૧૯૯૬ માં અફઘાનિસ્તાનમાં જે તાલિબાન સત્તા પર આવ્યું હતું તેના કરતાં ૨૦૨૧ નું તાલિબાન વધુ ચાલાક અને ચબરાક છે. તેનો પુરાવો એ છે કે તેણે લોહીનું ટીપું પણ રેડ્યા વિના પંજશીર સિવાયના આખા અફઘાનિસ્તાન પર કબજો મેળવી લીધો હતો. આ માટે તેણે અમેરિકા સાથે ફિક્સિંગ કર્યું હતું. અફઘાનિસ્તાનના તત્કાલીન પ્રમુખ અશરફ ગનીને આ વાતનો ખ્યાલ આવી જતાં તેઓ લડ્યા વગર જ દેશ છોડીને ભાગી ગયા હતા. ૧૯૯૬ માં તાલિબાન સત્તા પર આવ્યું ત્યારે તે પંજશીર પ્રાંત જીતી શક્યું નહોતું; કારણ કે તેને અમેરિકાનો ટેકો હતો. આ વખતે તાલિબાને સૌથી દુર્ગમ જણાતાં પંજશીરમાં લોહિયાળ જંગ ખેલીને વિજય હાંસલ કરી લીધો છે. આ યુદ્ધમાં તેને પાકિસ્તાનના લશ્કરનો સદ્ધર ટેકો મળ્યો હતો. મળતા હેવાલ મુજબ પાકિસ્તાની વાયુદળનાં વિમાનોએ પંજશીરમાં બોમ્બમારો કરીને લડવૈયાઓની કમ્મર ભાંગી નાખી હતી. આ વખતે અમેરિકાએ પણ પંજશીરના લોકોને મદદ કરવાને બદલે તાલિબાનની દયા પર છોડી દીધા હતા. અમેરિકાની ગુપ્તચર સંસ્થા સીઆઈએના વડાએ ખાસ વિમાનમાં કાબુલની મુલાકાત લઈને તાલિબાન નેતાઓ સાથે ખાનગીમાં મંત્રણા કરી તે હકીકત ઘણું બધું કહી જાય છે.
તાલિબાને ૧૯૯૬ માં પણ પંજશીર પર કબજો કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ તેઓ ફાવ્યા નહોતા, કારણ કે પડોશમાં આવેલાં તાજિકિસ્તાનમાંથી પંજશીરના લોકોને જરૂરી પુરવઠો મળ્યા કરતો હતો. આ વખતે તાલિબાને પોતાની વ્યૂહરચના બદલી હતી. તેણે પંજશીરને ચારે બાજુથી ઘેરી લીધું હતું. પંજશીરની ઉત્તરે આવેલા પ્રદેશ પર તેણે પહેલાં કબજો જમાવ્યો હતો, જેને કારણે પંજશીરને તાજિકિસ્તાનમાંથી મળતો અનાજ, ઇંધણ, શસ્ત્રો, દારૂગોળો અને સૈનિકોનો પુરવઠો ખોરવાઈ ગયો હતો. વળી તાલિબાનના લડવૈયાઓ સાથે પાકિસ્તાની લશ્કરના અનુભવી સૈનિકો પણ જોડાયા હતા. હકીકતમાં પાકિસ્તાને તાલિબાનને પંજશીર જીતીને આપ્યું છે.
તાલિબાને પંજશીર પર વિજય વાવટો ફરકાવ્યો તે પહેલાં ત્યાં લોહિયાળ જંગ ખેલાયો હતો. આ જંગમાં તાલિબાનના આશરે એક હજાર સૈનિકો માર્યા ગયા હતા. તાલિબાને પંજશીરના મુખ્ય શહેર પર કબજો જમાવી દીધો તે પછી પંજશીરના સૈનિકોએ તાલિબાનને પાછા ફરવાના માર્ગ પર પાછો કબજો જમાવી દીધો હતો. પરિસ્થિતિ એવી પેદા થઈ ગઈ હતી કે તાલિબાનનું લશ્કર પંજશીરમાં કેદ થઈ ગયું હતું. ત્યારે પાકિસ્તાનના ફાઈટર જેટ વિમાનો તાલિબાનની મદદે આવ્યાં હતાં. તેમણે રસ્તો રોકીને બેઠેલા પંજશીરના સૈન્ય પર બોમ્બ ફેંકી તેમને હટાવી દીધા હતા.
૧૯૯૬ માં તાલિબાને પંજશીર પર હુમલો કર્યો ત્યારે પંજશીરના શેર કહેવાતા સરદાર અહમદ શાહ મસૂદને અમેરિકા અને બ્રિટનના લશ્કરે મદદ કરી હતી, જેને કારણે તેમને વાયા તાજિકિસ્તાન જરૂરી પુરવઠો મળ્યા કરતો હતો. આ કારણે તાલિબાન પોતાની તમામ તાકાત અજમાવીને પણ પંજશીર ઉપર વિજય મેળવી શક્યું નહોતું. ૨૦૦૧ ના સપ્ટેમ્બરમાં અમેરિકાના ટ્વિન ટાવર ઉપર આતંકવાદી હુમલો થયો તેના બે દિવસ પછી જ અલ કાયદાના હુમલામાં અહમદ શાહ મસૂદ માર્યો ગયો હતો. ત્યારે તેનો પુત્ર અહમદ મસૂદ માત્ર ૧૨ વર્ષનો હતો, જે અત્યારે પંજશીરનો સેનાપતિ છે. તાલિબાને જ્યારે પંજશીર પર હુમલાની તૈયારી કરી ત્યારે અહમદ મસૂદે અમેરિકાના વોશિંગ્ટન પોસ્ટ અખબારમાં જાહેરખબર આપીને અમેરિકાને મદદે આવવા ગુજારિશ કરી હતી, પણ અમેરિકા તરફથી તેનો કોઈ પ્રતિસાદ મળ્યો નહોતો. તો પણ અહમદ મસૂર પોતાની તમામ તાકાતથી લડ્યો હતો, પણ પાકિસ્તાનના લશ્કરની મદદથી તેને તાલિબાને પરાસ્ત કર્યો હતો.
અહમદ શાહ મસૂદ વીસમી સદીનો મહાન ગેરિલા ફાઇટર હતો. તેણે રશિયાના રેડ આર્મી સામે દાયકા સુધી ઝીંક ઝીલી હતી પણ તેમને પંજશીરમાં ફાવવા દીધા નહોતા. રશિયાની વિદાય પછી તેણે તાલિબાનને પણ પંજશીરમાં પગ મૂકવા દીધો નહોતો. તેની સરખામણીમાં તેનો પુત્ર અહમદ મસૂદ એટલો ખૂંખાર લડવૈયો નથી. તેણે બ્રિટનની પોશ મિલિટરી કોલેજમાં શિક્ષણ લીધું હતું અને પછી લંડનની કિંગ્સ કોલેજમાંથી યુદ્ધકળામાં ડિગ્રી હાંસલ કરી હતી. અહમદ મસૂદ ૨૦૧૬ માં પંજશીરમાં પાછો ફર્યો હતો. પિતાની પરંપરાગત યુદ્ધકળા કરતાં તેની ડિગ્રી નબળી પુરવાર થઈ હતી. તેના અમેરિકા સાથે મૈત્રીભર્યા સંબંધો હોવાને કારણે અમેરિકાએ ૨૦ વર્ષમાં ક્યારેય પંજશીર પર કબજો જમાવવાનો પ્રયાસ કર્યો નહોતો. તાલિબાને પંજશીર પર કબજો જમાવ્યો તેને પગલે અહમદ મસૂદ તાજિકિસ્તાન ભાગી ગયો હોવાનું મનાય છે.
અફઘાનિસ્તાનના ઉપપ્રમુખ અમરુલ્લાહ સાલેહ સિનિયર અહમદ શાહ મસૂદના સાથીદાર હતા. તેમનો લડાયક વારસો તેમના પુત્ર અહમદ મસૂદ ઉપરાંત અમરુલ્લાહ સાલેહના હાથમાં પણ આવ્યો હતો. આ કારણે જ તાલિબાને કાબુલ કબજે કર્યું ત્યારે પ્રમુખ અશરફ ગની કાયરની જેમ ભાગી ગયા હતા પણ સાલેહે પંજશીરમાં જઈને તાલિબાન સામેનો જંગ ચાલુ રાખ્યો હતો. અમરુલ્લાહ સાલેહ સીઆઈએના જાસૂસ તરીકે પણ કામ કરી ચૂક્યા છે. તેમણે પોતાની જાતને અફઘાનિસ્તાનના કાર્યકારી પ્રમુખ તરીકે જાહેર કર્યા હતા અને તાલિબાન વિરોધી નોર્થ એલાયન્સનું નેતૃત્વ હાથમાં લીધું હતું. અમેરિકાએ તેમને પણ દગો આપીને તાલિબાન સાથે કુલડીમાં ગોળ ભાંગી લીધો હતો. તેમ છતાં સાલેહે છેલ્લી ક્ષણ સુધી તાલિબાનને ટક્કર આપી હતી. છેવટે પણ તેમણે તાલિબાનનો મુકાબલો કરવાની હાકલ કરી હતી, પણ તેમનો પરાભવ થયો હતો. પંજશીરના પતન પછી અમરુલ્લાહ સાલેહ પણ ભાગીને તાજિકિસ્તાન ચાલ્યા ગયા હોવાનું મનાય છે.
પાકિસ્તાનના લશ્કરની મદદથી તાલિબાને પંજશીર પર કબજો જમાવ્યો તે ભારત માટે પણ માઠા સમાચાર છે. જો પાકિસ્તાનનું લશ્કર, તેની જાસૂસી સંસ્થા આઈએસઆઈ અને તાલિબાન એક થઈ જાય તો તેઓ ભારતમાં પણ આતંક ફેલાવી શકે છે. અફઘાનિસ્તાનમાંથી આવી રહેલા હજારો શરણાર્થીઓને પાકિસ્તાનમાં આશરો આપવામાં આવ્યો છે. શરણાર્થીઓનાં ટોળાંમાં તાલિબાનના કેટલાક આતંકવાદીઓ પણ પાકિસ્તાનમાં ઘૂસી ગયા હોય તેવી સંભાવના છે. પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઈએસઆઈ દ્વારા પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં તાલીમી છાવણીઓ ચાલે છે. લશ્કરે તોઇબા અને જૈશના આતંકવાદીઓ ત્યાં જ તૈયાર થાય છે. હવે તેમાં તાલિબાન પણ સામેલ થઈ જાય તેવી સંભાવના છે. ૨૦૦૧ માં ભારતે પંજશીરને મદદ કરી હતી; પણ ૨૦૨૧ માં ભારતે પણ અમેરિકાના ઇશારે પંજશીરને પડતું મૂક્યું હોય તેવી તમામ સંભાવનાઓ છે.
છેલ્લા આશરે ૬ મહિનાથી અમેરિકા પાકિસ્તાનના સહયોગથી તાલિબાન સાથે દોહામાં મંત્રણાઓ ચલાવી રહ્યું હતું. તેમાંથી ભારતને સંપૂર્ણપણે બાકાત રાખવામાં આવ્યું હતું. અમેરિકાએ અને પાકિસ્તાને મળીને તાલિબાન સાથે ગુપ્ત સમજૂતી કરી લીધી છે. ભારતે પણ દોહામાં તાલિબાન સાથે ગુપ્ત મંત્રણાઓ કરી હતી, પણ તેનું કાંઇ પરિણામ આવ્યું હોય તેવું લાગતું નથી. તાલિબાનને દુશ્મન માનીને ભારત તક ચૂકી ગયું છે. પડોશમાં રહેલા એક મિત્ર દેશને તેણે દુશ્મન બનાવ્યો છે. ભારતે હવે પાકિસ્તાન ઉપરાંત અફઘાનિસ્તાનનો પણ મુકાબલો કરવો પડશે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.