નડિયાદ: નડિયાદ શહેરમાં વ્યાજના વિષચક્રમાં ફસાયેલા યુવકે વ્યાજખોરોના ત્રાસથી છૂટવા માટે જીંદગીનો અંત આણ્યો હતો. યુવકના આપઘાતના ૪૮ કલાક બાદ મૃતકને બહેને પશ્ચિમ પોલીસ મથકે ૪ શખ્સો સામે ફરિયાદ નોંધાવતાં, હાલમાં પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં આવેલ નવરંગ ટાઉનશીપમાં રહેતાં કલ્પેશ જયંતીભાઈ મકવાણા ફાયનાન્સ કંપનીમાં રીકવરી એજન્ટ તરીકે નોકરી કરતાં હતાં. થોડા સમય અગાઉ કલ્પેશભાઈને રૂપિયાની જરૂર પડતાં સચીન ઉર્ફે ડીગો ધીરૂભાઈ મકવાણા (રહે.મધર ટેરેશા સોસાયટી, નડિયાદ), આશિષ મહેન્દ્રભાઈ પરમાર (રહે.જયવિજય કોલોની, નડિયાદ) અને અર્પિત ઉર્ફે અપ્પુ તલાટી રમણભાઈ પરેરા (રહે.સૌજન્ય પાર્ક, નડિયાદ) પાસેથી વ્યાજે રૂપિયા લીધાં હતાં. વ્યાજખોરો મિત્રોએ ભેગાં મળી કલ્પેશભાઈ પાસેથી મસમોટું વ્યાજ વસુલ્યું હતું.
કલ્પેશભાઈએ લીધેલાં રૂપિયા કરતાં પણ વધુ વ્યાજ ચુકવ્યું હોવા છતાં પણ મુડી આપવાની અકબંધ રહી હતી. આથી ત્રણેય વ્યાજખોરોએ બાકી મુડી બે દિવસમાં નહીં આપું તો તે ડબલ થઈ જશે અને તેના ઉપર ૨૦ ટકા લેખે વ્યાજ ચડી જશે. જો તું રૂપિયા વ્યાજ સહિત નહી આપે તો તારૂ ઘર વેચીને રૂપિયા વસુલ કરીશું, તેમજ તારા પરિવારજનોને મારી નાંખીશું તેવી ધાકધમકીઓ આપવા લાગ્યાં હતાં. બીજી બાજુ કલ્પેશએ મિત્ર જયદિપ ઉર્ફે જે.ડી શશીકાંત ગોહીલ (રહે.કમલેશ પાર્ક સોસાયટી, નડિયાદ) ને અપ્પુ તલાટી પાસેથી રૂ.૧.૩૫ લાખ વ્યાજે અપાવ્યાં હતાં. આ રૂપિયાનું વ્યાજ જયદીપ ચુકવતો ન હોવાથી કલ્પેશ પાસેથી અપ્પુ તલાટી તે વ્યાજ પણ વસુલ કરતો હતો.
જો કલ્પેશ પોતાના મિત્ર જયદીપ પાસે પોતે ભરેલા વ્યાજના રૂપિયાની માંગણી કરે તો તે પણ મારી નાંખવાની ધમકીઓ આપતો હતો. અપ્પું, ડીગો અને આશીષ રૂ.૧૦ હજારનું એક દિવસનું એક હજાર વ્યાજ વસુલતાં હોવાથી કલ્પેશની હાલત કફોડી બની હતી. વ્યાજખોરોના ત્રાસથી કંટાળેલા કલ્પેશભાઈ છેલ્લાં ત્રણ-ચાર મહિનાથી બેચેન રહેતાં હતાં. પરિવારજનોએ પુછતાં કલ્પેશભાઈએ વ્યાજખોરો દ્વારા આપવામાં આવતાં ત્રાસ બાબતની સઘળી હકીકત જણાવી હતી.
સચીન ઉર્ફે ડીગાએ રૂ.૩.૮૦ લાખ, આશીષે રૂ.૪૦ હજાર તેમજ અપ્પુ તલાટીએ રૂ.૧.૩૫ લાખ લેવાના બાકી કાઢી ઉઘરાણી ચાલુ રાખી હતી. જેથી કલ્પેશના મામા સહિત અન્ય પરિવારજનોએ વ્યાજખોરો સાથે મિટીંગ કરી લોન લેવાની તૈયારી દર્શાવી થોડો સમય માંગ્યો હતો. તેમછતાં વ્યાજખોરોએ ગત ૧૩મી સપ્ટેમ્બર ૨૦૨૧ ના રોજ કલ્પેશભાઈ સાથે તકરાર કરી મારી નાંખીશ તેવી ધમકી આપી હતી. આથી, ભાંગેલા કલ્પેશએ મોડી રાત્રીના સમયે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આ બનાવ અંગે કલ્પેશની મોટી બહેન વનિતાબેન ઉર્ફે રેખાબેન મકવાણાની ફરીયાદને આધારે નડિયાદ પશ્ચિમ પોલીસે સચીન ઉર્ફે ડીગો ધીરૂભાઈ મકવાણા, આશિષ મહેન્દ્રભાઈ પરમાર, અર્પિત ઉર્ફે અપ્પુ તલાટી રમણભાઈ પરેરા અને જયદીપ ઉર્ફે જે.ડી શશીકાંત ગોહીલ સામે ગુનો નોંધ્યો હતો.