કૃષ્ણ ભગવાનની બાળલીલાનો એક પ્રસંગ છે.ગોકુળમાં યમુના નદીના નમન અને પૂજનનો ઉત્સવ હતો અને આખું ગામ યમુના નદીના કાંઠે ભેગું થયું હતું અને પૂજન અને આરતી બાદ બધા યમુના નદીમાં એક પછી એક દીપ વહાવી રહ્યા હતા. પાંદડામાં મૂકેલા દીપમાંથી અમુક નદીમાં આગળ જઈ રહ્યા હતા અને અમુક દીપ આગળ જઈ રહ્યા ન હતા.યશોદા માતાએ જોયું કે નાનકડો કાન્હો હાથમાં લાંબી ડાળી લઈને એક એક દીપને બહાર કાઢી રહ્યો હતો અને કિનારા પર એક લાઈનમાં મૂકી રહ્યો હતો.યશોદાજી તેની પાસે ગયા અને પૂછ્યું, ‘લલ્લા આ શું કરે છે?’
નદીમાંથી દીપ કાઢતાં કાઢતાં કનૈયાએ કહ્યું, ‘મૈયા, આ બધા દીપ નદીમાં ડૂબી રહ્યા છે એટલે હું તેમને બચાવી રહ્યો છું.’ યશોદા માતા હસવા લાગ્યાં અને કહેવા લાગ્યાં, ‘કાન્હા, અહીં તો નદીમાં કેટકેટલા દીપ છે અને તું તો નાનો છે કેટલા દીપ બચાવીશ.’કાન્હાએ જવાબ આપ્યો, ‘મૈયા, જે જે દીપ મારી તરફ આવશે અને જે જે દીપને મારા હાથની લાંબી ડાળી બચાવી શકશે તેને હું બચાવીશ અને જે જે દીપ મારાથી દૂર જશે.નદીના પ્રવાહમાં દૂર વહી જશે તેને હું નહિ બચાવી શકું.’ આટલું બોલીને કનૈયો દીપ બચાવવામાં વ્યસ્ત થઇ ગયો. માતા યશોદા સાથેના આ બાળલીલાના પ્રસંગને જરા વધુ ચિંતન મનન સાથે વાંચીએ તો ભગવાને ગીતામાં આપેલા જ્ઞાન જેવો જ એક સંદેશ છુપાયેલો છે.ભગવાન કૃષ્ણ કહે છે કે જે દીપ મારી તરફ આવશે,જે દીપ મારી આગળ લંબાવેલી ડાળીની નજીક આવશે તેને હું બચાવીશ.
જે પ્રવાહમાં મારાથી દૂર તણાઈ જશે તેને હું નહિ બચાવી શકું. આ સંસારસાગરમાં આપણે બધા આ તરતાં દીપ છીએ.જો આપણે કૃષ્ણની નજીક જઈશું અને તેમની સાથે પ્રાર્થના, પૂજા, ભક્તિ, ભજન, સત્સંગ વગેરે દ્વારા જોડાયેલા રહીશું તો કૃષ્ણ આપણને સંસારસાગર પાર ઉતારશે અને બચાવશે.પરંતુ જો સંસારની મોહમાયામાં તણાઈને આપણે કૃષ્ણથી દૂર થઈશું તો કૃષ્ણ આપણને નહીં બચાવી શકે. માટે હંમેશા કૃષ્ણને ભૂલવા નહિ.હંમેશા કૃષ્ણની સાથે જોડાયેલા રહેવું.કૃષ્ણ નામ લેતાં રહેવું.હરિનામ લેવાથી અને હરિકામ કરતાં રહેવાથી તેમની નજીક જઈ શકાય છે માટે બસ કૃષ્ણ સાથે જોડાયેલાં રહો.બાકી કૃષ્ણ કરી લેશે.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.