કહેવાય છે ને વિધ્નહર્તા ગણપતિની આરાધના માત્રથી તમામ સમસ્યાઓ દુર થઈ જાય છે. આપણા દેશમાં દેવી-દેવતાઓ પહેલા ગણપતિ પૂજાય છે. ભક્તો જેટલી ગણપતિ પર શ્રધ્ધા રાખે છે ગણપતિ તેટલી જ તેમના પર કૃપા રાખે છે. ઘણા લોકો માટે તો ગણપતિ તેમના મિત્ર સમાન છે તો કેટલાક લોકોને જીવતે જીવ સાક્ષાત્કાર પણ થયા છે. તો ચાલો આપણે જાણ્યે એવા સુરતીઓ વિશે જેમણે ગણપતિ પ્રત્યે જેટલી શ્રધ્ધા રાખી તેનાથી વધારે તેમના પર કૃપા વરસી છે
મારા કેનેડા જવાના વિઝા ફાઈનલ થઈ ગયા : સૃષ્ટી રામાણી
હું એમ તો માનતાઓમાં વિશ્વાસ કરતી નથી પણ ગણપતિ બાપ્પા પ્રત્યે મને શ્રધ્ધા છે. મારા કેનેડા જવા માટેના સ્ટડી વિઝા છેલ્લા ઘણા સમયથી અટકતા હતા. અંતે મેં સિધ્ધિ વિનાયકના દર્શન કરી બાપ્પાને પ્રાર્થના કરવાનું નક્કી કર્યું. હું જેવી સુરતથી દર્શન માટે જવા નિકળી કે તરત જ એજન્ટનો ફોન આવ્યો કે તમારા વિઝા કન્ફોર્મ થઈ ગયા છે. મેં મંદિર પહોંચી બાપ્પાને ખૂબ ધન્યવાદ પાઠવ્યા.
ગણેશ ચતુર્થીના દિવસે વોલેટ ખોવાઈ ગયું હતું તો વિસર્જનના દિવસે મળી ગયું : યશ કંસારા
ગણપતિ પ્રત્યેની પોતાની શ્રધ્ધા વિશે વાત કરતા યશ કંસારાએ જણાવ્યું હતું કે એક વર્ષ પહેલા ગણેશ ચતુર્થીના દિવસે હું ગણપતિ લેવા જતો હતો અને ત્યાં ફૂલ ડીજેમાં અમે ડાન્સ કરી રહ્યા હતા અને મારું વોલેટ ત્યાં પડી ગયું. વોલેટમાં પાંચ હજાર રૂપિયા હતા તેમજ તમામ આઈડી અને બેંકના કાર્ડ હતા. મેં ગણપતિની પુજા દરમિયાન મારું વોલેટ પાછું મળી જાય તે માટે પ્રાર્થના કરી અને પાંચેય દિવસ ગણપતિનો પ્રસાદ મારા ઘરેથી જશે એવી માનતા કરી. જો કે ગણેશ વિસર્જનના દિવસે જ કોઈ સવારે મારું વોલેટ કોઈ દરવાજા પર છોડી ગયું . તેમાં પૈસા તો નહોતા પણ તમામ ડોક્યુમેન્ટ્સ સલામત હતા. આ ગણપતિ બાપ્પાની જ કૃપા હતી.
ઈન્ટરવ્યુના ત્રીજા દિવસે જ જોબ ફાઈનલ થઈ ગઈ : જલ્પા પોરિયા
મેં શહેરની એક શાળામાં મેનેજમેન્ટ હેડ તરીકે ઈન્ટરવ્યું આપ્યું હતું. ઈન્ટરવ્યુ આપીને હું બહાર નિકળી કે એક છોકરો પેન્સિલની પાછળ ગણપતિ લગાવીને પેન્સિલ વેંચતો હતો. મારી પાસે આવીને તેણે કહ્યું કે મેડમ ગણપતિવાળી આ પેન્સિલ લઈ લો, બાપ્પા તમારી તમામ ઈચ્છાઓ પુરી કરશે. મેં મારી જોબ લાગી જશે તેવી શ્રધ્ધાથી પેન્સિલ લઈ લીધી અને મારી ત્રીજા જ દિવસે જોબ લાગી ગઈ.