SURAT

સુરતમાં જીપીસીબીની આબરૂના લીરેલીરા, વડોદમાં બે ગેરકાયદે સિમેન્ટ પ્લાન્ટ

સુરત શહેરમાં જીપીસીબીના પયાર્વરણીય કાયદાઓની સરેઆમ ઘોર ખોદાઇ ગઇ છે. જીપીસીબીના હપ્તાખોર બાબુઓને કારણે શહેરમાં છડેચોક ગેરકાયદે એકમો ધમધમી ઉઠયા છે. રાજયનું આર્થિક પાટનગર ગણાતાં સુરત શહેરની હાલત ભયાનક બની ગઇ છે. કોરોનાના લોકડાઉન બાદ શહેરમાં રૂપિયાના જોરે મૂડીપતિઓએ પર્યાવરણના કાયદાને ગટરમાં ફેંકી દીધા છે. આ વાતનું સીધુ ઉદાહરણ શહેરમાં સરેઆમ ચાલી રહેલા ગેરકાયદે ઉઘોગો છે. સુરતમાં વિતેલા કેટલાંક દિવસથી પાંડેસરા જીઆઇડીસીમાં પ્રદુષણ ફેલાવતી મિલોનો મામલો ચગ્યો છે.

આ મામલે જીપીસીબી કંઇ જ કરી શકી નથી. ત્યાં તો નંદનવન ટાઉનશીપ ડિંડોલી રેલવે ટ્રેક સામે આવેલી મારૂતિનંદન એન્ટરપ્રાઇઝના નામે ગેરકાયદે ચાલતી મિલે ચકચાર મચાવી છે. જીપીસીબીના માથે આ મામલે માછલા ધોવાઇ રહ્યાં છે. ત્યાં ફરી વધુ ભયાનક અને સ્ફોટક વિગતો બહાર આવી છે. સુરત શહેરમાં પર્યાવરણ કાયદાને મૂડીપતિ લોકોએ ભાજીમૂળા બનાવી દીધા છે. શહેરના ભેસ્તાન નવસારી રોડ ઉપર આવેલી બીઆરસીમાં બનેલી લક્ષ્મી નારાયણ ઇન્ડસ્ટ્રીમાં પ્લોટ નંબર13થી17 ઉપર શુભકારી પ્રોસેસર્સ નામનો ગેરકાયદે પ્લાન્ટ ચાલુ કરી દેવાયો છે.

આ પ્લાન્ટને અડોઅડ નેજાધારી પ્રોસેસર્સ પ્લાન્ટ ચાલતો હતો પરંતુ ગેરકાયદે ચાલતા આ પ્લાન્ટ સામે લોકોનો ભારે વિરોધ થયો હતો. સ્થાનિક જીપીસીબી હપ્તા ઉઘરાવવા વ્યસ્ત હતી તો પાટનગરની વિજિલન્સની ટીમ પણ સ્થળ તપાસ કરી ગઇ હતી. કહેવાય છે કે, વિજિલન્સની ટીમે પણ ગજવા ગરમ કરી ગોળગોળ ખેલ કરી નાંખ્યો હતો. આ સ્થળે બે પ્રોસેસર્સ પૈકી નેજાધારીને પાવર કટ કરી દઇ બીજા પ્લાન્ટને રહેમ આપી દેવાઇ હતી. હાલની તારીખે પણ બીઆરસીમાં શુભકારી પ્રોસેસ ગેરકાયદે ધમધમી રહી છે. છતાં જીપીસીબી મૌન ધારણ કરી બેસી ગઇ છે. એટલું જ નહીં વડોદમાં તો બે-બે સિમેન્ટ પ્લાન્ટ ધમધમી રહ્યાં છે.

વડોદમાં પૌલૌમી સિમેન્ટ તથા આરસી મિકસ સિમેન્ટ પ્લાન્ટ પણ વગર પરવાનગીથી ધમધમે છે
સુરત શહેરનું વાતાવરણ પહેલાંથી જ પ્રદૂષિત હતું તેમાં હવે કેટલાંક સિમેન્ટ પ્લાન્ટ અને આરસીસીના રેડીમિકસ પ્લાન્ટ પણ પ્રદુષણ ફેલાવવા લાઇનમાં આવી ગયા છે. શહેરના વડોદ વિસ્તારમાં 100 ફુટ રોડ ટચ જીઆવ દિપલી ફળિયામાં પૌલોમી સિમેન્ટ પ્લાન્ટ ચાલી રહ્યો છે. તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, આ અને આવા જેવા જ અન્ચ બીજા આર મિકસ પ્લાન્ટ પણ ગેરકાયદે ધમધમે છે, જીપીસીબી અને સ્થાનિક સત્તાવાળાઓને થાળ ચડાવી આ પ્લાન્ટ સંચાલકોએ આસપાસના લોકોના જીવ ઉપર સંકટ ભભુ કરી દીધું છે, પોલીસ અને સુરત મહાનગરપાલિકા પણ આ ગેરકાયદે પ્લાન્ટ સામે ચૂપકીદી સેવતા અનેક શંકાકુશંકાને સ્થાન મળ્યું છે.

Most Popular

To Top