Entertainment

બોમન હંમેશા મન લગાવી કામ કરે છે

અત્યારે સુપ્રસિધ્ધ ચરિત્રો પરથી ફિલ્મ બનાવવાનું જોરમાં ચાલી રહયું છે. ચરિત્રો જો પ્રસિધ્ધ હોયતો અપેક્ષાય ઘણી હોય અને એ અપેક્ષા ન ફળે તો અભિનેતા પર એ નિષ્ફળતા ઠોકી મારવામાં આવે છે. હમણાં બોમન ઇરાની બે એવા ચરિત્રો ભજવી રહયા છે જેમાં તેમની કસોટી થઇ શકે. ‘83’માં તેમને ફરોખ એંજિનીયરની ભૂમિકા મળી છે. ફરોખ મસ્તમિજાજના વિકેટકીપર, ઓપનીંગ બેટસમેન હતા. બોમન અત્યારે એકમાત્રજ ાણીતા પારસી અભિનેતા છે. પોતે 62 વર્ષના થયા છે અને યુવાન ફરોખ એંજિનીયરની ભૂમિકા ભજવશે. બીજી એવી ભૂમિકા મળી છે લાલકૃષ્ણ અડવાણીની. પરેશ રાવલ જેમાં ‘ડો. અબ્દુલ કલામ’ તરીકે દેખાશે તેમાં બોમન ઇરાની અડવાણી બનશે.

જો કે બોમન ઇરાની પડકાર ઝીલી શકે તેવા અભિનેતા છે અને કોમેડીથી માંડી ગંભીર ભૂમિકાઓ આસાનીથી ભજવી ચૂકયાછે. ‘બંદા યે બિન્દાસ હે’ નામની તેમની જે ફિલ્મ આવી રહી છે તેમાં હીરો તો ગોવિંદા છે જેને જોવા અત્યારે પ્રેક્ષક તૈયાર નથી પણ ફિલ્મ કોમેડી છે અને ગોવિંદા સાથે રાજપાલ યાદવ, સતીશ શાહ અને બોમન છે એટલે કોમેડીમાં સારી ટક્કર તો થશે. આ સિવાય ‘જયેશભાઇ જોરદાર’ પણ કોમેડી જ ફિલ્મ છે જેમાં તે રણવીર સીંઘના પિતા બન્યા છે.

તેમની ‘મુન્નાભાઇ એમ.બી.બી.એસ. 2003માં રજૂ થયેલી પછી દરેક ફિલ્મે તેમણે પોતાની મહત્તા સ્થાપી છે તે ચાહે ‘મેં હું ના’ હોય, ‘વીર ઝારા’, ‘નો એન્ટ્રી’ કે ‘ખોસલા કા ઘોસલા’. રાજકુમાર ીરાનીની તો દરેક ફિલ્મમાં તેઓ હોયછે. બોમન પ્રકૃતિના શાંત અભિનેતા છે ને કેમેરા ઓન થતાં જ પોતાની તાકાત બતાવે છે. હકીકતે પાછલા વર્ષમાં નવી પેઢીને જે વૈવિધ્યશાળી ભૂમિકા ભજવે એવા ચરિત્ર અભિનેતા મળ્યા હોય તો બોમન છે. એક પારસી અભિનેતા આટલા વટથી છવાઇ ગયા તે ગૌરવની વાત કહેવાય. પોતાને કોમેડી પૂરતા મર્યાદિત ન રાખ્યા તે સારી વાત છે અને એટલે જ ‘જોલી એલ.એલ.બી.’ પ્રકારની ભૂમિકા ય મેળવે છે. તેઓ આ પહેલાં ‘પી એમ નરેન્દ્ર મોદી’માં રતન ટાટાની ભૂમિકા ભજવી ગયા છે પણ ફિલ્મ નચાલી એટલે એ ભૂમિકા પર ઘણાનું ધ્યાન ન ગયું. આવી ભૂમિકા પારસી હોવાને કારણે જ નથી મળી ક્ષમતાને આધારે મળી છે. અત્યારે તે અજય દેવગણ નિર્મીત ‘મે-ડે’માં પણ અજય, અમિતાભ, રકુલ પ્રીત સીંઘ સાથે કામ કરે છે. બોમન જેમાં હોય એ ફિલ્મની સાખ વધી જાય છે. લોકોને તેમની પર ભરોસો બેસી ગયો છે. એમ કહી શકાય કે અમરીશ પુરીની જેમ મોટી ઉંમરે કારકિર્દી શરૂ થઇ પણ એવી શરૂ થઇ કે કામથી ફૂરસદ નથી.

Most Popular

To Top