ગાંધીનગર: (Gandhinagar) વિજય રુપાણીના રાજીનામા (Resignation) બાદ ગાંધીનગરમાં રાજકીય ગતિવિધિ તેજ બની ગઈ છે. હાલ વિજય રૂપાણી અને નીતિન પટેલની જોડીની સરકારે પાંચ વર્ષ સફળતાપૂર્વક પૂરા કર્યાં છે. આવામાં તેમના રાજીનામાથી અનેક અટકળો ચાલી રહી છે. ત્યારે હવે નવા મુખ્યમંત્રીના (New CM) રેસમાં કોણ તે ચર્ચાઓનો દોર શરૂ થયો છે. શુ પક્ષ પાટીદાર ચહેરાને સ્થાન આપશે કે પછી કોઈ નવો ચહેરો લાવશે. તેના પર સૌની નજર છે. જેમાં પાટીદાર ચહેરની દાવેદારી પ્રબળ માનવામાં આવે છે. ગુજરાતના (Gujarat) નવા મુ્ખ્યમંત્રીના નામમાં સીઆર પાટીલ, મનસુખ માંડવિયા, પુરુષોત્તમ રૂપાલા, નીતિન પટેલ જેવા ચહેરાઓ શામેલ છે. અટકળો મુજબ સીઆર પાટીલ અને મનસુખ માંડવિયાનું પલડું હાલ ભારે લાગી રહ્યું છે. જોકે આલાકમાન કોની ઉપર પસંદગી ઉતારે છે તે જોવું રહ્યું.
ધારાસભ્યોની બેઠકમાં ગુજરાતના નવા મુખ્યમંત્રીનું નામ નક્કી થશે. ભાજપે કાલે ધારાસભ્ય દળની બેઠક બોલાવી છે. ત્યારબાદ મોડી રાત સુધી ગુજરાતના નવા મુખ્યમંત્રીની પસંદગી થઈ શકે છે. આજે સાંજ સુધીમાં ભાજપના તમામ ધારાસભ્યોને ગાંધીનગર પહોંચવા આદેશ કરવામાં આવ્યો છે. જણાવી દઈએ કે વિજય રુપાણી 19 ફેબ્રુઆરી 2016 ના રોજ ગુજરાત ભાજપ અધ્યક્ષ બન્યા હતાં. તેઓ 7 ઓગસ્ટ 2016 ના રોજ મુખ્યમંત્રી હતા. તેઓ ગુજરાતના 16માં મુખ્યમંત્રી હતાં. રાજીનામું આપ્યા બાદ માડિયા સાથે વાત કરતાં તેમણે કહ્યું કે સંગઠન સાથે મારી કોઈ તકરાર ન હતી. પાર્ટીના નેતૃત્વમાં અમે ઈલેક્શન જીત્યા છે. મને પાંચ વર્ષ જે જવાબદારી આપી હતી તે મેં નિભાવી છે. હું ભાજપનો આભાર માનુ છું કે મને આ તક આપી. હવે નવા નેૃત્વમાં ગુજરાતના વિકાસની યાત્રા આગળ વધશે.
હવે નવા નેતૃત્વ સાથે ભાજપ ગુજરાતમાં આગામી ચૂંટણી લડવા જઈ રહી છે. છેલ્લા કેટલાક મહિનાઓથી આમ આદમી પાર્ટી પણ રાજ્યમાં ભાજપને આકરી સ્પર્ધા આપી રહી છે. પાર્ટીએ રૂપાણી સરકારને ઘેરી લીધી છે, કોરોના વાયરસની બીજી લહેર સહિત અનેક મુદ્દાઓ ઉઠાવ્યા છે, જ્યારે કોંગ્રેસના કાર્યકરો પણ ગુજરાતમાં સક્રિય રીતે મુદ્દાઓ ઉઠાવી રહ્યા છે. ત્યારે હવે આવનારી ચૂંટણીમાં વિપક્ષીઓ સામે ટક્કર ઝીલવા ભાજપ દમદાર નેતાને સીએમના રૂપમાં મેદાનમાં ઉતારશે.
છેલ્લા કેટલાક મહિનાઓમાં ભાજપે કેટલાક રાજ્યોના મુખ્યમંત્રી બદલ્યા છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રીઓ અગાઉ બે વખત બદલાયા હતા, જ્યારે તાજેતરમાં યેદિયુરપ્પાને કર્ણાટકના મુખ્યમંત્રીનું પદ છોડવું પડ્યું હતું. ઉત્તરાખંડમાં તીરથ સિંહ રાવતને મુખ્યમંત્રી પદેથી હટાવ્યા બાદ ભાજપના કેન્દ્રીય નેતૃત્વએ પુષ્કરસિંહ ધામીને નવા મુખ્યમંત્રી બનાવ્યા. આગામી વર્ષે ઉત્તરાખંડમાં પણ વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ સાથે જ કર્ણાટકમાં પાર્ટીએ યેદિયુરપ્પાની જગ્યાએ બસવરાજ બોમ્માઈને મુખ્યમંત્રી પદની જવાબદારી સોંપી છે.