દરેક ઉત્પાદકો પોતાની પ્રોડક્ટના વેચાણ માટે, ગ્રાહકોને આકર્ષવા માટે જાહેર ખબરનો આધાર લે છે. એક જ પ્રકારની અનેક પ્રોડકટસ બજારમાં જુદી જુદી કંપનીઓ મૂકતી હોય છે. જેમાં પોતાની પ્રોડક્ટ જ ગુણવત્તાવાળી છે એવું સાબિત કરવા અને ગ્રાહકો એ ચીજ ખરીદવા લલચાય એવી જાહેરખબરો જોવા, વાંચવા અને સાંભળવા મળે છે.TV માં જે સિરિયલનો ટીઆરપી ઊંચો હોય તેમજ ક્રિકેટ મેચના LIVE પ્રસારણ સમયે વારંવાર આવતી આકર્ષક જાહેરાતો જોઈને ગ્રાહક ખરીદવા લલચાય છે. જાહેરાતોમાં જે બતાવવામાં આવે છે તેમાં કેટલીક જાહેરાતો નરી આંખે ઉલ્લુ બનવા જેવી હોય છે.
જેવી કે ‘ Up to 50% off ‘ જેમાં up to નાના અક્ષરોમાં હોય અને 50% આકર્ષક રીતે હોય, જાહેરખબરની નીચે કે બાજુમાં ખૂબ નાના અક્ષરે લખેલું Terms & conditions apply * તરફ બહુ ઓછાનું ધ્યાન જાય છે. છેવટે ગ્રાહક છેતરાય. મોંઘી વસ્તુ ખરીદ્યા પછી ભલે પેટ ભરીને પસ્તાવું પડે. ગ્રાહકો પણ ઈન્સ્યોરન્સથી લઈને રોકાણ, મેડીકલેઈમ કે મોંઘી વસ્તુઓની ખરીદી સમયે ડીસ્કાઉન્ટ , ભાવમાં રકઝક,લોન પ્રોસીજરમાં જ ઘેરાયેલા રહે છે . છેતરામણા પ્રલોભનમાં ગેરંટી, વૉરંટી, સર્વિસ , ફોર્મમાં દર્શાવેલ શરતો વગેરે સમજવાને કે શાંતિથી વાંચવાને બદલે , ગ્રાહક દર્શાવેલ સ્થાને સહી કરી દે છે અને ખરીદી કરી લે છે.
ગ્રાહકો વારંવારના ધકકા, કિંમત ઓછી આપવી પડે એટલે બીલ વગરની ખરીદી કરે, બીલ હોય તો જાળવણીનો અભાવ જેવાં કારણોસર ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ પણ કરી શકતા નથી અને વળતર કે ખરીદેલ ચીજવસ્તુઓ કંપની પાસે રુલ્સ પ્રમાણે બદલાવી પણ નથી શકતા. બિસ્કીટ, સાબુથી લઈને ટ્રેન, પ્લેન ટીકીટ બુકિંગ, મોબાઈલ રીચાર્જની સેવાઓ પણ ગ્રાહકની વ્યાખ્યામાં આવે છે. તો ગ્રાહકો પોતાને મળતા અધિકાર જાણી ગુણવત્તાયુકત ન હોય તેવી સેવા આપતી કે વસ્તુઓ વેચતી કંપની કે ડ્રીસ્ટીબ્યુટર સામે ગ્રાહક સુરક્ષા હેઠળ વળતર માટે ફરિયાદ કરી શકે છે.એ અંગે જાગ્રત રહી , ગ્રાહક સુરક્ષા અંગે માહિતી જાણવી ગ્રાહકો માટે લાભદાયી છે.
સુરત – અરુણ પંડ્યા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે