Gujarat

આજથી સમગ્ર રાજ્યમાં કોવિડ-૧૯ રસીકરણનું મેગા અભિયાન

સમગ્ર રાજ્યમાં તા.૧૭મી સપ્ટેમ્બરના રોજથી કોવિડ-૧૯ રસીકરણની મેગા ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. આરોગ્ય અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, આ મેગા ડ્રાઇવ માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ડ્રાઇવ દરમ્યાન ૭,૫૦૦ જેટલા ગામડાઓમાં ૧૦૦ ટકા રસીકરણ પૂર્ણ કરી દેવાનો લક્ષ્યાંક છે. આ મેગા ડ્રાઇવ દરમ્યાન ૩૫ લાખથી વધુ લાભાર્થીઓને આવરી લેવાનું આયોજન છે. એટલું જ નહિ, રાજ્યના શ્રમિક-કામદાર તથા ગરીબ પરિવારોને આરોગ્ય રક્ષણ પુરુ પાડવાના ઉદ્દેશ સાથે તેમના રહેણાંક વિસ્તાર પાસે આરોગ્ય સુવિધા ઉભી કરવા આવતી કાલથી જ નિષ્ણાંત તબીબી ટીમ સાથે દિનદયાલ ઔષધાલય ઉભા કરવામાં આવશે તેમ પણ તેમણે ઉમેર્યુ હતું.

આજથી શરૂ થનાર કોવિડ-૧૯ રસીકરણ અભિયાનને સફળ બનાવવા તમામ જિલ્લા કલેક્ટર અને મ્યુનિસીપલ કમિશ્નર સાથે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી મેગા ડ્રાઇવ અંગે તૈયારીની સમીક્ષા કરી દેવામાં આવી છે. આ મેગા ડ્રાઇવમાં સમગ્ર રાજ્યમાં પ્રથમ ડોઝ માટે બાકી લાભાર્થી અને બીજા ડોઝ માટે ડ્યુ લાભાર્થીને રસીકરણ સેવા આપવામાં આવનાર છે.

અગ્રવાલે કહ્યું હતું કે સમગ્ર દેશમાં અને રાજ્યમાં તા. ૧૬મી જાન્યુઆરી, ૨૦૨૧ના રોજ કોવિડ-૧૯ રસીકરણ કામગીરીની શરૂઆત કરવામાં આવી હતી. સમગ્ર દેશમાં ફ્રન્ટ લાઇન વર્કરોનું રસીકરણ શરૂ કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય છે. તા. ૧૫ સપ્ટેમ્બર સુધી રાજ્યમાં કુલ ૫.૩૩ કરોડ રસીના ડોઝ આપી દેવામાં આવ્યા છે. રાજ્યમાં પ્રતિ દસ લાખ વસ્તીએ ૮,૩૪,૭૮૭ રસીના ડોઝ આપવામાં આવ્યા છે.

દેશમાં મોટા રાજ્યોમાં ગુજરાત અગ્રેસર સ્થાન ધરાવે છે. રાજ્યમાં કુલ ૫,૯૦૬ ગામડાઓ, ૧૦૪ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ૧૪ શહેરી આરોગ્ય કેન્દ્ર તથા ૧૭ તાલુકાઓમાં તમામ ૧૮ વર્ષથી ઉપરના વ્યક્તિઓને રસીનો પ્રથમ ડોઝ આપી ૧૦૦ ટકા રસીકરણ કરવામાં આવ્યુ છે. રાજ્યમાં કોવિડ-૧૯ રસીના સ્ટોરેજ ૬ ઝોન કક્ષાના વેક્સિન સ્ટોર, ૪૧ જિલ્લા કોર્પોરેશન કક્ષાના સ્ટોર તથા રર૩૬ કોલ્ડ ચેઇન પોઇન્ટ હાલની પરિસ્થિતિએ ઉપલબ્ધ છે. કોવિડ રસીકરણ કાર્યક્રમ માટે રાજ્યમાં ૧૨,૦૦૦થી વધુ તાલીમબધ્ધ વેક્સિનેટર ઉપલબ્ધ હોવાનું તેમણે ઉમેર્યુ હતું.

આવતી કાલ તા.૧૭ સપ્ટેમ્બરથી શ્રમિક-કામદાર પરિવારોની આરોગ્ય સુરક્ષા માટે એક વિશેષ પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવનાર છે. જેમાં રાજ્યના શ્રમિક-કામદાર તથા ગરીબ વર્ગને આરોગ્ય રક્ષણ પુરુ પાડવાના ઉદ્દેશ સાથે તેમના રહેણાંક વિસ્તાર પાસે આરોગ્ય સુવિધા ઉભી કરવા નિષ્ણાંત તબીબી ટીમ સાથે રાજ્યભરમાં ૧૦૦થી વધુ દિનદયાલ ઔષધાલય સેન્ટર ઉભા કરવામાં આવશે. તેમાં પુરતી દવાઓનો જથ્થો પણ ઉપ્લબ્ધ કરાવી વિના મુલ્યે નિદાન-સારવાર કરાવાશે

Most Popular

To Top