Business

ચાતુર્માસ એટલે વારતહેવારની ચાલતી વણઝાર

આપણો દેશ એટલે વિવિધતામાં એક્તા રાખનારો દેશ. આપણા દેશમાં અનેક જાતિના લોકો વસે છે. જેના રીતિરિવાજોતહેવારો જુદા જુદા હોય છે. ચાતુર્માસથી શરૂ થતાં વારતહેવારોની સિઝનમાં કોઈ ને કોઈ ઉપવાસ કે તહેવાર આવ્યા કરતાં હોય છે અને તેની ઉજવણી વિધિવત રીતે આજના સમયમાં પણ કેટલાય લોકો કરતાં હોય છે પણ સવાલ અહીં ઉદભવે છે કે પહેલાંના સમયમાં તો પોસિબલ હતું પણ આજના સમયની સન્નારીઓને કેટલું પ્રેક્ટિકલ લાગે છે? તેમની કઈ રીતની લાગણી જોડાયેલી છે? આજની ફાસ્ટ લાઈફમાં શું એમને સમય મળી રહે છે ખરો? ચાલો જાણીએ શું કહે છે સન્નારીઓ….

આપણે કરીશું તો આપણાં છોકરાંઓમાં એ સંસ્કાર આપોઆપ આવશે : મીનાક્ષી ગજ્જર

44 વર્ષીય મીનાક્ષીબેન ગજ્જર ટીચર છે. મીનાક્ષીબેન જણાવે છે કે, ‘‘પહેલાંના સમયમાં લોકોને એટલો સમય મળી રહેતો આથી તેઓ દરેક વારતહેવાર સારી રીતે કરી શકતા હતા. એ કદાચ આજે પોસિબલ નથી પણ પોતાની અનુકૂળતા મુજબ તો આનું અનુકરણ કરવું જ જોઈએ એવું હું માનું છું. જો આપણે કરીશું તો આપણાં છોકરાંઓમાં એ સંસ્કાર આપોઆપ આવશે અને જેટલું આપણે કરીએ એમાંથી થોડુંઘણું પણ છોકરાઓ કરશે. હું વર્કિંગ વુમન છું છતાં મેનેજ થઈ જાય છે. કરવું હોય તો બધું જ પોસિબલ છે. જો કે મારા ઘરમાં એવું બંધન નથી કે જેતે રીત મુજબ જ કરવાનું. એમાં છૂટછાટ મળે. હું આખો ચાતુર્માસ ઉપવાસ કરું છું. કાંદો, લસણ નથી ખાતી. પણ જો મારા ઘરમાં કોઈને ખાવાની ઈચ્છા થાય તો હું તેમને રોકતી નથી. તેમને બનાવી પણ આપું છું.’’

ભગવાનમાં માનીએ છીએ પણ સમય નથી મળતો : મમતા ધોળકિયા

26 વર્ષીય મમતા ધોળકિયા હાઉસવાઈફ છે. તેઓ જણાવે છે કે, ‘‘આપણે વધારે ધાર્મિક રીતરિવાજોમાં માનીએ છીએ પણ મને લાગે છે આ બધું પહેલાંના સમયમાં પોસિબલ હતું. હાલના સમયમાં પ્રેક્ટિકલી જોવા જઈએ તો બધું મેનેજ ના થઈ શકે. એવું નથી કે હું ભગવાનમાં નથી માનતી. ભગવાનમાં માનીએ છીએ પણ એટલો સમય નથી મળી રહેતો બધા વારતહેવારને કરવામાં કે મંદિર જવામાં. મારે દોઢ વર્ષનો છોકરો છે. આથી ઉપવાસ મારાથી થઈ શકતા નથી અને આ બાબતે મારા ઘરના લોકોનો પણ સપોર્ટ મળી રહે છે. મારાં સાસુ તમામ વારતહેવારમાં માને છે પણ ક્યારેય મને ફોર્સ નથી કરતાં કે તારે કરવું જ પડશે. તેઓ મને એમ જ કહે છે કે તારાથી મેનેજ થઈ શકે તો કર. જરૂરી નથી મંદિર જ્વું જ પડે. દિલથી ભગવાનને યાદ કરીએ તો પણ ભગવાન રીઝી શકે.’’

મનમાં નિશ્ચય કરીએ અને કરવું જ હોય તો બધું જ થાય : સ્નેહા પટેલ

35 વર્ષીય સ્નેહા પટેલ બ્યૂટીશ્યન છે. સ્નેહા પટેલ જણાવે છે કે, ‘‘આજના સમયમાં હું પોતે વર્કિંગ વુમન હોવા છતાં જે આપણી સંસ્કૃતિ છે, ચાતુર્માસમાં સતત વારતહેવાર આવે તેમાં હું માનું છું અને તમામનું અનુસરણ પણ કરું છું કેમ કે આપણાં બાળકને તો જ આપણી સંસ્કૃતિ વિશેની સમજ આવશે. આ કોઈ અંધશ્રધ્ધાનો વિષય નથી કે તમે કોઈ ઉપવાસ મિસ કરો તો આમ થઈ જશે કે તેમ થઈ જશે અને કરવું હોય તો બધું થાય પણ આપણે વધારે પશ્ચિમી સંસ્કૃતિ તરફ વળી ગયા છીએ આથી ઘણાંને બહાનું મળી ગયું છે કે અમારાથી ના થાય કે તેમાં અમે માનતા નથી. બાકી મનમાં નિશ્ચય કરીએ અને કરવું જ હોય તો આજના સમયમાં પણ બધું જ થાય.’’

પ્રેક્ટિકલી વિચારીએ તો પહેલાંના સમયનું અનુસરણ કરવું શકય પણ નથી : ધર્મી પટેલ

35 વર્ષીય ધર્મી પટેલ લેક્ચરર છે. ધર્મી પટેલ જણાવે છે કે, ‘‘હું માનું છું કે આજના સમયમાં બધું મેનેજ કરવું અઘરું છે અને એમાંય જ્યારે વર્કિંગ વુમન હોઈએ ત્યારે વારતહેવાર, ઘર, જોબ આ બધું મેનેજ કરવું અઘરું છે. તહેવાર ઉજવવા જોઈએ પણ ઘરના લોકોનો સહયોગ હોય તો જ આ શક્ય છે. મારા ઘરમાં આ બાબતે મને પૂરતો સપોર્ટ આપે છે કેમ કે રાંધણછઠ આવે ત્યારે રજા નથી હોતી. પહેલાં રાંધણછઠમાં વધારે ઘૂઘરા, મગસ ને એવી ઘણી વસ્તુઓ બનાવતા એની સરખામણીમાં આજે જોબ પરથી આવીને આ બધી વાનગી બનાવવી શકય નથી આથી પાણીપૂરી, ભેળપૂરી જેવી વાનગીઓ મેન્યુમાં એડ કરીએ જેથી થોડું ઇઝીલી પતે. કોઈક વાર ઉપવાસ મિસ થઈ જાય તો પણ ચાલે. મારાથી બધા ઉપવાસ નથી થતાં. આખા વર્ષમાં પાંચેક ઉપવાસ કરું છું. સમયને આધીન બદલાવ ચાલે. ભગવાન એમ નથી કહેતાં કે તમારે બધું કરવું જ જોઈએ. પ્રેક્ટિકલી વિચારીએ તો પહેલાંના સમયનું અનુસરણ કરવું શકય પણ નથી.’’

આજના સમયમાં પણ કરવું હોય તો બધું જ શક્ય છે : પ્રીતિબેન પટેલ

49 વર્ષીય પ્રીતિબેન પટેલ હાઉસવાઈફ છે. પ્રીતિબેન જણાવે છે કે, ‘‘હું એકલા હાથે મારા ઘરનાં કામ કરું છું છતાંય જાતે જ ગમે તે રીતે ભગવાન માટે સમય કાઢવાનો પ્રયત્ન કરું જ છું. જો કે સવારે વહેલું નથી થતું પણ તમામ વારતહેવાર હું કરું છું. હું નાગપાંચમ, રાંધણછઠ, શીતળાસાતમ, જન્માષ્ટમી બધું જ કરું છું. આપણાં બાળકની બર્થ ડે હોય ત્યારે ગમે તેટલા બિઝી શેડ્યુલ વચ્ચે પણ આપણે સમય કાઢીને ધામધૂમથી ઉજવીએ છીએ, તો જગતના પાલનહારનો તહેવાર હોય તો એમાં કેમ સમય ના મળે? ઘણાને મેં એવું કહેતા સાંભળ્યા છે કે પહેલાં આ બધું શક્ય હતું આજે શકય નથી પણ હું માનું છું કે કરવું હોય એના માટે આજના સમયમાં પણ બધું જ શક્ય છે. ભગવાને 24 ક્લાક આપ્યા છે તો તેમાંથી આપણે એક ક્લાક તો તેમના માટે કાઢી જ શકીએ છીએ.’’

Most Popular

To Top