Madhya Gujarat

જોગણ ગામનો યુવક સગીરાને ભગાડી જતાં સાત વર્ષની કેદ

આણંદ : વિરસદ પોલીસ તાબે આવેલા ગામમાં રહેતી સગીરાને લગ્નની લાલચ આપી જોગણનો શખસ ભગાડી ગયો હતો. આ કેસમાં સાત વર્ષની કેદની સજા અને દંડ ફટકાર્યો હતો. પેટલાદ તાલુકાના જોગણ સામે આવેલા સરદારપુરામાં રહેતો શના રાવજીભાઈ ઠાકોરએ  2018ના રોજ રાત્રિના વિરસદ પોલીસ તાબે આવેલા ગામની 15 વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો. આ અંગે વિરસદ પોલીસે શના ઠાકોર સામે ગુનો નોંધી  ધરપકડ કરી હતી. બીજી તરફ સગીરા પર જાતીય અત્યાચાર કર્યો હોવાનું ખુલતાં પોલીસે તેના સામે કલમ ઉમેરી ચાર્જશીટ તૈયાર કરી હતી.

આ ચાર્જશીટ કોર્ટમાં રજુ કરતાં કેસ ચાલ્યો હતો. જેમાં 13 સાહેદ, 25 દસ્તાવેજી પુરાવા રજુ કરાયાં હતાં. આ ઉપરાંત સરકારી વકિલ જે.એચ. રાઠોડે દલીલ કરી હતી કે, આરોપી વિરૂદ્ધ સાબિત થયેલા ગુનાઓ અંગે સમાજમાં તેની નોંધ લેવાય અને ભવિષ્યમાં અન્ય આરોપી આવા ગુનાઓ કરતા અટકે તેવી દાખલા રૂપ સજા કરવી જોઈએ. આથી, ન્યાયધિશે પુરાવા અને દલીલોને ધ્યાને લઇને શના ઠાકોરને આઈપીસી 363 હેઠળ ત્રણ વર્ષની સખત કેદની સજા અને રૂ.5000નો દંડ, જો દંડ ન ભરે તો વધુ ત્રણ માસની સાદી કેદ. આ ઉપરાંત કલમ 366 મુજબના ગુનાના કામે સાત વર્ષની સખત કેદની સજા તથા રૂ.સાત હજારનો દંડ કરવામાં આવે છે. જો આરોપી દંડની રકમ ન ભરે તો વધુ 4 માસની સાદી કેદની સજા ભોગવવા હુકમ કરવામાં આવ્યો છે.

Most Popular

To Top