સુરત: (Surat) ઓગસ્ટના મધ્યમાં સુરત શહેરની મહિધરપુરા પોલીસે (Mahidharpura Police) વિશ્વ વિખ્યાત જેમોલોજી ઇન્સ્ટિટ્યૂટ ઓફ અમેરિકા (Gemology Institute of America) (જીઆઇએ)ના કથિત ડાયમંડ ગ્રેડિંગ સર્ટિફિકેટ અને લેબના ગ્રેડિંગ નંબરો ઝડપી પાડ્યા હતા.આ મામલામાં જીઆઈએ ઇન્ડિયાએ પોલીસ તપાસમાં સહયોગ આપવા સાથે બોગસ ગ્રેડિંગ સર્ટિફિકેશનની સમાંતર તપાસ યોજવાની જાહેરાત મુંબઈમાં કરી છે. સુરતની મહિધરપુરા પોલીસે, ઉચ્ચ ગુણવત્તાવાળા હીરા માટે GIA ડાયમંડ (Diamond) ગ્રેડિંગ રિપોર્ટ સાથે નીચી ગુણવત્તાના હીરાને જોડી છેતરપિંડી કરવાના બનાવનો પર્દાફાશ કરતા લેબના સંચાલકો ચોકી ઉઠ્યા હતા. તપાસમાં પોલીસે કેટલાક હીરા જપ્ત કર્યા હતા તેની સાથે GIA ડાયમંડ ગ્રેડિંગ સર્ટિફિકેટ પણ હતા.
- જીઆઇએ નિષ્ણાતોની ટીમ પણ ડાયમંડ ગ્રેડિંગ સર્ટિ અને જીઆઈએ નંબરોની સમાંતર તપાસ કરશે, મુંબઈમાં લેબ દ્વારા નિર્ણય કરાયો
- આ અધિકૃત નંબરો બોગસ ગ્રેડિંગ સર્ટી બનાવનારાઓ પાસે આવ્યા કઈ રીતે?
પોલીસે GIA ઇન્ડિયા લેબોરેટરી પ્રા.લિમિટેડ (જીઆઇએ ઇન્ડિયા)ને જપ્ત કરેલા હીરા અને ગ્રેડિંગ રિપોર્ટની લાક્ષણિકતાઓ નક્કી કરવા જણાવ્યું હતું.તેને આધારે ચકાસણી કરવામાં આવતા જાણવા મળ્યું હતું કે કેટલાક ગ્રેડિંગ રિપોર્ટ કાયદેસર અને જીઆઇએ દ્વારા ઈશ્યુ કરવામાં આવ્યા હતા તે રિપોર્ટ હતા. જ્યારે કેટલાક ગ્રેડિંગ રિપોર્ટ કાયદેસરના જીઆઇએ રિપોર્ટ નંબરનો દૂરઉપયોગ કરીને બોગસ સર્ટી બનાવવાના ઉપયોગમાં લેવામાં આવ્યા હતા. આ અધિકૃત નંબરો બોગસ ગ્રેડિંગ સર્ટી બનાવનારાઓ પાસે આવ્યા કઈ રીતે અને આ નંબરોથી કઈ ડાયમંડ કંપનીના હીરા સર્ટિફાઇડ કરવામાં આવ્યા હતા? તે વિગતો જીઆઈએ જાણવા માંગે છે.
જીઆઈએ ઈન્ડિયાની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે જીઆઈએના નેચરલ ડાયમંડના ગ્રેડિંગ સર્ટિફિકેટનો દુરુપયોગ કરી સિવિડી-સિન્થેટિક ડાયમંડ અસલ હીરામાં ખપાવી વેચવાનું કૌભાંડ હોય શકે છે. કારણકે પકડાયેલા મોટાભાગના હીરા સુરતની કોઈ ખાનગી લેબોરેટરીમાં બનેલા સિન્થેટિક ડાયમંડ હતા. જેના સંચાલકોની પોલીસે હજી ધરપકડ કરી નથી. જીઆઇએ ઇન્ડિયાએ સ્થાનિક સુરત પોલીસના સત્તાવાળાઓને સહકાર આપવાનું ચાલુ રાખ્યું છે. વધુમાં, જીઆઈએ ઈન્ડિયાએ પોલીસને વિનંતી કરી કે તે જરૂરી તપાસ કરે અને કિંમતી નેચરલ ડાયમંડના વેપાર પરથી વિશ્વાસ ઉઠાવનારા ઠગો અને લેબનો પર્દાફાશ કરે, ગુનેગારોને ઓળખી તેમની ધરપકડ કરે. જીઆઈએએ અપીલ કરી છે કે લેબોરેટરીના ગ્રેડિંગ સર્ટિફિકેટ સાથે વેંચતા કિંમતી હીરાની ખાતરી કર્યા પછી જ હીરાની ખરીદી કરવી.