SURAT

ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ઉકાઈ ડેમમાં આટલા લાખ ક્યુસેક પાણીની આવક

સુરત: (Surat) ઉકાઈ ડેમના (Ukai Dam) ઉપરવાસમાં ભારે વરસાદ (Rain) વરસી રહ્યો છે. ખાસ કરીને કેચમેન્ટ એરિયા ગણાતા લખપુરીમાં 113 મિમિ, ગોપાલખેડામાં 42 મિમિ, દહીંગાવ અને સાવખેડામાં 20-20 મિમિ વરસાદ સાથે 21 રેઇન ગેજ સ્ટેશનમાં કુલ 256 મિમિ વરસાદ નોંધાયો છે. જેને પગલે ઉકાઇ ડેમમાં હાલ 1.45 લાખ ક્યુસેક પાણીની આવક (Water Intake) થઈ છે. જેને પગલે ડેમની સપાટી 334.48 ફૂટ પર પહોંચી છે. જ્યારે મહારાષ્ટ્રમાં તાપી નદી પરના હથનુર ડેમની સપાટી 210.580 મીટર અને ડિસ્ચાર્જ 1296 ક્યુસેક જેટલો નોંધાયો હતો.

ગુજરાત સૌરાષ્ટ્ર મહારાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં આગામી 14 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહીને પગલે આગામી દિવસોમાં ઉકાઈમાં પાણીની આવક ચાલુ રહેશે. સુરતમાં પણ સતત ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે. જેને પગલે ખાડીઓના લેવલ વધ્યા છે. કોઝવેની સપાટીમાં પણ વધારો નોંધાયો છે. ત્યારે ઉકાઈ ડેમમાં પાણીની આવક થતાં તંત્ર એલર્ટ થયું છે. જણાવી દઈએ કે હવામાન વિભાગે 14 સપ્ટેમ્બર સુધી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જેમાં આગામી કેટલાક દિવસ દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

સુરત શહેરમાં બુધવારે પણ બપોર બાદ વરસાદ શરૂ થયો હતો. ખાસ કરીને અઠવા વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. એક કલાકમાં જ અહીં દોઢ ઈંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો. જેથી રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. જણાવી દઈએ કે સુરત શહેરમાં મોસમનો કુલ 42.63 ઇંચ વરસાદ થઇ ગયો છે. શહેરમાં મોસમના સરેરાશ 55 ઇંચ વરસાદ સામે 77.50 ટકા વરસાદ વરસી ગયો છે. શહેરમાં વરસાદી વાતાવરણથી મહત્તમ તાપમાન 2.6 ડિગ્રી ગગડીને 30 ડિગ્રીએ પહોંચી ગયું હતું.

ઉકાઈ ડેમ કેટલા ફુટે કેટલો ભરાય
સપાટી ડેમનો વિસ્તાર
331.43 70 ટકા
336.34 80 ટકા
340.84 90 ટકા
345.00 100 ટકા

ગઈ કાલે ઉપરવાસમાં વરસાદથી ડેમમાં 69959 ક્યુસેક પાણીની આવક થઈ હતી

સુરત જિલ્લામાં વરસાદ સાથે ઉકાઇ ડેમના ઉપરવાસમાં પણ ભારે વરસાદ નોંધાયો હતો. મંગળવારે ડેમના ઉપરવાસમાં લખપુરીમાં 113 એમએમ, ગોપાલખેડમાં 42 એમએમ, દહીગામમાં 10 એમએમ તેમજ સાવખેડામાં 18 એમએમ વરસાદ નોંધાયો છે. ઉકાઇ ડેમમાં વરસાદને પગલે 63959 કયુસેકસ પાણી આવ્યું હતું. ડેમમાં પાણીની આવક ચાલુ રહેતા સપાટી 333.24 ફુટ નોંધાઇ છે. ડેમમાંથી 6180 કયુસેકસ પાણી છોડાઇ રહ્યું છે. હથનૂરની સપાટી 210.700 મીટર તેમજ હથનુરથી 27363 કયુસેકસ પાણી છોડાયું હતુ.

Most Popular

To Top