સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા રોડમાં સંપાદિત થયેલી જમીનનું વળતર ન મળતાં ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા રોડની કામગીરી પૂર્ણ પણ થઈ ગઈ હતી. તો બીજી બાજુ ખેડૂતોએ એવો આક્ષેપ લગાવ્યો છે કે, વડિયા ગામ અને વાવડી ગામની જમીનો સંપાદન કર્યા વગર રાષ્ટ્રીય ધોરી માર્ગ વિભાગ ભરૂચ દ્વારા જબરદસ્તી જમીનોમાં ઘૂસણખોરી કરી ફોરલેન રસ્તો બનાવી પાછળથી સંપાદનની પ્રક્રિયા કર્યા બાદ પણ સંપાદનનું વળતર ખેડૂતોને ચૂકવાયું નથી. સરકારની આ નીતિ સામે ખેડૂતો હવે આંદોલનના માર્ગ તરફ જાય એવા પણ એંધાણ વર્તાઈ રહ્યાં છે.
ખેડૂતોએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને આ બાબતની લેખિત રજૂઆત કરી છે, ખેડૂતોએ રજૂઆતમાં જણાવ્યું છે કે અમે રોડની કામગીરીનો વિરોધ નોંધાવ્યો હતો. ત્યારે નેશનલ હાઈવેના અધિકારીઓએ અમને ધમકી આપી હતી. ખોટાં આશ્વાસનો આપી ખેતરના ઊભા પાક કાપી અમારી જમીન પચાવી પાડી હતી અને રોડની ફોરલેનની કામગીરી પુર્ણ કરી અધિકારીઓ ગાયબ થઈ ગયા હતા. ખેડૂતોને આજદિન સુધી જબરદસ્તી છીનવી લીધેલી જમીનોનું વળતર ચૂકવ્યું નથી. વડિયા ગામનો એવોર્ડ જાહેર કર્યાને બે મહિના વીતી ગયા પછી પણ ખેડૂતોને વળતર માટે સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડે છે, અને હજુ તો વાવડી ગામની જમીનોના એવોર્ડના કોઇ ઠેકાણાં નથી. જો વળતરનાં નાણાં 15 દિવસમાં ચૂકવવામાં નહીં આવે તો રોડ બનાવવામાં આવ્યો છે તે અમે જાતે ઉખાડી ફેંકવા માટે મજબૂર બનીશું.