આણંદ : પેટલાદ શહેરમાં આવેલી પેટલાદ તાલુકા ખેતી વિકાસ ઔદ્યોગિક મંડળીની આશરે 30 ગુંઠા જેટલી જમીન બારોબાર ભુમાફિયાઓએ વેચી દીધી હતી. આ બાબત મંડળીના ધ્યાને આવતા કલેક્ટરમાં ફરિયાદ કરી હતી. બાદમાં મામલો પોલીસ મથકે પહોંચતાં પેટલાદ શહેર પોલીસે પાંચ શખસ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. પેટલાદ તાલુકા ખેતી વિકાસ ઔદ્યોગીક મંડળીની રેવન્યુ સર્વે નં.330/7ની જમીન ટાઉન પ્લાનીંગ સ્કીમ -2માં સમાવેશ થતાં તેનો ઓરીજીનલ પ્લોટ નં.44/2 પડ્યો હતો અને કબજેદાર તરીકે પ્રમુખ, પેટલાદ તાલુકા ખેતી વિકાસ ઔદ્યોગીક સેવા સહકારી મંડળીની નોંધ થઇ હતી. હાલ પણ મંડળીનું જ નામ ચાલે છે. આ બાબતે પેટલાદ ચીફ ઓફિસર તથા પેટલાદ વિસ્તાર વિકાસ સત્તા મંડળ દ્વારા ટાઉન પ્લાનીંગ યોજના -2 મુજબ 30 ગુંઠા જમીન ફાઇનલ પ્લોટ નં.44/2 બન્યો હતો. જે રોડ માર્જીન કપાત બાદ 2305 ચોરસ મીટરવાળી જમીનની 23મી જૂન, 2014માં પેટલાદ સીટી સર્વે દ્વારા માપણી કરી કબજો સોંપ્યો હતો.
દરમિયાનમાં નજીકમાં આવેલી ખાતા નં.980 વાળી જમીન મોહનભાઈ ફુલાભાઈ પટેલની છે. જે મોહનભાઈની જમીન સીટી વિસ્તારમાં હોઇ ટાઉન પ્લાનીંગ સ્કીમ-2 સમાવેશ થતાં તેનો ઓરીજનલ નંબર 42માં સમાવેશ કરવામાં આવ્યો હતો. જોકે, તેઓએ 11મી મે, 11ના રોજ આ જમીન ક્રિષ્ના કો. ઓપ. પેટલાદની ભાગીદારી પેઢીના વહીવટકર્તા અને ભાગીદાર રાકેશ બિહારીલાલ શાહ અને જયેશ કાંતિભાઈ પટેલને વેચાણ આપી હતી. પરંતુ આ દસ્તાવેજથી જમીન વેચાણ થઇ ગયું હોવા છતાં 7/12માંથી નામ કમી કરાવ્યું નહતું.
આ તકનો લાભ મોહનભાઈ ફુલાભાઈ પટેલના વારસદારો લીધો હતો. મોહનભાઈ 22મી ફેબ્રુઆરી,2016ના રોજ ગુજરી જતાં તેમના વારસદારો વિનોદ પટેલ, મુકેશ પટેલ, નિલેશ પટેલ અને કલ્પના પટેલએ પોતાના નામ 4થી એપ્રિલ, 2017ના રોજ જમીનમાં ઘુસાડી દીધાં હતાં. બાદમાં પેટલાદ સીટી સર્વે કચેરીમાં પ્રોપર્ટી કાર્ડમાં ફાયનલ પ્લોટ નં.42માં દાખલ કરવામાં આવેલી હતી. તેમ છતાં તે ફોર્મ – બી અને ફાયનલ પ્લોટની સાચી હકિકત છુપાવીને સર્વે નંબર 330/7 પૈકીની 30 ગુંઠા જમીન ટાઉન પ્લાનીંગ સ્કીમ નંબર 2ના ફાયનલ પ્લોટ નં.44/2 જમીન જે પેટલાદ તાલુકા ખેતી વિકાસ ઔદ્યોગિક સેવા સહકારી મંડળીની જમીન આવેલી છે.
તે પ્લોટમાં વિનોદ પટેલ, મુકેશ પટેલ, નિલેશ પટેલ તેમજ કલ્પના પટેલે પોતાનો બતાવીને અગાઉથી નક્કી કર્યા મુજબ અધિકાર વગરનો ખોટો પાવર શાંતિલાલ મગનભાઈ વણકરને આપ્યો હતો. જે પાવરનો ઉપયોગ કરી શાંતિલાલ વણકરે ફાયનલ પ્લોટ 44/2 વાળી મંડળીની જમીનના ખુંટની વિગતોને 0-19 ગુંઠાની જમીન તરીકે ખોટી રીતે દર્શાવી, ફાયનલ પ્લોટ નં.44/2 વાળી 2305 ચોરસ મીટરની જમીનના સીટી સર્વે ફોર્મ-બી રેકર્ડમાં મોહન ફુલાભાઈ કે તેઓના વારસદારોએ પોતાની માલિકીની હોવાનું જણાવી શાંતિલાલ મગનભાઈ વણકરે ગણોત ધારાની કલમ 43ની ખોટી રીતે પરવાનગી મેળવી લીધી હતી.
સીટી સર્વેના રેકર્ડ ફોર્મ-બીમાં પેટલાદ તાલુકા ખેતી વિકાસ ઔદ્યોગીક સેવા સહકારી મંડળીના નામે ચાલતા ફાઇનલ પ્લોટ નં.44/2ના નંબરનો ખોટો ઉપયોગ કરી, મંડળીના ફાયનલ પ્લોટના ફોટોગ્રાફનો ઉપયોગ કરી જમીન માલીકી દર્શાવી રીતેશ મનુભાઈ પટેલ (રહે.અરડી, તા. પેટલાદ)ને વેચામ કરી આપી હતી. આ બાબતે મંડળીને જાણ થતાં સંચાલકો ચોંકી ગયા હતા અને તાત્કાલિક પેટલાદ મામલતદારમાં વાંધા અરજી આપી નોંધ નામંજુર કરાવી હતી. આ ઉપરાંત ખોટા વેચાણ સંદર્ભે ખાસ તપાસ સમિતી અને કલેક્ટર આણંદ (એસઆઈટી) સમક્ષ અરજી કરતાં કલેક્ટરે તાત્કાલિક ગુનો નોંધવા હુકમ કર્યો હતો. આ હુકમ આધારે મંડળીના સુશાંતકુમાર પટેલની ફરિયાદ આધારે વિનોદ મોહન પટેલ, મુકેશ મોહન પટેલ, નિલેશ મોહન પટેલ, કલ્પનાબેન મોહન પટેલ અને શાંતિલાલ મગન વણકર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.