દેશની વિવિધ ટ્રિબ્યુનલ્સમાં લાંબા સમયથી ખાલી જગ્યાઓ ભરવામાં નહીં આવતા તથા ‘‘ટ્રિબ્યુનલફિડ રિફોર્મ એક્ટ’’ પસાર કરવા બદલ તાજેતરમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર સામે નારાજગી વ્યક્ત કરી સરકારને જણાવ્યું છે કે ‘‘તમે કોર્ટના આદેશોનું સન્માન નથી કરવા માંગતા. કેન્દ્ર સરકાર દ્વારા અમારી ધીરજની કસોટી લેવામાં આવી રહી છે. અમારી પાસે ત્રણ વિકલ્પ છે, અમે ટ્રિબ્યુનલ બંધ કરી દઈએ કે અમે જાતે નિમણુંક કરીએ અથવા કેન્દ્ર સરકાર સામે અવમાનની કાર્યવાહી કરીએ. કેન્દ્ર સરકાર ખાલી જગ્યાઓ નહીં ભરીને તેમનું ગળું ઘોંટવા માંગે છે.’’
ઉલ્લેખનીય છે કે ન્યાય પ્રક્રિયાની જટિલતાઓને સરળ બનાવવા માટે અને તેનો બોજો ઓછો કરવા માટે અર્ધન્યાયિક સંસ્થાઓના રૂપમાં ટ્રિબ્યુનલ્સોનું માળખુ ઊભું કરવામાં આવ્યું છે અને તેના અનેક સ્તરો પર સકારાત્મક પરિણામો પણ જોવામાં આવ્યા છે. પરંતુ આજે આ ટ્રિબ્યુનલ્સમાં ભારે સંખ્યામાં ખાલી થયેલાં પદો પર નિયુક્તિ નહીં કરવાને કારણે કામકાજમાં રૂકાવટ આવી રહી છે. આ સ્થિતિ સમગ્ર તંત્ર માટે યોગ્ય નથી. આનાથી સરકારી પ્રતિભા ખરડાઈ છે. સરકારે આ સંદર્ભમાં કોર્ટના વલણને ગંભીરતાપૂર્વક લક્ષમાં લઈ તાકીદે યોગ્ય ઘટતા પગલાં લેવા જોઈએ.
પાલનપુર – મહેશ વી. વ્યાસ ગુજરાતી -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.