Vadodara

લુહાર આધેડના મકાનનો મહિલાને દસ્તાવેજ કરી ત્રિપૂટીએ લોનના 13.50 લાખ પડાવી લીધા

વડોદરા : શહેરના લુહારવાસમાં રહેતા 48 વર્ષીય આધેડને  લોન અપાવવાના બહાને ભેજાબાજ ત્રિપુટીએ  મકાનના દસ્તાવેજો મેળવી અન્ય મહિલાને મકાનનો વેચાણ દસ્તાવેજ કરી લોનના રૂપિયા 13.50 લાખ પોતાના અંગત કામમાં વાપરી નાખી છેતરપિંડી આચરવા નો બનાવ રાવપુરા પોલીસ મથકે નોંધાયો છે.  જોકે ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન દાખલ કર્યા બાદ અદાલતે ફરિયાદ માટેનો હુકમ આપતા ફરિયાદ નોંધાઈ છે. પોલીસે મકાન ખરીદનાર તથા ભેજાબાજ ત્રિપુટી વિરુધ્ધ છેતરપીંડીની સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

શહેરના પ્રતાપ નગર રોડ પર આવેલા લુહાર વાસમાં રહેતા બાબુભાઈ ખેતાભાઈ લુહાર પોતાના ઘરમાં જ લુહારકામ કરી પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવે છે. બાબુભાઇ વર્ષ ૨૦૧૩ દરમિયાન આર્થિક સંકડામણમાં હોવાથી લોન લેવાની જરૂરિયાત ઉદભવી હતી. ત્યારે  દૈનિક છાપામાં મિલ્કત ઉપર લોન આપવામાં આવે છે. તેવી જાહેરાત થકી તેમણે રાજેન્દ્ર ભાઈ ઉર્ફે રાજુભાઈ મણીલાલ સોની (રહે- દાંડિયા બજાર, નીલકંઠ મહાદેવ મંદિર પાસે, વડોદરા) નો સંપર્ક સાધ્યો હતો. જેથી પોતાની મિલકત ડભોઇ રોડ ઉપર આવેલી રાજનગર સોસાયટીના મકાનના ઓરીજનલ ડોક્યુમેન્ટ સાથે તેઓ કુબેર ભવન ખાતે રાજેન્દ્ર ભાઈને મળવા પહોંચ્યા હતા.

દરમિયાન ત્યાં કૌમિલ ચમન મોદી (રહે -યશ કોમ્પલેક્ષ ,ગોત્રી, વડોદરા )તથા યોગેન્દ્રસિંહ ભારતસિંહ રાણા (રહે -સહેલી પાર્ક, ન્યુ સમા, વડોદરા) પણ ઉપસ્થિત હતા. ત્યારે રાજેન્દ્રએ તમારી મિલ્કત મોર્ગેજ કરીપડેશે. ત્યારબાદ જ તમને લોન મળી શકશે. તેમ જણાવતા બાબુભાઇ ત્યારી બતાવતા મિલકત મોર્ગેજ કર્યા બાદ પાંચ લાખની લોન માટેની ખાતરી આપી ઓરીજનલ ડોક્યુમેન્ટ ત્રિપુટીએ પોતાની પાસે રાખ્યા હતા. આ દરમિયાન તેમણે બેંક ખાતુ ખોલાવી ફોટા અને ચેક મેળવ્યા હતા. જેમાં બાબુભાઈની સાઈન પણ કરાવી લીધી હતી.

જોકે લાંબો  સમય વીતવા છતાં લોનના નાણાં નહીં મળતા તેઓએ ફરી રાજેન્દ્ર ભાઈ નો સંપર્ક સાંધતા જણાવ્યું હતું કે તમારી લોન મંજૂર થઈ નથી લોનની રકમ નહીં મળે. દરમિયાન ૨૯ મી મેના રોજ દૈનિક સમાચાર પત્ર થતી જાણ થઈ હતી કે લોન અપાવવાના નામે મકાનો પડાવી લેનાર બે શખ્સોની ધરપકડ ના બનાવમાં ઉપરોક્ત ત્રિપુટીની પણ સંડોવણી હોવાનું બહાર આવ્યું હતું . જેથી બાબુભાઈએ પોતાનું બેન્ક સ્ટેટમેન્ટ ચકાસતા તેમાં રૂપિયા 13.50 લાખ જમા થયા બાદ ત્રિપુટીએ ટુકડે ટુકડે ચેક દ્વારા જાણ બહાર રૂપિયા ઉપાડી પોતાના અંગત કામમાં વાપરી નાખ્યા હોવાની વિગતો સપાટી પર આવી હતી.

દરમિયાન બાબુભાઈએ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, ત્રિપુટીએ બાબુભાઈના મકાનનું  વાઘોડિયા રોડ શ્યામસુંદર સોસાયટીમાં રહેતા રાજેશ્રીબેન કંદોઈને મકાનનો વેચાણ દસ્તાવેજ કરી આપી તેના આધારે 13.50 લાખની લોનના  નાણા ખાતામાં જમા  થયા હતા. જેથી તેઓએ અગાઉ રાવપુરા પોલીસ મથકમાં આપેલી અરજી ફાઇલ થઈ ગયા બાદ ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન દાખલ કર્યા બાદ અદાલતે ફરિયાદ માટેનો હુકમ આપ્યો હતો.  જેથી તેઓએ બનવા અંગે રાવપુરા પોલીસ મથકમાં રાજેન્દ્ર ભાઈ ઉર્ફે રાજુભાઈ મણીલાલ સોની, કૌમિલ ચમન મોદી, યોગેન્દ્રસિંહ ભારતસિંહ રાણા અને રાજેશ્રીબેન કંદોઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે છેતરપીંડી અને મિલ્કત પચાવી પાડવી ધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top