ઓગસ્ટ મહિનામાં અત્યાર સુધી 26 ટકા ઓછો વરસાદ પડયો છે, સતત બે મહિના ઓછો વરસાદ પડતા આ વર્ષે સામાન્ય કરતા ઓછો વરસાદ રહેવાની ભીતી સેવાઈ રહી છે. ભારતીય હવામાન ખાતાના (આઈએમડી) આંકડા મુજબ જુલાઈ મહિનામાં સામાન્ય કરતા 7 ટકા ઓછો વરસાદ પડયો હતો. ‘‘ગઈકાલ સુધી (28 ઓગસ્ટ) ઓગસ્ટ મહિનામાં 26 ટકા ઓછો વરસાદ નોંધાયો હતો’, એમ આઈએમડીના ડિરેક્ટર જનરલ મૃત્યુંજય મોહપાત્રાએ કહ્યું હતું, સાથે જ ઉમેર્યુ હતું વરસાદની ઘટ ઉત્તર અને મધ્ય ભારતમાં નોંધાઈ છે.
જૂન મહિનામાં સામાન્ય કરતા 10 ટકા વધુ વરસાદ નોંધાયો હતો. આઈએમડી ટૂંક સમયમાં સપ્ટેમ્બર મહિના માટે આગાહી કરશે, એમ તેમણે કહ્યું હતું. 1 જૂનથી 30 સપ્ટેમ્બર સુધી ચાલનારા ચોમાસામાં સતત બે મહિના ઓછો વરસાદ પડતા આ વર્ષે સામાન્ય કરતા ઓછો વરસાદ પડવાની આશંકા સેવાઈ રહી છે.અગાઉ હવામાન ખાતાએ આ વર્ષે સામાન્ય વરસાદ પડવાની આગાહી કરી હતી.
હવામાન ખાતાના આકંડા મુજબ 1 જૂનથી 28 ઓગસ્ટ સુધી દેશમાં 10 ટકા ઓછો વરસાદ પડયો છે. હવામાન ખાતાએ ઓગસ્ટ મહિના માટે સામાન્ય વરસાદની (લોંગ પીરિયડ એવરેજ અથવા એલપીએનો 94થી 106 ટકા) આગાહી કરી હતી પણ એવું લાગે છે કે આ આગાહી ખોટી પડી છે. મધ્ય ભારત જેમાં ગુજરાત, ગોવા, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા અને મહારાષ્ટ્ર આવે છે ત્યાં 14 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. જ્યારે ઉત્તર-પશ્ચિમ ભારતમાં 13 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. પૂર્વી અને ઉત્તરપૂર્વી ભારતમાં 8 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. દક્ષિણ ભારતમાં સામાન્ય કરતા 5 ટકા વધુ વરસાદ નોંધાયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ વખતે ચોમાસાની ચાલ ઘણી વિચિત્ર રહી છે. શરૂઆતમાં વરસાદ થોડો ખેંચાયા પછી મહારાષ્ટ્રના ખાસ કરીને પશ્ચિમી વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો અને મોટી જાનહાનિ તથા વ્યાપક ખાનાખરાબી કરી હતી. ગુજરાતમાં પણ તે સમયે એક-બે દિવસ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો પણ પછી વરસાદ ખેંચાઇ ગયો હતો. દિલ્હી સહિતના ઉત્તર ભારતના વિસ્તારોમાં ચોમાસુ ઘણુ મોડું શરૂ થયું પરંતુ બાદમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો અને ઉત્તરાખંડ તથા હિમાચલ પ્રદેશ જેવા રાજ્યોમાં તો ભેખડો ધસી પડવા જેવી ઘટનાઓ સાથે ભારે ખાનાખરાબી પણ સર્જાઇ.