Business

ખોબે ખોબે આપ્યા અભિનંદન હવે ચૂકવો તગડા દામ!

થોડા દિવસ પહેલાં ટોકયો ઑલિમ્પિકસની પૂર્ણાહુતિ થઈ. તમે આ વાંચતા હશો એ જ દિવસે- આ રવિવારે પેરાલિમ્પિક્સ પર પણ આગામી ચાર વર્ષ માટે પડદો પડી જશે. આ બન્ને રમતોત્સવમાં દેશવાસીઓએ અને ખુદ ખેલાડીઓએ પણ નહોતું ધાર્યું એથી વિશેષ સફળતા આપણને મળી છે. આ ઑલિમ્પિકસમાં ભારત 1 સુવર્ણ- 2 રજત અને 4 કાંસ્ય સહિત કુલ 7 ચંદ્રક જીત્યું તો દિવ્યાંગ રમતોત્સવમાં તો આપણા ખેલાડીઓએ તો ગજબની જમાવટ કરી.

Tokyo, July 25, 2021 (UNI):- PV SINDHU beats his Israil opponent POLIKARPOVA on saturday during womens singles Group J qualification round on Sunday : UNI Photo: Seshadri SUKUMAR

આ લખાય છે (૧ સપ્ટેમ્બર-બુધવાર) ત્યાં સુધીમાં 2 ગોલ્ડ સહિત આપણે 10 ચંદ્રક ખૂંચવી લાવ્યા. ધાર્યું પણ ન હતું એવાં એવાં ફિલ્ડમાં ખેલાડીઓએ કમાલ દેખાડી. સહેજે છે કે ન ધારેલી સફળતા મળે એટલે આખો દેશ હર્ષના હિલોળે ચઢે. વિજેતા ખેલાડીઓ પર અધધધ ઈનામી રકમની ધનવર્ષા થઈ રહી છે. ચોતરફ સન્માન થઈ રહ્યાં છે. મોટાં મોટાં કોર્પોરેટ હાઉસ- કંપનીઓ રેડિયો-ટીવી- અખબારોમાં જાહેરખબરો દ્વારા વિજેતાઓને અભિનંદનથી વધાવી રહી છે.

પહેલી નજરે આ બધું ઓકે લાગે પણ હકીકતમાં આપણે ધારીએ છીએ તેમ આ બધું ઠીકઠાક નથી.  અહીં એક ખાસ વિચારેલી લાંબા ગાળાની વ્યાપારી ચાલ હોય છે. આ વાત જરા સમજવા જેવી છે. ધારી લો કે આપણા ભાલાફેંક સુવર્ણ વિજેતા ખેલાડી નિરજ ચોપરાની તસવીર સાથે એને વધાવતી 10 જાહેરખબર પ્રગટ થઈ. એમાંથી મોટાભાગની ઍડ ખરેખર ખરા હૃદયથી આપવામાં આવી હશે પણ બની શકે કે એકાદ-બે જાહેરાતમાં લાંબું નિશાન તાકવામાં આવ્યું પણ હોય. એ કંપનીવાળાની જાહેરખબરમાં ક્યાંક એવી રજૂઆત હોય કે લોકોને લાગે વિજેતા ખેલાડી તો  પેલી કંપનીનો બ્રાન્ડ ઍમ્બૅસેડર છે! બધાં જ જાણે છે કે કોઈ પણ  જાણીતી વ્યક્તિ – ફિલ્મ સ્ટાર કે પછી વિજેતા ખેલાડીને કોઈ કંપનીની બ્રાન્ડના પ્રતિનિધિ તરીકે રજૂ થવા માટે તગડી રકમ ચૂકવવી પડે પરંતુ અહીં તો કશું પણ પરખાવ્યા વગર પોતાની કંપની કે એની પ્રોડક્ટસ વેચવાની આ કુનેહપૂર્વકની ચાલ હોય છે!

હવે તાજેતરની ઓલિમ્પિક ગેમ્સ પછી પરદા પાછળ રમાયેલી રમતની વાત જાણીએ. આ રમતોત્સવમાં જાણીતી બૅડમિન્ટન ખેલાડી પી.વી સિંધુ હમણાં બૅડમિન્ટનની ગેમમાં રજતચન્દ્રક જીતી લાવી. આ પહેલાં પણ એ ઑલિમ્પિકસ મેડલ જીતી હતી. આમ બબ્બે પદક વિજેતા સિંધુએ પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બનવાનું વિક્ર્મસર્જક બહુમાન મેળવ્યું છે. આ સિધ્ધિ જેવીતેવી ન ગણાય એટલે એને વધાવવા બૅડમિન્ટન કોર્ટમાં રમતી એની તસવીરો સાથે સંખ્યાબંધ જાહેરખબરો દેશભરનાં અખબારો તેમ જ સોશ્યલ મીડિયામાં પ્રગટ થઈ. એમાંથી કેટલીક નિર્દોષ હતી તો અમુક કોર્પોરેટ હાઉસે તો પોતાની પ્રોડક્ટ્સ સાથે એની તસવીર એવી રીતે પ્રગટ કરી કે સિંધુ જાણે એમની બ્રાન્ડ ઍમ્બૅસેડર છે!

આમ તો સિંધુ ખુદ પોતે અન્ય કેટલીક  પ્રોડક્ટ્સનું બ્રાન્ડિંગ કરે છે એ રીતે એની પરવાનગી વગર બીજી કંપનીઓ એનાં નામ-ફોટાનો ઉપયોગ કરે એ ગેરકાનૂની જ ગણાય. કોઈ ભળતા જ અવસરે જાણીતી વ્યક્તિનો આ રીતે જાહેરખબરમાં ઈરાદાપૂર્વક  દુરુપયોગ કરવો એને જાહેરખબરની દુનિયામાં  ‘મૉમેન્ટ માર્કેટિંગ’ કહે છે. બીજા શબ્દોમાં કહીએ તો આ ઑલિમ્પિકસ વખતે કેટલીક કંપનીવાળાએ આવી ‘મૉમેન્ટ માર્કેટિંગ’નો એના વેપારી લાભ માટે ચાલાકીપૂર્વક ગેર-ઉપયોગ કર્યો છે. ખેલાડી સિંધુના વેપારી વ્યવહારનું ધ્યાન રાખતા સલાહકારોની નજરે આ વાત ચઢી છે અને એટલે જ સિંધુ પોતાના નામ તથા તસવીરોના ગેરકાયદે ઉપયોગ માટે બહુ જ જાણીતી એવી પાંચેક કંપનીને કોર્ટમાં ઘસડી જઈને એ પ્રત્યેક પાસેથી રૂપિયા પાંચ કરોડની જંગી રકમનું વળતર માગવાની છે !     આમ સિંધુને ઉછળી ઉછળીને ખોબે ખોબે આપેલા અભિનંદન પેલી કંપનીઓ માટે જબરી ખોટનો ધંધો પુરવાર થશે…!

ચોરીચોરી : અંદાઝ અપના અપના!

શાહુકારને આપણે કટાક્ષમાં લુચ્ચો પણ કહીએ છીએ. આવો શાહુકાર હોય કે ચોર, દરેકને પોતાની કામ કરવાની એક આગવી સ્ટાઈલ એટલે કે છટા હોય છે. ચોરની કામ કરવાની આવી સ્ટાઈલને પોલીસ ‘મોડસ ઑપરૅન્ડી’ તરીકે ઓળખાવે છે. દરેક ચોર-ઉચ્ચકાની પોતાની કામ કરવાની એક આગવી પધ્ધતિ પરથી પોલીસ એનું પગેરું પકડે છે.

બે મહિના પહેલાં મુંબઈના શ્રીમંત  એવા જૂહુ આસપાસના વિસ્તારમાંથી મોટરકાર ચોરાવાના કિસ્સા વધી ગયા. આવી ફરિયાદો વધતા પોલીસે એ વિસ્તારના CCTVના રેકોર્ડિંગ ચેક કરવાના શરૂ કર્યા. એ ફૂટેજ પરથી પોલીસે તારણ કાઢ્યું કે ‘એસ્ટિમ’ બ્રાન્ડની જ કાર એ વિસ્તારમાંથી વધુ ગુમ થતી હતી-ચોરાતી હતી. એસ્ટિમ જયાંથી ગુમ થઈ હતી એનાં ફૂટેજ જોતાં પોલીસની ચબરાક નજરે નોંધ્યું કે ત્યાં ઘટનાસ્થળે એક વ્યક્તિ જરૂર જોવા મળતી હતી અને એ ચાલવામાં થોડી લંગડાતી હતી. બસ, આના પરથી પોલીસે પોલીસ ચોપડે ચઢેલા લંગડા કાર-ચોર એવા અપરાધીઓની યાદી તૈયાર કરી. એમાંથી પોલીસે આનંદ નામના યુવાનને આંતર્યો. 

લંગડો આનંદ અગાઉ પણ કાર ચોરી ઉપરાંત બીજા અપરાધો માટે જેલ જઈ આવ્યો હતો અને થોડા મહિના પહેલાં કોરોનાને કારણે એ જામીન પર છૂટ્યો હતો. પોલીસે આદરેલી આકરી ઊલટતપાસમાં આનંદે કબૂલી લીધું કે છેલ્લા કેટલાક મહિનાથી જે પણ એસ્ટિમ કારો ચોરાઈ હતી એમાં એ જ સંડોવાયેલો હતો. અત્યાર સુધીમાં એણે 20થી વધુ એસ્ટિમ કાર ચોરી હતી.       ‘એ આ પ્રકારની  એસ્ટિમ કાર જ કેમ ચોરતો હતો?’ એવા પોલીસના પ્રશ્નના જવાબમાં લંગડો આનંદ કહે કે એને અત્યારની લેટેસ્ટ કારના ડોર-લોક ખોલતાં અને એને ડ્રાઈવ કરતાં ખાસ ફાવતું નહોતું પણ એસ્ટિમ તો એના માટે ‘બાંયે હાથ કા ખેલ’ જેવી હતી. એ બ્રાન્ડની કાર- ચોરીમાં એને ખાસ ફાવટ હતી. એની ચોરીમાં એ માસ્ટર હતો… અને કહે છે ને કે જે કામ ખાસ ફાવતું હોય એ કામ પહેલું કરવું અને આ ‘ખાસ ફાવતું’ કામ કરવા જવામાં જ એ ફસાઈ ગયો….

ઈશિતાનું  ઈત્યાદિ …ઈત્યાદિ

અમેરિકાના મિશિગન સ્ટેટના ડિસ્ટ્રિકટ જજે હમણાં બધાંનું ધ્યાન દોરે એવો એક ચુકાદો આપ્યો છે. ડેવિડ નામના એક યુવાનને નાની વયથી પોર્નોગ્રાફિક – અશ્લીલ સાહિત્ય તેમ જ જાતીય ઉત્તેજના જગાડે એવાં સાધનસામગ્રી વસાવવાનો ગાંડો શોખ. એનાં માતા-પિતાને આ બીભત્સ સામગ્રી- સાહિત્ય સામે જબરી ચીડ. આવું બધું ફગાવી દેવા એ પુત્ર પર દબાણ કરતા. પરિણામે માતા-પિતા અને પુત્ર વચ્ચે અવારનવાર ઝઘડા થતાં એટલે પુત્રને ડર રહેતો કે એની ગેરહાજરીમાં એના પિતા આ બધી અશ્લીલ સામગ્રી વેચી મારશે કે ફગાવી દેશે. આ ભયથી પુત્ર ડેવિડ કોર્ટે ચઢ્યો. બન્ને પક્ષની દલીલો સાંભળીને ન્યાયમૂર્તિએ પુત્રની તરફેણમાં ચુકાદો આપતા ફરમાવ્યું છે કે પુત્રને એના શોખનું પોર્નોગ્રાફી સાહિત્ય-સામગ્રી રાખવાનો જન્મસિધ્ધ અધિકાર છે! આમ છતાં પિતાને એ સામગ્રી ન ગમતી હોય તો એ પુત્ર પાસેથી ખરીદીને પછી જે કરવું હોય તે કરે અને હા, આના બદલામાં પિતા પુત્ર ડેવિડને કુલ 30450 ડોલર ( આશરે રૂપિયા 22,25,000) રોકડા ચૂકવી દે. આને કહેવાય ગંદે કી બોલબાલા! જાણીને નવાઈ લાગશે કે અમેરિકામાં ઈસ્વીસન ૧૮૩૦ના ગાળામાં ટોમેટો કેચઅપનો ઉપયોગ ઔષધિ-દવા તરીકે થતો હતો!

Most Popular

To Top