આમ તો આપણે હમેશાં વિકસિત દેશો સાથેની સરખામણી સહજ કરી લઇએ, ખોટું જરા પણ નથી, જો સરખામણીની શરૂઆત કરીએ તો સરકારી કચેરીથી કરીએ. તમારું કાર્ય જો અહીંયા પડે તો સૈાથી વધુ છબી દેશની અહીંયા જોવા મળે. તફાવત જોવા જો કોઈ વાર પાસપોર્ટ ઓફીસે જવાનું થાય તો તરત જ ખબર પડી જાય. સમય અને સિસ્ટમો ખાનગી સંસ્થામાં વધુ સારી જોવા મળે છે. આઝાદીનાં આટલાં વર્ષો પછી પણ લાલિયાવાડી જોવા મળે. જો ભૂલથી તમે વિરોધ કર્યો તો તમારું કામ જ ગયું! દરેક જગ્યાએ ધક્કા. લોકોને પણ ટેવ જેવી પડી હોય એવું ચોક્કસ ફલિત નથી થતું? સમયમર્યાદા જેવું તો હોવું જોઈએ ને. જો આપણે વિકસિત દેશોનો વિચાર કરવો હોય તો સમયની કિંમત સમજવાની ખૂબ જ જરૂરી છે.
જયાં સમયની કિંમત ન હોય ત્યાં વિકાસના અવરોધો જ જોવા મળશે. કાયદા તો ઘણા જ છે, પરંતુ સખત અમલ કોણ કરાવશે, લોકતંત્રનો સૈાથી મોટો આધાર જ પ્રજા છે. એણે સૈાથી પહેલાં જાગૃત થવાની સૈાથી વધુ જરૂર છે. જયાં જયાં ખોટાં કામો થતાં હોય છે ત્યાં ઘણી વખત સંભાળ છે કે હમણાં બહુ જ દબાણ છે, કોણ લાવે છે આ દબાણ અને હમેશાં કેમ નથી હોતું દબાણ? સત્તામાં ખૂબ જ તાકાત છે. આ વાતની તો સુરત જેટલી કોને ખબર હશે? આપણા સુરતની જે શાન છે તેના સૈાથી મોટા દાવેદાર સુરત મહાનગરપાલિકાના કમિશ્નર શ્રી એસ.આર.રાવ સાહેબ હતા. સત્તા જો સાચા દબાણ લગાવે તો કોઈ કંઈ જ ન કરી શકે, પરતું વોટનું રાજકારણ છોડવું પડે, જે ખૂબ જ મુશ્કેલ કાર્ય છે. વિકસિત દેશોની વાત સમજીએ તો એવું ચોક્કસ ફલિત થાય છે કે દેશની સાથે ચેડાં ચાલતાં નથી, વોટનું રાજકારણ તો હોય જ છે, પરંતુ દેશની સાથે કોઈ પણ સમાધાન નહીં. આ વિચારધારા જ વિકાસને યોગ આપી શકે, નહીં તો જાતિવાદ હમેશાં રહેશે અને વિકસિત દેશનું સ્વપ્ન જ રહેશે.
સુરત – જિજ્ઞેશ બક્ષી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.