરવામાં આવતું હતું. તેવી જ રીતે સિવિક સેન્ટરમાં પ્રવેશતા પહેલા જ દરવાજા ઉપર વેક્સિનેશન સર્ટીફીકેટ માગવામાં આવતું હતું, તે બતાવ્યા બાદ જ લોકોને અંદર પ્રવેશ આપવામાં આવ્યો હતો. જે લોકો સર્ટીફીકેટ બતાવી શક્યા નહોતા તેવા લોકોને કચેરીઓમાં પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. તેમજ સાબરમતી રિવરફ્રન્ટ, લાઇબ્રેરી, કાંકરિયા ઝૂ, વસ્ત્રાપુર લેક સહિતના અનેક સ્થળો ઉપર વેક્સિનેશન સર્ટીફીકેટ વગરના લોકોને પ્રવેશ અપાયો નહતો