Charchapatra

પ્રધાનમંડળમાં પસંદગી પક્ષ નહિં વિપક્ષ પણ હોય

1951-52માં પ્રથમ સામાન્ય ચુંટણી યોજાઈ તે અગાઉ નહેરુના વડપણ હેઠળ કામચલાઉ પ્રધાનમંડળ અસ્તિત્વમાં હતું. તે સમયે માત્ર ગુણવત્તાનાં ધોરણેવ્યક્તિની પસંદગી પ્રધાનમંડળમાં કરવામાં આવતી હતી. નહેરુએ જનસંઘના એક સ્થાપક શ્યામાપ્રસાદ  મુખરજીને પણ તેમની કાર્યશક્તિ ધ્યાનમાં લઈ પ્રધાનમંડળમાં સમાવેલ હતા. રફી મહમદ અલી કીડવાઈને અન્ન પ્રધાન તરીકે અને એમ.સી. ચાગલાને શિક્ષણ પ્રધાન તરીકે આજે પણ લોકો યાદ કરે છે. તે સમયે આવી પસંદગી વખતે રાજકીય બાબતો ધ્યાનમાં લેવામાં આવતી હશે તેનો ઈન્કાર નથી. પરંતુ ગુણવત્તાને ખાસ મહત્વ અપાતું તેનો સ્વીકાર થવો જોઈએ.

પછી કોંગ્રેસનું સ્થાન ધીરે ધીરે નબળું થતાં પક્ષીય બાબતોને વિશેષ મહત્વ અપાવા લાગ્યું કે, કામરાજ યોજના હેઠળ મોરારજી દેસાઈ સહિત કેટલાક પ્રધાનોનાં રાજીનામાં લઈ લેવામાં આવ્યા અને તેમને પક્ષ મજબૂત કરવા પક્ષીય બાબતો પર ધ્યાન આપવા આદેશ અપાયો હતો. ત્યાર પછીથી પ્રધાનમંડળમાં પસંદગી કરતી વખતે પક્ષીય બાબતો, ધન ખર્ચવાની શક્તિ, મતો ખેંચવાનું સામર્થ્ય, જ્ઞાતિ પર પકડ, મસલ પાવર, વગેરે બાબતોને વિશેષ મહત્વ આપીને જ પ્રધાનમંડળમાં પસંદગી થવા લાગી. જો તેમ ન હોત, તો ‘ગોલી મારો દ્દારો કો’ જેવા અઘટિત શબ્દોનું જાહેરમાં ઉચ્ચારણ કરનાર વ્યક્તિનો કેન્દ્રિય પ્રધાનમંડળમાં સમાવેશ કરાયો ન હોત.

કેન્દ્રિય પ્રધાન મંડળમાં ગુજરાતમાંથી કેટલીક વ્યક્તિઓનો સમાવેશ કરાયો છે. તેની ઉજવણી રાજ્યભરમાં લાખોના ખર્ચે થઈ રહી છે. કોરોનાના આ કપરા કાળમાં આવી ઉજવણી શોભતી નથી. પેટ્રોલ-ડીઝલ સહિત શાકભાજી, અનાજ, કઠોળ, ઘી, ગોળ, તેલ, દવા વ. ચીજ વસ્તુઓના ભાવમાં સતત થઈ રહેલ વધારો ચિંતાજનક અને પીડાકારક છે. સરકારે પ્રજાની આ પીડા સમજવી જોઈએ અને તેનો ઉપાય કરવો જોઈએ.
પાલનપુર – અશ્વિનકુમાર ન.કારીઆ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top