National

નેશનલ ડિફેન્સ એકેડમીમાં હવે છોકરીઓ પણ પ્રવેશ મેળવશે, કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને કરી નિર્ણયની જાણ

નવી દિલ્હી: (Delhi) દેશમાં હવે મહિલાઓને (Women) પણ નેશનલ ડિફેન્સ એકેડમી (National Defense Academy) માં પ્રવેશ મળી શકશે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યુ કે, તેણે મહિલાઓને એનડીએ (NDA) દ્વારા સેનામાં સ્થાયી કમિશન આપવાનો નિર્ણય લીધો છે. કોર્ટે તેના પર ખુશી વ્યક્ત કરતા સરકારને લેખિતમાં એફિડેવિડ દાખલ કરવાનું કહ્યું છે. કેન્દ્ર સરકારે બુધવારે સુપ્રીમ કોર્ટને (Supreme Court) આ વિશેની માહિતી આપી છે. સરકાર તરફથી કોર્ટમાં હાજર એડિશનલ સોલિસિટર જનરલ (ASG) ઐશ્વર્યા ભાટીએ જણાવ્યું કે, બંને સંસ્થાઓમાં મેહિલા કેડેટ્સને એન્ટ્રી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

મહિલાઓને નેશનલ ડિફેન્સમાં શામેલ કરવાની સરકારે માહિતી આપ્યા પછી જસ્ટિસ એસકે કૌલે કહ્યું છે કે, અમને જાણીને ખૂબ ખુશી થઈ કે સશસ્ત્ર સેનાએ જ મહિલાઓને NDAમાં સામેલ કરવાનો નિર્ણય કર્યો છે. બેન્ચે કેન્દ્રને એફિડેવિટ દાખલ કરવા માટે 10 દિવસનો સમય આપ્યો છે. આ મુદ્દે હવે 22 સપ્ટેમ્બરે સુનાવણી થવાની છે. જણાવી દઈએ કે અત્યાર સુધી એનડીએના દરવાજા યુવતીઓ માટે બંધ રહ્યાં હતાં. અહીં માત્ર યુવકોને પ્રવેશ મળતો હતો. તેને ભેદભાવ જણાવતા સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ થઈ હતી.

18 ઓગસ્ટે કોર્ટે આ આદેશ આપ્યો હતો કે આ વર્ષે યોજાનારી એનડીએની પ્રવેશ પરીક્ષામાં યુવતીઓને પણ સામેલ કરવામાં આવે. કોર્ટે કહ્યું હતું કે પ્રવેશ પર અંતિમ નિર્ણય બાદમાં કરવામાં આવશે. સરકાર તરફથી રજૂ કરવામાં આવેલી ASG એશ્વર્યા ભાટીએ કોર્ટને નિવેદન કર્યું કે આ વર્ષે NDA પરિક્ષાના નિયમોમાં કોઈ ફેરફાર ના કરવામાં આવે. આ નિયમ લાગુ કરતાં પહેલાં નવી પોલિસી, પ્રક્રિયા અને ટ્રેનિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવું પડશે. તે માટે સરકારને સમય જોઈએ.

2 જજોની બેંચની અધ્યક્ષતા કરી રહેલા જસ્સિસ સંજય કિશન કૌલે સરકારના નિર્ણયની પ્રશંસા કરતા કહ્યુ- અમને ખુશી છે કે સેનાએ ખુદ આ દિશામાં પહેલ કરી છે. સેનાનું સન્માન છે, પરંતુ તેને લૈંગિક સમાનતાને લઈને ઘણું બધુ કરવાની જરૂર છે. મહિલાો જે ભૂમિકા નિભાવી રહી છે, તેના મહત્વને સમજવું જોઈએ. જણાવી દઈએ કે આ વર્ષે NDAની 370 સીટો માટે 4.5 લાખથી વધારે અભ્યાર્થીઓ પરિક્ષા આપવાના છે. પહેલાં NDAની પરિક્ષા 5 સપ્ટેમ્બરે 2021માં થવાની હતી પરંતુ UPSCએ તેને 24 નવેમ્બર સુધી આગળ વધારી છે.

Most Popular

To Top