Charchapatra

શનિવારી હાટ

આમ તો દરેક શહેરમાં જુદા-જુદા દિવસોએ બજાર કે હાટ અમુક ચોક્કસ વિસ્તારોમાં ભરાતી જ હોય છે.આજે મારે સુરત શહેરની શનિવારી હાટની વાત કરવી છે.જેમ સુરત તેની ખાણી-પીણી,ટેક્સ્ટાઇલ,ડાયમંડ અને ઓવરબ્રિજ માટે જાણીતું છે તેમ જ આ વર્ષો જૂની શનિવારી બજાર માટે પણ જાણીતું હતું.મક્કાઇપુલ વિસ્તારમાં ટેકઓફ હોટલથી તાપી નદી ના ડક્કાઓવરા તરફ જતા રોડ પર બીજા છેડે ગાંધીબાગ ની સામે આવેલી સેન્ટ્રલ એક્સાઇઝની ઓફિસ સુધી દર શનિવારે લાગતી શનિવારી બજાર કે ગુજરી બજારનો પણ વર્ષોનો ઇતિહાસ રહેલો છે.આ બજાર પોતાની આગવી ઓળખ ધરાવતી હતી.

આ બજારમાં વ્યાપારીઓ મુંબઈથી સુરતની આ બજારમાં વ્યાપાર કરવાના હેતુથી આવતા.ભંગાર થી લઈને કપડાં અને કોસ્મેટીકથી લઈને એન્ટિક વસ્તુઓ બધુજ આ બજારમાં સરળતાથી મળી રહેતું.ત્યાંના આસપાસના ગરીબ ઝૂંપડપટ્ટીના લોકોને પણ આ બજારના લીધે સારી એવી કમાણી થઇ જતી હતી.વ્યાપારીઓ તેમજ  ફરવા આવનારા લોકો માટે ચા-પાણી,નાસ્તા ના નાના સ્ટોલ નાખીને તેઓ કમાણી કરી લેતા.આ ઉપરાંત વ્યાપારીઓને પોતાના સામાનને વેચવા માટે ખાટલા-પલંગની ભાડાંથી સગવડ આપતા.સમગ્ર સુરત શહેરમાંથી લોકો આ બજારને જોવા અને ખરીદી કરવા આવતા હતા.અમુક ઈમ્પોર્ટેડ કપડાં,જેકેટ અને અન્ય ખરીદી તો વહેલી સવારમાં પાંચ વાગ્યેથી શરુ થઇ જતી.સમગ્ર દિવસ દરમ્યાન લોકોનો જમાવડો રહેતો અને રાત્રે 10-11 વાગ્યે બધાજ બજાર આટોપીને પોતાના મુકામે પાછા વળતા.

આજે આધુનિકતાની દોડ પાછળ આવી બજારો લુપ્ત થઇ ગઈ.ઘણીવાર તો વિચારું છુ કે આ વિસ્તારના લોકો કે પછી આ બધા વ્યાપારીઓ કે જેઓ પોતાનું જીવન આવી બજારોમાં ફેરી લગાવીને કરતા હતા એ બધાનું આજે શું થયું હશે?એમના જીવન પર આ બજારો બંધ થવાથી કેવી અસર થઇ હશે? ઓનલાઇન શોપિંગ કરતા આપણાં બાળકો આવી કોઈ બજારમાં જઈને ખરીદી કરવા સક્ષમ ખરા? જોકે આ બજારને કારણે દર શનિવારે ચોકબજાર અને મક્કાઇપુલના આ વિસ્તારમાં ટ્રાફિકની ઘણી સમસ્યા પણ થતી હતી.બીજી બધી ગુજરી બજારની સરખામણીમાં સુરતની શનિવારી બજારની વાત અનોખી હતી અને એનો ઇતિહાસ પણ લગભગ સૌથી જૂનો ઇતિહાસ જે આજે પાછો ઇતિહાસ બની ગયો.કોરોનાની મહામારી પછી આ બજાર ફરી શરુ થઇ શકી નથી.
સુરત     -કિશોર પટેલ        – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top