નવી દિલ્હી : ટી-20 વર્લ્ડકપ (T-20 world cup) માટેની બુધવારે જાહેર કરવામાં આવેલી ટી-20 ટીમમાં પસંદગીકારોએ ક્રિકેટ ચાહકો (cricket fans)ને સરપ્રાઇઝ આપતા આઇકોનિક માજી કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (M S Dhoni)ની ટીમના મેન્ટર (Mentor) તરીકે વરણી કરી છે.
BCCIના સચિવ જય શાહે જાહેર કર્યું હતું કે માજી ભારતીય કેપ્ટન ધોની મેન્ટર તરીકે ટી-20 વર્લ્ડકપમાં ટીમ સાથે રહેશે. તેમણે કહ્યું હતું કે મેં દુબઇમાં તેની સાથે આ બાબતે વાત કરી હતી અને તેણે વર્લ્ડ ટી-20માં મેન્ટર તરીકે જોડાવાની હામી ભરી હતી. મેં મારા સાથીઓ સથે વાત કરવાની સાથે જ કેપ્ટન વિરાટ કોહલી (Virat kohli) અને રોહિત શર્મા (Rohit shrma) સાથે પણ વાત કરી હતી અને બધાએ તે માટે સંમતી આપી હતી. યુએઇ (UAE)માં રમાનારા આગામી ટી-20 વર્લ્ડકપ માટેની ભારતીય ટીમની બુધવારે જાહેરાત કરવામાં આવી હતી. જેમાં સીનિયર ઓફ સ્પીનર રવિચંદ્રન અશ્વિનનો 15 સભ્યોની ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. અપેક્ષા અનુસાર શિખર ધવનને ટીમમાં સામેલ કરાયો નથી. આ સાથે જ ટીમમાં ઇશાન કિશન, અક્ષર પટેલ અને વરૂણ ચક્રવર્તીનો પણ સમાવેશ કરાયો છે. 34 વર્ષિય અશ્વિને છેલ્લે 2017માં ભારત વતી મર્યાદિત ઓવરોની મેચ રમી હતી. વોશિંગ્ટન સુંદર ઇજાગ્રસ્ત હોવાથી એક ઓફ સ્પીનરની ટીમમાં જરૂર હોવાથી અમે અશ્વિનનો સમાવેશ કર્યો છે એવું પસંદગી અધ્યક્ષ ચેતન શર્માએ જણાવ્યું હતું.
ઇશાન કિશન અને વરૂણ ચક્રવર્તીને તેમના આઇપીએલના સાતત્યપૂર્ણ પ્રદર્શનનું ઇનામ મળ્યુ છે એમ કહી શકાય. વર્લ્ડકપ માટે પસંદ કરાયેલી 15 સભ્યોની ટીમમાં ઓપનર તરીકે રોહિત શર્માની સાથે કેએલ રાહુલ છે. તેની સાથે જ ઇશાન કિશન પણ ઓપનીંગ કરી શકે છે. આ ઉપરાંત ટીમમાં યુવા ખેલાડી સૂર્યકુમાર યાદવનો પણ સમાવેશ થયો છે, જ્યારે પૃથ્વી શોને ટીમમાં સામેલ કરાયો નથી. જો ટીમને ધ્યાને લેવામાં આવે તો તેમાં રવિન્દ્ર જાડેજાની સાથે કુલ પાંચ સ્પિનરને સામેલ કરવામાં આવ્યા છે. જ્યારે ઝડપી બોલરોમાં બુમરાહ, શમી અને ભુવનેશ્વર મળીને માત્ર ત્રણ જ બોલર છે. આ ઉપરાંત શ્રેયસ ઐય્યર, દીપક ચાહર અને શાર્દુલ ઠાકુરનો રિઝર્વ ખેલાડી તરીકે સમાવેશ કરાયો છે.
ટી-20 વર્લ્ડકપ માટેની ભારતીય ટીમ : વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), ઇશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, રાહુલ ચાહર, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, વરૂણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, મહંમદ શમી. ( સ્ટેન્ડબાય : શ્રેયસ ઐય્યર, દીપક ચાહર અને શાર્દુલ ઠાકુર)
ટી-20 વર્લ્ડકપ માટેની ટીમમાં ચાર વર્ષ પછી વાપસી કરનાર અશ્વિન સાથે કુલ પાંચ સ્પીનર
યુએઇમાં રમાનારા ટી-20 વર્લ્ડકપ માટેની જાહેર થયેલી ભારતીય ટીમમાં સીનિયર ઓફ સ્પીનર રવિચંદ્રન અશ્વિનની ચાર વર્ષ પછી ટીમમાં વાપસી થઇ છે અને ટીમમાં તેની સાથે કુલ પાંચ સ્પીનરનો સમાવેશ કરાયો છે. લાંબા સમયથી મર્યાદિત ઓવરોની ટીમમાં સામેલ થતાં આવેલા યજુવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવને ટીમમાં સામેલ કરાયા નથી. અશ્વિનની સાથે જ ટીમમાં રવિન્દ્ર જાડેજા, રાહુલ ચાહર, વરૂણ ચક્રવર્તી અને અક્ષર પટેલને સામેલ કરવામાં આવ્યા છે.