ગાંધીનગર: (Gandhinagar) રાજ્યના મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીએ રાજીનામું આપ્યું છે. રૂપાણીની મુખ્યમંત્રી (Chief Minister) તરીકે વરણી પણ એકાએક થઈ હતી અને એક્ઝીટ પણ અચાનક જ થઈ છે. તત્કાલીન મુખ્યમંત્રી આનંદી પટેલે ફેસબુકના માધ્યમથી રાજીનામું આપ્યા બાદ 2014માં પ્રથમ વાર ધારાસભ્ય (MLA) બનેલા વિજય રૂપાણીની (Vijay Rupani) મુખ્યમંત્રી તરીકે વરણી કરવામાં આવી હતી. 19 ફેબ્રુઆરી 2016 ના રોજ તેઓ ગુજરાત ભાજપ અધ્યક્ષ બન્યા હતાં. 7 ઓગસ્ટ 2016 ના રોજ તેઓ મુખ્યમંત્રી પદે નિમણૂંક પામ્યા. તેઓ ગુજરાતના 16માં મુખ્યમંત્રી હતા.
વિજય રૂપાણી ભલે 2014માં પ્રથમવાર ધારાસભ્ય બન્યા હોય પરંતુ તેઓ રાજકારણ સાથે 30 વર્ષથી સંકળાયેલા હતા. 2 ઓગસ્ટ 1956માં રમણિક અને માયા રૂપાણીના ઘરે વિજય રૂપાણીનો બર્મા ખાતે જન્મ થયો હતો. જૈન સમાજમાંથી આવતા રૂપાણીએ કાયદાનો અભ્યાસ કર્યો છે. 1971માં જનસંઘ સાથે રૂપાણી જોડાઈ વિદ્યાર્થી નેતા તરીકે તેઓએ રાજકારણમાં પગરવ માંડ્યા હતા. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) સાથે તેઓ સક્રિય રીતે વર્ષો સુધી સંકળાયેલા રહ્યા હતા. આ અગાઉ તેઓ રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ સાથે પણ કામ કરી ચૂક્યા છે.
તેઓ રાજકોટ પશ્ચિમની બેઠક પરથી હાલ ધારાસભ્ય છે. અગાઉ 2006થી 2012 સુધી તેઓ રાજ્યસભા સાંસદ રહી ચૂક્યા છે. ભાજપમાં તેઓ કેશુભાઈના સમયમાં સક્રિય થયા હતા. કેશુભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે વિજય રૂપાણીએ ચૂંટણી મેનિફેસ્ટો કમિટીના અધ્યક્ષ તરીકે જવાબદારી નિભાવી હતી. 2007 અને 2012માં વિધાનસભા ચૂંટણી વખતે સૌરાષ્ટ્ર વિસ્તારોમાં તેઓએ સારી કામગીરી નિભાવી હતી. ચૂંટણી મેનેજમેન્ટનું કામ સુપેરે પાર પાડ્યું હતું, જેના પગલે સૌરાષ્ટ્રમાં ભાજપનો ભવ્ય વિજય થયો હતો.
શાંત સ્વભાવ અને સ્વચ્છ છબીના લીધે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગુડબુકમાં રહ્યાં છે. રૂપાણીને હંમેશાથી અમિત શાહના નજીકના વ્યક્તિઓમાં ગણાતા રહ્યાં છે. અમિત શાહની કૃપાથી જ રૂપાણીને મુખ્યમંત્રી પદ મળ્યું હોવાનું પણ માનવામાં આવે છે. તત્કાલીન મુખ્યમંત્રી આનંદી પટેલે રાજીનામું આપ્યું ત્યાર બાદ 7 ઓગસ્ટ 2016ના રોજ વિજય રૂપાણી મુખ્યમંત્રી બન્યા હતા. રૂપાણી ગુજરાત રાજ્યના 16માં મુખ્યમંત્રી હતા. સૌરાષ્ટ્રથી મુખ્યમંત્રીના પદ પર પહોંચનારા રૂપાણી 5માં વ્યક્તિ બન્યા હતા. ગત ઓગસ્ટ મહિનામાં જ રૂપાણીએ પાંચ વર્ષ પૂર્ણ થવા પર ઉજવણી કરી હતી.