Dakshin Gujarat

આપમાં જૂના કાર્યકરોને સાઈડલાઈન કરી નવા કાર્યકરોને મહત્ત્વ અપાતું હોવાનો આક્ષેપ

રાજપીપળા: (Rajpipla) ગુજરાતની 2022 વિધાનસભા ચૂંટણીની (Election) તૈયારીઓ તમામ રાજકીય પક્ષોએ આરંભી દીધી છે. આમ આદમી પાર્ટી (AAP) પણ ગુજરાતમાં જન સંવેદના યાત્રાના નામે કોરોનામાં મોતને ભેટેલા મૃતકોને શ્રદ્ધાંજલિ આપી રહી છે. આમ આદમી પાર્ટીમાં અચાનક આવેલા ગોપાલ ઈટલીયાને પ્રદેશ પ્રમુખ જેવું મહત્ત્વનું પદ અપાયું એ બાદ ગુજરાતમાં (Gujarat) આમ આદમી પાર્ટીની બ્રાન્ડ વેલ્યુ લગભગ વધી છે એમ કહીએ તો ખોટું નથી. પણ બીજી બાજુ પક્ષમાં જ જૂના અને નવા કાર્યકરો વચ્ચે મનમેળ નથી એવી પણ ચર્ચા થઈ રહી છે.

હજુ તો આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં પોતાનો પગ મજબૂત કર્યો નથી ત્યાં તો પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના યુવા પ્રમુખ તરીકે નિમણૂક પામનાર ખેડા જિલ્લાના યુવા આગેવાન મહિપતસિંહ ચૌહાણે અચાનક હોદ્દા પરથી રાજીનામું ધરી દીધું હતું. તો બીજી બાજુ પક્ષના સંગઠને રાજ્યના વિવિધ જિલ્લાઓ કામ કરી રહેલા કાર્યકરો અને હોદ્દેદારોને સસ્પેન્ડ કરી દીધા છે. હાલમાં જ આમ આદમી પાર્ટીના વિદ્યાર્થી સંગઠન છાત્ર યુવા સંઘર્ષ સમિતિના ગુજરાત પ્રદેશ પ્રમુખ હર્ષિલ રોહિતે પણ રાજીનામુ ધરી દીધું છે. આમ આદમી પાર્ટીમાં અંદરોઅંદર ડખા હોવાનું જરૂર પૂરવાર થાય છે.

હાલમાં જ નર્મદા જિલ્લાના રાજપીપળા આવેલા આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવીને પક્ષના નારાજ કાર્યકરના રોષનો ભોગ બનવું પડ્યું હતું. નર્મદા જિલ્લામાં પણ આમ આદમી પાર્ટીમાં એક જૂથ નારાજ હોવાની વાતો વહેતી થઈ છે. ત્યારે આ મામલે જ્યારે ઈશુદાન ગઢવીને પૂછ્યું ત્યારે એમણે જણાવ્યું કે એમ હોઈ જ ન શકે, અમે ફરિયાદ નિવારણ સેલ બનાવ્યો જ છે. નારાજ કાર્યકર અથવા અપમાન થતું હોય એવા કાર્યકર એમાં રજૂઆત કરે છે. અમારી પાર્ટીમાં જૂના અને નવા કાર્યકર એવું કંઈ છે જ નહીં.

ઈશુદાન ગઢવીના આ જ નિવેદન પર અમરેલી જિલ્લાના આપમાંથી સસ્પેન્ડ કરાયેલા કાર્યકર ભરત પટોળીયાએ ઈશુદાન ગઢવીને ફોન કરી જણાવ્યું કે, તમે રાજપીપળામાં જે નિવેદન આપ્યું એટલે મારે ફોન કરવો પડ્યો, તમને ખ્યાલ છે કે ગુજરાતમાં જુના કાર્યકરોને કેટલી તકલીફ છે.કાર્યકર્તાને કોઈ વાંક ગુના વગર સાઈડ લાઈન કરે છે. ફરિયાદ નિવારણ સેલમાં આજ દિવસ સુધી એકપણ ફરિયાદનું નિવારણ થયું નથી. અમે પણ બધું છોડીને જ આવ્યા છીએ, તન, મન, ધનથી કામ કરીએ છીએ. પ્રદેશવાળા બંધારણને માનતા જ નથી. કાલે 16 લોકોને સસ્પેન્ડ કર્યા એમણે પાર્ટી વિરુદ્ધ કામ કર્યું હોય તો બતાવવું પડે ને, પ્રદેશમાં બેજવાબદાર નિવેદન યોગ્ય નથી. પાર્ટીનું શૂન્યમાંથી સર્જન કરવાનું છે.

તો સામે ઈશુદાન ગઢવીએ ભરત પટોળીયાને કહ્યું કે, મારી પાસે કોઈ હોદ્દો નથી, હું બધું છોડીને આવ્યો છું. હું સંગઠન સંભાળતો નથી. સંગઠનમાં રજૂઆત કરો. રાજ્યની પ્રજાને પડતી વિવિધ તકલીફોના નિવારણ માટે આપણે લડવું પડશે, તમે કોઈ કાર્ય કર્યું હશે તો જ તમને સસ્પેન્ડ કર્યા હોવા જોઈએ.

Most Popular

To Top