SURAT

આજથી ધો. 6થી 8ની સુરત શહેર-જિલ્લાની 2000 સ્કૂલમાં દોઢ વર્ષ પછી ફિઝિકલ એજ્યુકેશન શરૂ થશે

ગુજરાત રાજયમાં કોરોનાની મહામારીનાં કારણે દોઢ વર્ષથી વાસ્તવિક શિક્ષણથી દૂર રહેલાં ૬ થી ૮ ધોરણનાં વિદ્યાર્થીઓ માટે આવતીકાલથી શાળાઓ શરૂ કરવામાં આવશે. સુરત શહેર અને જિલ્લાની કુલ ૧૭૫૦ જેટલી શાળાઓમાં અભ્યાસ કરી રહેલા અંદાજે ૩ લાખ ૧૫ હજાર જેટલા વિદ્યાર્થીઓને કોરોનાની ગાઇડલાઇન સાથે શિક્ષકો વાસ્તવિક શિક્ષણ આપવાની શરૂઆત કરશે.

ગયા માર્ચ મહિનામાં ૨૦૨૦માં કોરોના વાયરસનાં સંક્રમણનાં ભયનાં કારણે શાળાઓ બંધ કરી દેવામાં આવી હતી. અને વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપી ગાડું ગબડાવવામાં આવી રહ્યું હતું. જો કે કોરોનાનો પ્રકોપ ઘટતા છેલ્લા બે મહિનાથી ધોરણ ૯ થી ૧૨નાં વર્ગ ઓફલાઇન ચલાવવામાં આવી રહ્યાં છે. જયારે હવે આવતીકાલથી ધોરણ ૬ થી ૮ નાં વર્ગ પણ શરૂ કરવામાં આવશે. આ અંગે સુરત જિલ્લા શિક્ષણાધિકારી એચ. એચ. રાજ્યગુરુએ જણાવ્યું હતું કે, શહેરની ૯૫૦, સુરત જિલ્લાની ૪૫૦ તેમજ શિક્ષણ સમિતિની ૩૫૦ મળી કુલ ૧૭૫૦ જેટલી શાળાનાં આચાર્ય અને સંચાલકોને કોરોનાની ગાઇડલાઇન અંગેની સમજણ આપવામાં આવી છે.

આ શાળાઓમાં અભ્યાસ કરી રહેલા અંદાજે કુલ ૩ લાખ ૧૫ હજાર વિદ્યાર્થીઓ પૈકી ૫૦ ટકા વિદ્યાર્થીઓને રોટેશન પ્રમાણે બોલાવવામાં આવશે. આ દરમિયાન શાળામાં આવનાર વિદ્યાર્થીઓ માસ્ક, સેનિટાઇઝરનું ચુસ્ત પાલન કરે તેની તકેદારી રાખવાની રહેશે. આ ઉપરાંત કોઇ વિદ્યાર્થીનું સ્વાસ્થય યોગ્ય નહીં હોય તો શાળાએ નહીં આવે તેની કાળજી રાખવાની જવાબદારી પણ શાળાનાં આચાર્ય અને સંચાલકોની રહેશે, આ ઉપરાંત વિદ્યાર્થીનાં વાલીઓની પણ પરવાનગી મેળવવાની રહેશે. વધુમાં જોવા જઇએ તો હાલમાં ૯ થી ૧૨નાં ઓફલાઇન વર્ગ ચાલતા હોવા છતા વિદ્યાર્થીઓમાં કોરોનાનું સંક્રમણ જોવા મળ્યું નથી, જેથી ચુસ્ત ગાઇડલાઇન સાથે હવે ધોરણ ૬ થી ૮ નાં વર્ગો પણ શરૂ થશે.

Most Popular

To Top