કેન્દ્ર સરકારે બુધવારે કહ્યું કે તેને એર ઇન્ડિયા (Air India) ખરીદવા માટે ઘણી બિડ (Bid) મળી છે. સૌથી મહત્વની બોલી ટાટા ગ્રુપ (TATA group)ની હોવાનું માનવામાં આવે છે, જેણે હરાજીમાં ભાગ લેવાનું સ્વીકાર્યું છે. હકીકતમાં, ટાટાની બોલી એ અર્થમાં મહત્વની છે કે 68 વર્ષ પહેલા સુધી આ એરલાઇન (Airlines) કંપનીની માલિકી ટાટાની જ હતી.
આઝાદી પછી, ઉડ્ડયન ક્ષેત્રના રાષ્ટ્રીયકરણને કારણે, સરકારે કંપનીના 49 ટકા શેર ખરીદ્યા. આ રીતે, 15 વર્ષ સુધી ખાનગી એરલાઇન તરીકે સફળતાપૂર્વક કાર્યરત ટાટા એરલાઇન્સ સરકારી કંપની (Govt co.) બની. જો બધુ બરાબર ચાલ્યું તો, દેવા હેઠળ ડૂબેલી જાહેર ક્ષેત્રની એરલાઇન એર ઇન્ડિયા ફરી એક વખત ટાટા ગ્રુપના હાથમાં જઈ શકે છે. ખરેખર, એર ઇન્ડિયાનું ભવિષ્ય નક્કી થવાનું છે. આ એરલાઈન માટે બોલી લગાવવાની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર હતી, જે આજે પૂરી થઈ રહી છે. ટાટા સન્સ પણ આ એરલાઇન માટે બિડર્સમાં સામેલ છે. ટાટા સન્સના પ્રવક્તાએ જણાવ્યું કે એર ઇન્ડિયા માટે નાણાકીય બિડ રજૂ કરવામાં આવી છે. સ્પાઇસ જેટ (Spice jet)ના પ્રમોટર અજય સિંહે પણ એર ઇન્ડિયા માટે બોલી લગાવી છે.
1932 માં શરૂ કરવામાં આવી હતી એરલાઇન્સ: તમને જણાવી દઈએ કે JRD ટાટાએ 1932 માં ટાટા એર સર્વિસ શરૂ કરી હતી, જે બાદમાં ટાટા એરલાઈન્સ બની અને 29 જુલાઈ 1946 ના રોજ તે પબ્લિક લિમિટેડ કંપની બની. 1953 માં સરકારે ટાટા એરલાઇન્સ હસ્તગત કરી અને તે એક સરકારી કંપની બની. હવે ફરી એક વખત ટાટા ગ્રુપના ટાટા સન્સે આ એરલાઇનમાં રસ દાખવ્યો છે. એટલે કે, લગભગ 68 વર્ષ પછી ફરી એક વખત એર ઇન્ડિયા ટાટા ગ્રુપ પાસે જવાની ધારણા છે. ટાટા સન્સ ગ્રુપમાં 66 ટકા હિસ્સો ધરાવે છે, અને તે ટાટા ગ્રુપના મોટા હિસ્સેદાર છે.
સમગ્ર હિસ્સો વેચવામાં આવી રહ્યો છે: કેન્દ્ર સરકાર સરકારી માલિકીની એરલાઇનમાં તેનો 100 ટકા હિસ્સો વેચવા માંગે છે, જેમાં એર ઇન્ડિયાનો 100 ટકા હિસ્સો AI એક્સપ્રેસ લિમિટેડમાં અને એર ઇન્ડિયા SATS એરપોર્ટ સર્વિસિસ પ્રાઇવેટ લિમિટેડનો 50 ટકા હિસ્સો સામેલ છે. 2007 માં ડોમેસ્ટિક ઓપરેટર ઇન્ડિયન એરલાઇન્સ સાથે મર્જર થયા બાદ એરલાઇનને નુકસાન થઇ રહ્યું છે. સરકાર વર્ષ 2017 થી એર ઇન્ડિયાનું વિનિવેશ કરવાનો પ્રયાસ કરી રહી છે. ત્યારથી, ઘણા પ્રસંગોએ, પ્રયત્નો સફળ થયા નથી.
જોકે, બાદમાં સરકારે નિયમોમાં કેટલાક ફેરફાર કર્યા અને ખરીદદારોને નવો વિકલ્પ આપ્યો. આ પછી કોરોના આવ્યો અને તેના કારણે વિનિવેશની પ્રક્રિયામાં વિલંબ થયો. સરકારે સંભવિત બિડર્સને એપ્રિલ, 2021 માં નાણાકીય બિડ રજૂ કરવા કહ્યું હતું. તેનો સમયગાળો 15 સપ્ટેમ્બર સુધીનો હતો. જોકે, સફળ બિડરને એર ઇન્ડિયાની સસ્તી એરલાઇન એર ઇન્ડિયા એક્સપ્રેસનું પણ 100 ટકા નિયંત્રણ મળશે.