એક તિરંદાજ હતો.અચૂક નિશાનેબાજ. તેનું તાકેલું નિશાન ક્યારેય ન ચૂકે.એટલો અચૂક નિશાનેબાજ ગણાતો કે ભારે જોરથી ફૂંકાતા પવન વચ્ચે પણ ઝાડની ટોચનું સૌથી ઊંચું પાંદડું વીંધી શકે.જે કોઈ પણ અઘરું નિશાન આપો, તેનું અચૂક પાર જ પડે.તે કોઈ સ્પર્ધા હાર્યો ન હતો અને અનેક ઇનામો જીત્યો હતો. એક પ્રશંસક તેમને મળવા આવ્યા અને પૂછ્યું, ‘તમે ઊંચામાં ઊંચા ઝાડના પાંદડાને વીંધી શકો છો શું તમે હું જે કહું તે ઝાડના મૂળને વીંધી શકો ખરાં?’ તિરંદાજે કહ્યું, ‘જો નિશાન તાકવું જ છે અને તીર છોડવું જ છે તો પછી કોઈ મૂળને વીંધવા માટે શું કામ છોડવું જોઈએ?’ પ્રશંસકે પૂછ્યું, ‘એટલે? આ તમે કેવી વાત કરો છો?’ તિરંદાજે કહ્યું, ‘ભાઈ, હું એક સફળ તિરંદાજ છું અને તિરંદાજીના દરેક નિયમો મેં મારા જીવનમાં વણી લીધા છે. જુઓ, હું તમને સમજાવું.’
પ્રશંસક બોલ્યા, ‘હા સમજાવો.’ તિરંદાજે કહ્યું, ‘તિરંદાજીના અમુક મહત્ત્વના નિયમોમાંથી પહેલો નિયમ છે નીચા અને સહેલા નિશાન તાકવા નહિ એટલે હું ઝાડની ટોચ તરફ ઉપર નિશાન તાકું છું. મૂળ તરફ નીચે નહિ અને જીવનમાં પણ અઘરા અને ઊંચા ધ્યેય રાખું છું. તિરંદાજીનો બીજો નિયમ છે રમતની અધવચ્ચેથી ઊઠવું નહિ.હું જે કામ કરું છું તેને પૂર્ણ કરું છું.ક્યારેય અધૂરું છોડતો નથી. તિરંદાજીનો ત્રીજો નિયમ છે કે છૂટેલું તીર પાછું ફરી શકતું નથી.એટલે બરાબર બે વાર નિશાન તાકીને છોડવું.તેમ જીવનમાં પણ જે કરો તે બરાબર બે વાર વિચારીને પછી જ નિર્ણય લઈને આગળ વધવું.
તિરંદાજીનો ચોથો નિયમ છે જે નિશાન તાકવા ઈચ્છો તેને બરાબર જુઓ, જાણો અને સમજો અને પછી અચૂક નિશાન તાકો.એવી જ રીતે જીવનમાં પણ જે મેળવવા ઈચ્છો તેને બરાબર જુઓ, જાણો અને સમજો અને પછી તે મેળવવા માટે અચૂક મહેનત સાચી દિશામાં શરૂ કરો. તિરંદાજીનો પાંચમો નિયમ છે કે જે નિશાન તાકો તે વીંધીને જ અટકો અને એવી જ રીતે જીવનમાં જે મેળવવું હોય તે નક્કી કરો અને તે મેળવવા માટે સતત મહેનત કરો અને મેળવીને જ જંપો.’ પ્રશંસક આ વાત સાંભળી બોલી ઊઠ્યા, ‘અરે વાહ, આ તો દરેક માણસને જીવન જીતવામાં કામ આવે તેવા સિદ્ધાંતો છે.’ તિરંદાજી શીખીએ કે ન શીખીએ, તિરંદાજીના આ સિધ્ધાંતો સમજીને અચૂક જીવનમાં ઉતારીએ.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.