Entertainment

રાધિકા આપ્ટે, એકટિંગ દેખો, ગ્લેમર નહિ

હવે સારી વાત એ બની રહી છે કે જે અભિનેત્રીને તમે બહુ બ્યુટીફૂલ નહીં કહી શકો, ગ્લેમરસ કે સેકસી નહિ કહી શકો તે પણ ટોપના સ્ટાર સાથે જોડી તરીકે આવે છે. અક્ષયકુમારને અને ઋત્વિક રોશનને એવો આગ્રહ નથી હોતો કે ગ્લેમરસ અભિનેત્રી જ અમને ચાલશે. તેઓ દિપીકા પાદુકોણે, કેટરીના કૈફ સાથે ય કામ કરે છે ને ઓછી જાણીતી યા ઓછી બ્યુટીફૂલ અભિનેત્રી સાથે ય કામ કરે છે. આ હવે બદલાયેલો અભિગમ છે. આનો લાભ રાધિકા આપ્ટે જેવી અભિનેત્રીને થઇ રહયો છે. હમણાં વિક્રમ વેર્ધાની રિમેક જાહેર થઇ તો ઋત્વિક સાથે રાધિકા છે. ‘સુપર 30’માં તેની સાથે મૃણાલ ઠાકુર હતી જેને સ્વિમિંગ સૂટની જરૂર નહોતી પડી કે સેકસી ડાન્સની ય હોટ બેકસીનની ય જરૂર નહોતી પડી. રાધિકા આ બદલાયેલા વલણથી ખુશ છે.

જો કે તે સામે ચાલીને મોટા સ્ટાર્સ સાથેની ફિલ્મ મેળવવા પ્રયત્ન નથી કરતી. અક્ષયકુમાર સાથેની ‘પેડ મેન’માં તે જરૂરિયાત તરીકે જ આવી હતી. આ ફિલ્મથી તેનામાં લોકો જરા જૂદું જોતા થયા એટલે જ ‘અંધાધૂન’માં આયુષ્યમાન ખુરાના સાથે આવી હતી. રાધિકા આપ્ટે ટોપના સ્ટાર સાથે કામ કરે કે ઓછા જાણીતા સ્ટાર સાથે કામ કરે, લોકો તેની નોંધ લે છે. આ કારણે તે કરણ જોહર કે રોહિત શેટ્ટીની ફિલ્મોની રાહ નથી જોતી. તેને નવા દિગ્દર્શકો સાથે કામ કરવામાં વધારે મઝા આવે છે કારણ કે સાથે મળી ક્રિયેટિવિટી પર ધ્યાન આપી શકાય છે.

તેની એક ફિલ્મ આવી રહી છે ‘મિસીસ અંડર કવર’. તેમાંય તેની સાથે સુમીત વ્યાસ, રાજેશ શર્મા જેવા જ છે. નાની ગણાતી ફિલ્મોને મોટી કરવી હોય તો જાણે રાધિકા જેવાની જરૂર પડે છે. 2005થી તે ફિલ્મોમાં છે. તેના નામે ‘અંતહીન’, ‘ધ વેઇટિંગ રૂમ’, ‘રકત ચરિત્ર’, ‘લાલ ભરી’, ‘બદલાપૂર’, ‘માંઝી: ધ માઉન્ટન મેન’ ઉપરાંત ‘સેક્રેડ ગેમ્સ’, સલસ્ટ સ્ટોરીઝ’ જેવી સિરીઝો ય છે. રાધિકા પાંચમા છઠ્ઠા ક્ર્મે રમવા આવતા બેટસમેન જેવી છે. તેનો રોલ કયારે મોટો થઇ જાય તે કહેવાય નહીં. રાધિકાની ઓળખ તેનો અભિનય છે, લુક નહીં.

Most Popular

To Top